પાનખરમાં ખીલી વસંત

- નીલા સંઘવી
જો જો, વસંત તૈયાર થઇને ઉતર્યો, ગેટની બહાર નીકળ્યો. જો જો, હમણાં થોડી જ વારમાં વાસંતી પણ તૈયાર થઇને લટક મટક કરતી નીકળશે. સરલાબહેને આસ્તેથી રમાબહેનને કહ્યું.
‘હા, આ તો રોજનું છે. વસંત થોડે દૂર જઇને વાસંતીની રાહ જોઇને ઊભો રહેશે. વાસંતી પહોંચશે એટલે બંને રિક્ષામાં બેસીને ફરવા નીકળી પડશે.’ રમાબહેન બોલ્યાં.
‘પણ, આવું કંઇ ચાલે? આ ઉંમરે આ બધું સારું લાગે છે? રંજન બહેને એમને ગાર્ડનમાં બાજુબાજુમાં બેસીને ગુટુર-ગુ-કરતા જોયા હતાં. આ બંને તો આપણાં વૃદ્ધાશ્રમનું નામ ખરાબ કરી રહ્યાં છે.’
‘સાચે જ, આ તો બહુ ખરાબ કહેવાય. રોજ સાંજ પડે અને બંને નીકળી પડે છે. પાછા આવે ત્યારે પણ થોડા આગળ પાછળ આવે છે. એ બન્નેને એવું લાગે છે કે આપણને તો કાંઇ સમજ પડતી નથી. આપણે તો બોઘા છીએ. એમના છીનાળાની આપણને ખબર નથી.’ રમા બહેને આક્રોશ ઠાલવ્યો.
‘તો શું કરીશું? આમ અંદરોઅંદર વાતો કરીને કાંઇ વળવાનું નથી.’
‘આપણે બધાં ભેગાં મળીને મેનેજરને ફરિયાદ કરીએ. મેનેજર બંનેને બોલાવીને ધમકાવશે એટલે સીધાંદોર થઇ જશે.’ સરલાબહેન અને રમાબહેનના આ સંવાદ બીજા વૃદ્ધાશ્રમવાસીઓ પણ સાંભળી રહ્યા હતા. એ બધાં જ વસંત અને વાસંતી સામે ફરિયાદ કરવાની વાત સાથે સમંત થયા.
વૃદ્ધાશ્રમમાં વસંતભાઇ છેલ્લાં બે વર્ષથી રહેતા હતા અને વાસંતીબહેન ગયા વર્ષે રહેવા આવ્યાં. વસંતભાઇ હશે 65-66 વર્ષના અને વાસંતીબહેન હશે. 62-63 વર્ષના. વસંતભાઇની પર્સનાલિટી સરસ. આ ઉંમરે પણ કસરત કરતા શોખીન જીવ એમનાં વસ્ત્રો પણ સરસ હોય. હંમેશાં અપડુડેટ રહે.
વાસંતીબહેન ગોરા-દેખાવડા સરસ સલૂકાઇથી ગુજરાતી ઢબે સાડી પહેરે, ઢીલો અંબોડો વાળે અને ગજરો નાખે. ગજરાનો એમને બહુ જ શોખ. વસંતભાઇની પત્નીનું દેહાંત થયું પછી પરદેશ રહેતી એકમાત્ર દીકરીએ પિતાને પોતાની સાથે રહેવા આવી જવા માટે બહુ વિનવ્યા, પણ વસંતભાઇ ન માન્યા.
એમણે કહ્યું ‘હું ત્યાં આવીને શું કરું? એકલા પડી જવાય. અહીં તો સગાં-સંબંધી મિત્રો છે તેમની કંપની રહે. વાર-તહેવારે, લગ્ન પ્રસંગે જવા-આવવાનું થાય. મને અહીં જ ગમે. એટલે તું મને આગ્રહ ન કરતી. …’ આખરે દીકરીએ પિતાની જીદ માની પણ એને ચિંતા હતી પિતા ખાવા-પીવાનું અને ઘર બધું કેવી રીતે મેનેજ કરશે.
એનો તોડ પણ વસંતભાઇએ કાઢ્યો. સરસ વૃદ્ધાશ્રમ શોધીને રહેવા આવી ગયા. દીકરી નચિંત બની.
વાસંતી બહેનના પતિ ગુજરી ગયા પુત્ર-પુત્રવધૂ સાથે રહેતાં હતાં. પણ પુત્રવધૂને સાસુ જરાય પસંદ ન હતા. તેથી કચકચ કર્યા કરતી હતી. વાસંતીબહેન કંટાળી ગયા. આમ કેવી રીતે જીવવું? આખી જિંદગી તો ઢસરડા કર્યા, ગરમ મગજના પતિ સાથે નિભાવ્યું, પણ હજુ આમ જીવવાનું? હવે વહુની જોહુકમી સહન કરવાની?
એક દિવસ વાસંતીબહેનને એની બહેનપણી મળવા આવી. એને વાસંતીબહેનની બધી જ હિસ્ટ્રી ખબર હતી. વાત કરતા કરતા વાસંતીબહેન રડી પડયાં એની બહેનપણીએ વૃદ્ધાશ્રમમાં જવા સૂચન કર્યું અને ત્રાસી ગયેલા વાસંતીબહેને એ સૂચન સ્વીકારી લીધું.
આશ્રમમાં આવ્યા બાદ સવાર-સાંજ ઠાકોરજીની આરતી વાસંતીબહેન ગાય. તેમનો મધુર અવાજ વસંતભાઇના દિલને સ્પર્શી ગયો. ‘જયશ્રીકૃષ્ણ’થી શરૂ થયેલો સંવાદ ‘મને તું ગમે છે’ સુધી વિસ્તર્યો. પછી મોબાઇલ નંબરની આપ-લે થઇ. મોબાઇલ પર વાત કરીને ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું. એ પ્રથમ મુલાકાત પછી હરરોજની મુલાકાતમાં ફેરવાઇ ગઇ.
મોબાઇલ પર મળવાનો સમય નક્કી થઇ જતો. વસંતભાઇ ગલીના નાકે જઇને ઊભા રહેતા. દસેક મિનિટ પછી વાસંતીબહેન નીકળતાં. બંને મળીને રિક્ષા કે ટેકસીમાં ફરવા કે સિનેમા જોવા જતા. પાછા વળતી વખતે વળી બંને આગળ-પાછળ થઇ જતા. જોકે, આ વાત વૃદ્ધાશ્રમના રહેવાસીઓના ધ્યાનમાં આવી ગઇ હતી.
આ વાત ધ્યાનમાં આવતા પંચાત શરૂ થઇ ગઇ. સમાજ કેવો છે નહીં? બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ સહન કરી શકતો નથી. એમાંયે જૈફ ઉંમરે આને આછકલાપણું ગણે છે. વૃદ્ધાશ્રમના નિવાસીઓએ મેનેજરને ફરિયાદ કરી: ‘આ વસંત-વાસંતી આપણાં વૃદ્ધાશ્રમનું નામ ખરાબ કરે છે. આ ઉંમરે પેમલા-પેમલીની જેમ સાથે ફરે છે, કોઇ જોશે તો શું કહેશે? તમે એ બંનેને બોલાવીને ધમકાવો અને તેમનું સાથે ફરવાનું બંધ કરાવો.’
મનેજેરે બધાની વાત સાંભળી લીધી અને કહ્યું કે એ ઘટતું કરશે. બધાં રાજી થતા થતા ગયા. બધાં ખુશ હતા. હવે પેલા બંનેની ખેર નથી. મેનેજર બધાંની વાત સાંભળીને વિચારમાં પડ્યા. લાંબા વિચારને અંતે મેનેજરે વસંતભાઇની દીકરીને ફોન જોડ્યો અને બધી વાત કરી. દીકરી તો ખુશ થઇ ગઇ. તેણે મેનેજરને કહ્યું, ‘જો પપ્પાને કોઇ ગમતું હોય, એમને કોઇની કંપની મળતી હોય, સારાં કમ્પેનિયમ મળતા હોય તો મને ગમશે. હું પપ્પા સાથે વાત કરીશ અને તેઓ બન્ને સાથે રહે તેવી વ્યવસ્થા કરીશ.’
વસંતભાઇની દીકરી સાથે વાત કર્યા પછી મેનેજરે વાસંતીબહેનના દીકરાને ફોન જોડ્યો. દીકરાએ પોતાની પત્નીને ફોન આપ્યો અને એની સાથે વાત કરવા કહ્યું, વાસંતીબહેનની પુત્રવધૂએ કહ્યું, ‘જુઓ, મને મારી સાસુ સાથે કદી ફાવ્યું નથી. પણ એનો અર્થ એ નથી કે હું એમની ખુશીઓની ખિલાફ છું.
મારા સાસુએ કદી સુખ જોયું નથી. મારા સસરાનો સ્વભાવ બહુ ગરમ હતો એ સતત મમ્મીની અવગણના કરતા રહેતા હતા. ત્યારબાદ મારી સાથે પણ એમનું જામ્યું નહીં. સુખી થવાનો એમનો હક્ક છે. એમને કોઇ પ્રેમથી સાચવી લેતું હોય તો બંને સાથે રહે, લગ્ન કરે એ મને ગમશે અને એમાં હું પોતે આગળ પડતો ભાગ લઇશ. શું ઉંમરલાયક વ્યક્તિને પ્રેમ ન થઇ શકે? શું એ પોતાને ગમતી વ્યક્તિ સાથે જીવી ન શકે? પ્રેમ-લાગણીને ઉંમર સાથે શું સંબંધ છે? ’
મેનેજર બંને પક્ષની વાત સાંભળીને ખુશ થઇ ગયા. થોડા સમય પછી વાસંતી બહેનને લઇને વસંતભાઇ પોતાના ઘેર ગયા. હવે વાસંતીબહેનના અંબોડામા વસંતભાઇ ગજરો નાખી આપે છે. અને વાસંતીબહેન આગ્રહ કરીને વસંતભાઇને ગરમ રોટલી જમાડે છે…
બે મન મળે તો પાનખરમાં ય વસંત મહોરી ઊઠે એ આનું નામ !
આપણ વાંચો: પત્નીની જેમ પતિ અટક બદલાવશે?