પુરુષ

જૂતે લે લો… પૈસે દે દો…!

  • કૌશિક મહેતા

ડિયર હની,
આપણે ત્યાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે. એમાં ઘણી બધી વિધિ થાય છે અને એની પાછળ લોજિક પણ હોય છે.
મોટાભાગે ગોર મહારાજ આ વાત વર-કન્યાને કે અન્ય કોઈને સમજાવતા નથી. વિધિ જલદી પતાવી દેવાની લ્હાયમાં આ વાત રહી જાય છે.

બીજું, લગ્નની વિધિઓ સાથે કેટલીક રીતિ એવી છે જેની પાછળ બહુ લોજિક નથી હોતું, પણ એ થાય છે અને બહુ મોજથી થાય છે. એવું જ એક રીતિ છે, જૂતા ચોરી. વરરાજા લગ્ન મંડપમાં પરણવા આવે ત્યારે વિધિ માટે પોતાના જૂતાં ઉતારે છે અને એ સમયે, ખાસ કરીને વરરાજાની સાળીઓ એ જૂતાં ચોરીને ક્યાંક છુપાવી દે છે અને કેટલીક માગણી કરે છે એ સંતોષાય ત્યારે જ જૂતાં પરત આપે છે. મોટાભાગે થોડી રોકડ મળી જાય એટલે જૂતાં પાછા મળે છે.

હમણાં એક લગ્નમાં ગજબ થયો. કન્યા પક્ષે વરરાજાના જૂતાં ચોરી લીધા અને પછી ડિમાંડ શું કરી ખબર છે? શુકન તરીકે રૂ. 11 લાખની મોટી રકમની માગણી કરી. વરરાજા તરત જ પૈસા આપવાનો ઇનકાર કરે છે. તેના બદલે એ ય મજાકમાં આ રકમ માટે કોઈ બીજાની માગણી કરે છે, જેનાથી બધા હસવા લાગે છે. વરરાજા સાળાને જાહેરમાં નૃત્ય કરવું અથવા બેસૂરૂ ગીત ગાવું.

પોતાનો મનપસંદ સામાન (જેમ કે ઘડિયાળ) આપી દેવો. વચન આપવું કે તે આ કપલ માટે એક વર્ષ સુધી વાસણ ધોશે! પણ પછી થોડી રોકડથી કામ પતી ગયું.

આ જૂતાં ચોરવાની વિધિ ક્યારે અને કોણે શરૂ કરી એનો કોઈ અતોપતો નથી, પણ આ વિધિ પાછળ એક હેતુ એ હોય શકે.

ઘણીવાર એવું બને છે કે, વરરાજા પક્ષ અને કન્યા પક્ષ પોતપોતાના તોરમાં હોય છે. ખાસ કરીને વર પક્ષ. એમાં આવી વિધિ કે રીતિ આઈસબ્રેકિંગ બની જાય છે, પણ ઘણીવાર આ જ વાત મારામારી અને લગ્ન ફોક સુધી પહોચે છે.

ઉત્તર પ્રદેશમાં એક ઘટનામાં કન્યા પક્ષની બહેનોએ વરરાજા પાસેથી જૂતા પાછા આપવા માટે રૂ.50,000ની માગણી કરી ત્યારે વરરાજાએ આટલી મોટી રકમ આપવાને બદલે માત્ર રૂ. 5,000/- ઓફર કર્યા. આનાથી કન્યા પક્ષની મહિલાઓ ગુસ્સે થઈ ગઈ અને તેમણે વરરાજાને જાહેરમાં `ભિખારી’ કહ્યો એમાંથી વાત વણસી. બંને પક્ષ વચ્ચે જબરો ઝઘડો થયો. વરરાજાને એક રૂમમાં પૂરીને રીતસર ફટકારવામાં પણ આવ્યો હતો. અંતે પોલીસ હસ્તક્ષેપથી સમાધાન કરવું પડ્યું.

અન્ય એક કિસ્સામાં, કન્યાની બહેને જૂતાં માટે રૂ. 15,000ની માગણી કરી. વરરાજાના પક્ષે માત્ર રૂ. 2,100 આપવાની તૈયારી બતાવી, જેની સામે કન્યા પક્ષે આ રકમ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. બંને પક્ષો વચ્ચે રકમને લઈને ગરમાગરમ દલીલો થઈ, અને વિવાદ એટલો વધી ગયો કે લગ્ન સમારોહ જ રદ કરી દેવામાં આવ્યો.

એમ તો હવે વરરાજા પક્ષ પણ સાવચેતી રાખવા લાગ્યો છે. ખાસ કરીને જૂતા ચોરી મુદે. આ મુદે અણવર બહુ સચેત રહે છે. જૂતાં ચોરાઈ ના જાય એની તકેદારી એ રાખે છે. લગ્ન મંડપમાં જાય અને વરરાજા જૂતાં ઉતારે કે તુરંત અણવર એની મોજડી હસ્તગત કરી લે છે. અને એમાંય `પ્લાન બી’ પણ હોય છે. માની લો કે, કન્યા પક્ષ જૂતા ચોરી જાય તો વરરાજા માટે જૂતાની બીજી જોડી તૈયાર રાખી જ હોય છે. લગ્ન પતે એટલે એને એ પહેરાવી દેવામાં આવે છે. આ કારણે કન્યા પક્ષે એમની ડિમાન્ડ ઘટાડવી પડે છે અને ઓછામાં રાજી થઈ જૂતા પાછા આપવા પડે છે.

જો કે, આજે ય વરરાજા અને એના મિત્રોનું લગ્નમાં પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. એમના માટે કન્યા પક્ષ ખાસ ટુકડી બનાવે છે, જે બધી વ્યવસ્થાનું ધ્યાન રાખે છે.
અહીં મહત્ત્વનું એ છે કે જૂતાં ચોરવા એ સમસ્યા ના બનવી જોઈએ, નહીંતર મજાકભરી રીતિ ક્યારેક ડખાનું કારણ બની જાય છે.

ઘણી વાર વરરાજા પક્ષ દ્વારા ખોટી માગણી કરવામાં આવે છે. આપણા જ લગ્નની વાત કં તો જાન તમારા માંડવે આવી અને પછી નાસ્તો અપાયો. ગાંઠિયા-જલેબી હોય એ સ્વાભાવિક હતું , પણ અમારા પક્ષના એક વ્યક્તિને કમતિ સૂઝી અને એમણે ચમચી માગી. એમનું કહેવું હતું કે, હાથેથી એ ગાંઠિયા કે જલેબી નહિ ખાય. એ સમજવું મુશ્કેલ હતું કે, ચમચીથી ગાંઠીયા કે જલેબી કઈ રીતે ખવાય?

આ તો નાની માગણી હતી પણ ઘણીવાર વરરાજાના પક્ષ તરફથી ખોટી ડિમાંડ થાય છે અને કન્યા પક્ષ વિમાસણમાં મુકાય છે. મોટાભાગે કન્યા પક્ષ વાર પક્ષની ખોટી માગણી પણ સ્વીકારી લે છે. બધાને ડર હોય છે કે, ક્યાંક પ્રસંગ ના બગડે.

આવી વાત નિવારવી જોઈએ. લગ્ન એ એક વિધિ છે. એની વિધિઓનું સન્માન થવું જોઈએ. બંને પક્ષ હળીમળીને મોજ કરે એવું વાતાવરણ રહે એ ઇચ્છનીય છે. હવે તો બંને પક્ષ સાથે મળી લગ્નનું આયોજન કરે છે એ સારી નિશાની છે અને એ આવકાર્ય પણ છે.
તારો બન્ની

આપણ વાંચો:  મેલ મેટર્સઃ અબ હમ બોલે તો બોલે ક્યા? કરે તો કરે ક્યા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button