સંતાનને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો… | મુંબઈ સમાચાર
પુરુષ

સંતાનને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો…

કૌશિક મહેતા

ડિયર હની,

સ્કૂલમાં ભણતો કોઈ છોકરો કે કોલેજ જતો યુવાન કોઈ કાંડ કરી દે ત્યારે એક પ્રકારનો ડર સતાવે છે. પૂરપાટ ઝડપે કાર ચલાવી એક્સિડેન્ટ કરી કોઈનું મોત નીપજાવે કે પછી કોઈ છોકરી હા ના પડે તો એના પર હુમલો કરી દે … એવી ઘટના જાણીએ ત્યારે રૂંવાડા ઊભા થઇ જાય છે. આપણે બંને મા- બાપ છીએ ત્યારે ચિંતા વધી જાય છે. એક ઘટનાની વાત કરું. હું જ્યાં કામ કરું છું એની બાજુમાં એક બેકરી છે. ત્યાં સાંજ પડ્યે જુવાનિયાઓ ટોળે વળે છે. અને શું કરતા હોય છે ખબર છે? કોફી પીતા હોય છે, સિગારેટ ફૂંકતા હોય છે. એ સિગારેટ માત્ર સિગારેટ નથી હોતી, પણ એમાં ડ્રગ્સ હોય છે.

એક રાજકીય અગ્રણીને આ વાતની ખબર પડી તો એમણે પોલીસને જાણ કરી અને પોલીસે ત્યાં ડ્રગ્સ પહોંચાડતા કોઈને પકડી પાડ્યો. થોડા દિવસ એ બેકરી આસપાસ શાંતિ તો રહી પણ પછી બધું રાબેતા મુજબ ચાલવા લાગ્યું.
આ તરુણો કે જુવાનિયા આડા પાટે ચઢે છે કેમ? એમને આવી લત લાગે છે કેમ? એવી ચર્ચા આપણા બંને વચ્ચે ઘણીવાર થઇ છે. અને ચર્ચાનું તારણ એ આવે છે કે, સંતાન ક્મ્ફર્ટ ઝોનમાં રહે છે અને એટલે એ બેકાબૂ બની જાય છે. આ માટે જવાબદાર કોણ? એવો પ્રશ્ન પણ થાય જ તો એનો જવાબ છે: મા બાપ.

વાત કડવી છે પણ સાચી છે. મા- બાપ સંતાનોને એકદમ હથેળીમાં રાખે છે. એમને કોઈ તકલીફ ના આવે એનું ધ્યાન રાખે છે. એ માગે એ ‘વિશ’ પૂરી કરે છે. સંતાનોને લાડકોડ કરવા જોઈએ એ વાત સાચી , પણ એની મર્યાદા ય હોવી જોઈએ ને? સંતાનને બધું હાથવગું હોય તો એ એની કિંમત સમજતા નથી. એટલે એ બેફામ બની શકે છે.

તને યાદ હશે કે, ભત્રીજો ભણવા ગયો ત્યાં કોલેજમાં એના એક મિત્રે મોંઘું બાઈક લીધું અને એણે પણ એના પપ્પાને કહ્યું કે, મારે ય બાઈક લેવું છે. ત્યારે મેં એને સમજાવ્યો હતો – ટપાર્યો હતો કે બેટા, તારા પપ્પા કઈ રીતે તારી ફી ભરે છે એ ખબર છે ને? ભાઈ આપણને એ બધું ના પોસાય. એ તો સારું થયું કે સાનમાં સમજીને માની ગયો, પણ બધા નથી માનતા અને મા- બાપ આવી ઇચ્છાઓ પૂરી કરતા રહે છે. ના કરે તો જુવાનિયા આડા રસ્તે પણ ચઢે છે.

આપણાં બન્ને સંતાનોના કિસ્સા છે જ ને. દીકરી પહેલીવાર બહાર ભણવા ગઈ ત્યારે ચિંતા હતી કે એને ત્યાં ફાવશે કે કેમ? એ ગુજરાતી મીડિયમ ભણી તો ત્યાં તો અંગ્રેજી મીડિયમ છે, શું થશે? આપણે બંને એને મૂકવા ગયા ત્યારે છુટ્ટા પડતી વેળા તું રડી પડી હતી. તને યાદ હશે કે, ત્યારે મેં તને કહ્યું હતું કે, તું ઢીલી પડીશ તો એ ય ઢીલી પડી જશે. એ તો ત્યાં એકલી રહેવાની છે.

આ પણ વાંચો…પત્નીની જેમ પતિ અટક બદલાવશે?

હા, અંગ્રેજી મીડિયમમાં એને શરૂઆતમાં તકલીફ પડતી હતી. એ મને ફોન કરતી. પછી હું એનો કોઈ પ્રશ્ન હોય તો એનું ગુજરાતી અને અંગ્રેજી બંને સાથે કરીને મોકલતો, જેથી એને સમજાઈ જાય. આ રીતે એ સમજવા લાગી હતી ને પછી તો આખરે એ 70 ટકાથી વધુ માર્કે પાસ થઇ હતી. એ જ રીતે એનો ફોન આવતો તો તું પૂછતી: ‘બેટા, જમવાનું બરોબર મળે છે ને, ભાવે છે ને? હું તને ટપારતો કે તું એને જમવાનું ના પૂછ.

પહેલા એને ભણવાનું કેમ ચાલે છે એ પૂછ અને છેલ્લે પૂછજે કે, જમવાનું બરાબર મળે છે ને? કારણ કે, હોસ્ટેલમાં ઘર જેવું તો જમવાનું ક્યાંથી મળવાનું? જો તમે એ પૂછ્યા કરો તો એ એની દુ:ખતી નસ હોય છે. એ બને ત્યાં સુધી ના દબાવવી જોઈએ. દીકરો પણ બહાર ભણવા ગયો ત્યારે એડમિશન લેવા એની સાથે હું ગયો જ નહોતો ત્યારે તેં કહ્યું ય ખરું કે, ‘તમારે સાથે જવું જોઈએ, એ કેમ બધું પાર પાડશે. વળી કઈ ફેકલ્ટીમાં એડમિશન મળશે એ ય નક્કી નથી…’ પણ મેં તને ધરપત આપેલી કે, એને એકલો જવા દે. ત્યાં ભત્રીજો તો છે જ. એ બંને સાથે મળી સ્થિતિ સંભાળી લેશે. દીકરાને સહી કરેલો કોરો ચેક આપી દીધો હતો. કહેલું કે, કઈ ફેકલ્ટીમાં એડમિશન મળે છે એ કહેજે, પછી ફી ભરીશું.

એ બંનેએ નક્કી કરી લીધું પછી ફોન આવેલો કે, આ ફેકલ્ટીમાં મળે એમ છે. મેં એ વિશે બધી તપાસ કરી લીધી પછી બધું ઓકે લાગ્યું એટલે હા પાડી ને ફી ભરાઈ ગઈ.

મા- બાપે એક વાત સમજી લેવી જોઈએ કે, સંતાનોને બધેબધુ ના આપો. દરેક વસ્તુની કિંમત એમ ને થવી જોઈએ. એમના પર કેટલીક જવાબદારી છોડો. એવું કરશે તો એ શીખશે. પોતાની રીતે કોઈ સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે. સેલ્ફ લર્નિંગ સૌથી શ્રેષ્ઠ હોય છે. આ રીતે સંતાન મોટા થાય તો આડે પાટે નહિ ચડે. મારી વાત સાચી ને? તું હા જ ભણશે એવી ખાતરી છે. વળતી ટપાલે તારા વિચારો પણ જણાવજે.

તારો બન્ની

આ પણ વાંચો…પત્નીઓને બધી ખબર કેમ પડી જાય છે…?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button