સેતુનું કામ કરજો…

નીલા સંઘવી
આ `સંધ્યા-છાયા’ કોલમમાં આપણે વૃદ્ધાશ્રમ વિષે વાતો કરી. આ કોલમમાં આપણે જીવન સંધ્યાને આરે ઊભેલાં લોકો વિશે વાતો કરીએ છીએ. એમના પ્રોબ્લેમના સોલ્યુશન આપણે વૃદ્ધાશ્રમમાં શોધીએ છીએ. હવેથી આપણે વૃદ્ધાશ્રમની વાતો તો ક્યારેક ક્યારેક કરીશું , પણ સાથે સાથે ઘરે- પરિવાર સાથે રહેતા વડીલોની વાતો પણ કરીશું. સિનિયર સિટિજનના પ્રશ્નો, પ્રોબ્લેમ્સ, સ્વભાવ અને એનાં નિરાકરણ સહિત એમના જીવનને સ્પર્શતા પ્રશ્નો વિષે ચર્ચા કરીશું.
તાજેતરમાં એક પારિવારિક પ્રસંગે અમે સૌ સગાં-સ્નેહીઓ મળ્યા હતા. મુંબઈમાં આપણે હવે કોઈને ત્યાં કારણ વગર મળવા જતા નથી. સારાં-નરસાં પ્રસંગે સૌ મળીએ છીએ. તેથી જ્યારે મળવાનું થાય ત્યારે કંઈ કેટલીયે વાતો કરવાની હોય છે. અમારાં એક સ્નેહી વડીલનું તાજેતરમાં અવસાન થયું હતું. સૌ એને યાદ કરતા હતા. એમના અવસાનને એકાદ મહિનો જ થયો હોવાને કારણે એમના પરિવારજનો હાજર ન હતા, એટલે હંમેશાં જેમ બનતું આવ્યું છે તેમજ ગેરહાજર પરિવાર વિશે વધુ ચર્ચા ચાલી. પુષ્પાકાકીએ પૂછ્યું :
`નંદલાલભાઈ પાસે ઘણી મિલકત, પૈસો પણ ઘણો હતો નહીં?’
`હા, એ ખૂબ કમાયાં ‘ કોઈ જાણકાર ભાઈ બોલ્યા.
આ પણ વાંચો: વૃદ્ધાશ્રમમાં સ્થળાંતર… આવું પણ કારણ હોઈ શકે !
`પણ સાંભળ્યું છે એમને દીકરા સાથે સંબંધ ન હતો?’ પુષ્પાકાકીએ પંચાત શરૂ કરી.
`હા, પુત્ર-પુત્રવધૂ સાથે નંદલાલભાઈ અને નિર્મળાબહેનને જરાય બનતું ન હતું. કહે છે કે બોલવા વહેવાર પણ ન હતો.’
રમામાસીએ ચર્ચામાં સૂર પૂર્યો.
` એવું તે વળી શું થઈ ગયું કે દીકરા-વહુ સાથે બોલવા વહેવાર પણ ન હતો?’ પુષ્પાકાકીએ પંચાત – પુરાણ આગળ ચલાવ્યું.
`હવે, એ તો કેમ ખબર પડે? સૌ એકમેકનો વાંક કાઢે. સાચી વાત કોણ કરે? કોઈ પોતાની વાત તો ન જ કરે. પણ પરિવારમાં ખટરાગ હતો એ વાત તો સૌ જાણતા હતા.’ રમાબહેને કહ્યું.
`નંદલાલભાઈનું અવસાન થયું ત્યારે એમનાં પુત્ર-પુત્રવધૂ આવ્યાં હતાં કે નહીં?’ પુષ્પાબહેને પૂછ્યું.
`હા, આવ્યા હતા ને. એમના નજીકના સંબંધીએ ફોન કર્યો હતો અને દીકરો-વહુ દોડતા આવ્યાં હતાં.’ રમામાસીએ કહ્યું.
`નંદલાલભાઈએ બધી મિલકત કોને આપી?’ પુષ્પાકાકીએ પૂછ્યું.
`હમણાં મેં સાંભળ્યું છે કે બંને ભાઈ-બહેને શાંતિથી ભાગ પાડીને સરખે ભાગે મિલકત વહેંચી લીધી.’ રમામાસીએ જણાવ્યું.
`એ કેવી રીતે બન્યું? લોકોને તો મિલકત માટે ભારે ઝઘડા થાય છે.’ પુષ્પાકાકીએ કહ્યું.
`હા, આ લોકોના કેસમાં પણ એવું જ લાગતું હતું કે આ ભાઈ-બહેન વચ્ચે મોટા ઝઘડા થશે. લાકડીઓ ઊડશે અને કોર્ટ-કચેરીએ મામલો પહોંચશે પણ એવું કાંઈ થયું નહીં.’ રમામાસી બોલ્યાં.
`તે આ નંદલાલભાઈને કેટલા સંતાન?’ પુષ્પાકાકીએ પૂછ્યું.
`એક દીકરો અને એક દીકરી.’ રમામાસીએ જણાવ્યું.
`દીકરાને તો મિલકત આપવાના ન હતા, કારણ કે એની સાથે સંબંધ ન હતો, તો શું બધી મિલકત દીકરીના નામે કરી હતી?’ પુષ્પાકાકીનો પ્રશ્ન.
`હા, નંદલાલભાઈ અને એમના પત્નીએ બધી જ મિલકત, ફિકસ્ડ ડિપોઝિટ, દર-દાગીના બધું જ દીકરીના નામે કર્યું હતું. તેથી જ નંદલાલભાઈના અવસાન વખતે બધાંને લાગતું હતું કે હવે ભારે થવાની છે. દીકરો-વહુ થોડા ચૂપ રહેશે? વળી દીકરાની આર્થિક સ્થિતિ પણ નબળી. સામે પક્ષે દીકરી કરોડપતિ. મોટાભાગના સગાં-સંબંધી દીકરીના પક્ષે જ હતા, કારણ કે દીકરી અને તેનો પરિવાર સક્ષર અને સમાજમાં આગળ પડતો હતો. બધાં પોતપોતાની રીતે પોતાના હથિયારની ધાર કાઢીને તૈયાર બેઠાં હતાં. તેમને બધાંને એમ હતું કે આ લોકોને ઝઘડો પડશે એટલે વચમાં મધ્યસ્થી કરવા આપણને તો બોલાવશે જ.. પંદર દિવસ થયા બધાં ક્રિયા-કર્મ શાંતિથી થઈ ગયા. સગાં-વહાલાં ઊંચા-નીચા થતા હતા, પણ ભાઈ-બહેને જાણે મૌન ધારણ કરી લીધું હતું.
`તો પછી શું થયું દીકરીએ બધું રાખી લીધું?’ પુષ્પાકાકીએ પૂછ્યું.
`ના, રે ના. ભાઈ-બહેને સરખે સરખા ભાગે મિલકત વેચી લીધી.’ રમામાસીએ જણાવ્યું.
`શું વાત કરો છો, ઝઘડો ન પડ્યો?
ના, જરાય નહીં. ભાઈ-બહેને અંદર અંદર સમજી લીધું. બહેન પણ ડાહી. તેણે કહ્યું,
મારા મા-બાપે જે કર્યું તે પણ ભાઈનો શું વાંક છે? એને પણ એના હક્કનું મળવું જોઈએ. આમ જરાયે મનદુ:ખ ન થયું. આજે ભાઈ અને બહેનના પરિવાર વચ્ચે મધુર સંબંધ જળવાઈ રહ્યાં છે.’ રમામાસીએ વાતને વિરામ આપતા કહ્યું.
આ પણ વાંચો: કેટલી વાર મળ્યા બાદ નક્કી થાય કે…
અહીં સવાલ એ પેદા થાય છે કે માતા-પિતાએ આવું કેમ કર્યું? પુત્ર જેવો પણ હોય પણ એને એનો હક્ક આપવો જોઈતો હતો. પુત્રને તમે સાવ તમારી મિલકતમાંથી બાકાત ન રાખી શકો. ધારો કે બહેન ભાઈને તેનો ભાગ આપવા તૈયાર ન થઈ હોત તો ભાઈ શું ચૂપ રહેત? ભાઈ ચૂપચાપ બધી મિલકત બહેનને હવાલે કરીને રાજી થઈને ઘરમાંથી નીકળી જાત? ના. ભાઈ કોર્ટ કેસ કરત. મિલકત પર સ્ટે લાવત… પણ બહેનની સમજણ અને ભાઈ પ્રત્યેનો પ્રેમ જીતી ગયો અને ઘીના ઠામમાં ઘી પડી ગયું.
આ ઉદાહરણ પરથી વડીલોએ એ સમજવાનું છે કે એમણે એવું કામ કરવું જ શા માટે કે પોતાના મૃત્યુ પછી વારસદારો વચ્ચે ઝઘડા થઈ જાય. અહીં તો વારસદારો સમજુ હતા તેથી બધું ઠીક થઈ ગયું.
બાકી ટૂંકમાં , માતા-પિતાએ પોતાનાં સંતાનો વચ્ચે ભેદભાવ રાખવો નહીં. બધાંને તેના હક્કનું આપવાનું છે. મરતાં મરતાં પોતાનાં સંતાનો વચ્ચે સેતુ બાંધતા જવાનો છે.