પુરુષ

રહાણેનો રણકો ફરી સંભળાયો

ત્રણ વર્ષ પહેલાં શાનદાર કૅપ્ટન્સીથી ઑસ્ટ્રેલિયામાં ભારતને ઐતિહાસિક સિરીઝ જિતાડનાર અજિંક્યના સુકાનમાં મુંબઈ ૪૨મા રણજી ટાઇટલની નજીકમાં જ છે: તેની કરીઅર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

અજિંક્ય રહાણે માટે જાન્યુઆરી ૨૦૨૧નો સમયગાળો સુવર્ણકાળ હતો, કારણકે ત્યારે તેની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક સિરીઝ જીતી હતી. ત્યાર પછી તેના સુકાનમાં મુંબઈની ટીમ રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યા પછી ચૅમ્પિયનપદ ચૂકી ગઈ હતી અને ખુદ તે બૅટિંગમાં અસલ ફૉર્મમાં પણ નહોતો આવી શક્યો. ટીમ ઇન્ડિયામાંથી તેની બાદબાકી પણ થઈ હતી. જૂન, ૨૦૨૩માં ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં તેના ૮૯ રન હાઇએસ્ટ હતા, પણ ભારતે એ ફાઇનલમાં હાર જોવી પડી તેનો ખરાબ સમય લંબાતો ગયો. છેક હવે (ત્રણ વર્ષે) તેનું ભાગ્ય ફરી ચમકવા લાગ્યું છે.

બે દિવસ પહેલાં વાનખેડે સ્ટેડિયમમાં વિદર્ભ સામેની રણજી ટ્રોફી ફાઇનલના બીજા દાવના ૭૩ રનની ઇનિંગ્સ સાથે તે પાછો ફૉર્મમાં પણ આવ્યો છે અને તેની કૅપ્ટન્સી પણ સોળે કળાએ ખીલી છે. તેના સુકાનમાં મુંબઈએ આ વખતે તો ૪૨મું ટાઇટલ જીતવાની પાકી તૈયારી કરી લીધી છે.

મુદ્દાની વાત એ છે કે રહાણેનું બૅટિંગ-ફૉર્મ અને કૅપ્ટન્સી સાથે-સાથે સફળ થઈ રહ્યા છે. આ એક કોયડો છે તો તેના અંગત જીવનની બીજી ઘણી વાતો પણ અનોખી છે. સચિન તેન્ડુલકરની જેમ રહાણે પણ લખવામાં લેફ્ટી છે, પણ બૅટિંગમાં રાઇટ-હૅન્ડ છે. ખુદ રહાણેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નાનપણમાં તે લેફ્ટ-હૅન્ડ બૅટિંગ અને બોલિંગ કરતો હતો, પણ સચિન અને રાહુલ દ્રવિડ પરથી પ્રેરિત થઈને પોતાને રાઇટ-હૅન્ડમાં ફેરવી નાખ્યો હતો.

કરાટેમાં બ્લૅક બેલ્ટ ધરાવતો રહાણે ખૂબ શાંત તથા શરમાળ સ્વભાવનો છે અને ભાગ્યે જ ગુસ્સે થાય છે. વિનમ્રતા તેની ખાસિયત છે. ખુદ રહાણેને યાદ નથી કે છેલ્લે તે ક્યારે ક્રોધિત થયો હતો. દરરોજ મેડિટેશન માટે પૂરતો સમય ફાળવતા રહાણેનો કૅપ્ટન્સીમાં અને બૅટિંગમાં જે અપ્રોચ રહ્યો છે એ યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે.

રહાણેમાં દૃઢતા અને સંકલ્પશક્તિ પણ ઠાંસી-ઠાંસીને ભરેલા છે. તેનો નાનપણનો એક કિસ્સો જાણવા જેવો છે. ૧૯૯૦ના દાયકામાં ડોંબિવલીથી કેટલાક છોકરાઓ એક મૅચ રમવા માટે ૫૦ કિલોમીટર દૂર આઝાદ મેદાન પર આવ્યા હતા. આઠ વર્ષનો છોકરો ડોંબિવલીની ટીમનો ઓપનર હતો. પહેલો બૉલ બાઉન્સર હતો જે પેલા ઠીંગણા ઓપનરની હેલ્મેટ પર જોરદાર વાગ્યો હતો. સાથીઓને થયું કે તેમના એ ઓપનરનું માથું જ ભાંગી ગયું. એ બૅટર તરત જ નીચે બેસી પડ્યો અને રડવા લાગ્યો. તેની ટીમના સિનિયર ખેલાડીઓને થયું કે આ ટેણિયાને તેનાથી ત્રણગણી વધુ ઉંમરવાળા બોલરનો સામનો કરવા ઓપનિંગમાં મોકલીને ભૂલ કરી. તેમની વાતો સાંભળીને એ ટેણિયો ઊભો થયો, ચહેરો અને હાથ સાફ કર્યા, આંસુ લૂછી કાઢ્યા અને હેલ્મેટ પાછી પહેરીને સ્ટાન્સ લેતાં બોલ્યો, ‘આય ઍમ રેડી.’

એ ટેણિયા સામેનો બોલર આઝાદ મેદાન નજીકની રેસ્ટોરાંનો વેઇટર હતો. તેણે ટાબરિયાને કહ્યું, ‘તારે જૂના બૉલનો જ સામનો કરવો જોઈએ. ન્યૂ બૉલ સામે રમવાનું તારું ગજું નહીં. હું તો કહું છું કે તું આ મૅચ છોડીને જતો રહે.’

જોકે એ ટાબરિયાએ પછીના પાંચેય બૉલમાં ફોર (૪, ૪, ૪, ૪, ૪) ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. બોલરના મંતવ્યને તેણે પાંચ જ બૉલમાં બદલી નાખ્યો હતો. એ ટેણિયો બીજું કોઈ નહીં, પણ અજિંક્ય રહાણે.

આજે એ જ રહાણે સ્કૂલના બાળકો ભારતીય ક્રિકેટનો અને ખાસ કરીને મુંબઈ ક્રિકેટનો દિગ્ગજ કહી શકાય એવો કૅપ્ટન-બૅટર છે. પોતે નાનપણમાં કેવા સંઘર્ષ કરીને પોતાની કરીઅર ડેવલપ કરી એ રહાણે જરાય નથી ભૂલ્યો. તાજેતરમાં મુંબઈમાં તેણે ‘બૉડી ફિટ તો લાઇફ હૈ હિટ’ના બૅનર હેઠળ એક સ્કૂલના બાળકોને ફિટનેસ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેણે પ્રવચનમાં કહ્યું, ‘ફિટનેસથી માત્ર શારીરિક શક્તિ કે ક્ષમતા જ મેળવી શકાય એવું નથી. ફિટનેસથી વ્યક્તિને મુશ્કેલીઓમાંથી પાર ઉતરવાનું સામર્થ્ય મળે છે તેમ જ સ્થિતિ મુજબ તે પોતાને બદલવાની ક્ષમતા પણ કેળવી શકાય છે.
આ ક્ષમતા ખેલાડીને મેદાન પર કે મેદાનની બહાર ઉપયોગી થાય છે.’

૩૫ વર્ષની ઉંમરનો મુંબઈનો રહાણે ૨૦૦૮માં આઇપીએલના પ્રથમ વર્ષમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો હતો અને અત્યાર સુધીમાં કુલ છ ફ્રૅન્ચાઇઝી વતી રમી ચૂક્યો છે. ૨૦૨૩ની આઇપીએલમાં તેણે ૧૯ બૉલમાં એ સીઝનની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ફટકારી હતી અને ચેન્નઈને પાંચમું ટાઇટલ અપાવવામાં ઉપયોગી થયો હતો.

હવે ફરી આઇપીએલ બહુ નજીક આવી ગઈ છે. રહાણે ફૉર્મમાં આવી ગયો છે અને સીએસકેએ તેને ટીમમાં જાળવી રાખ્યો છે. બની શકે ટીમ ઇન્ડિયામાંથી અવગણવામાં આવેલો રહાણે રણજીમાં પરચો બતાડ્યા પછી હવે આઇપીએલમાં પાછો ચમકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…