એ દિવસો તો ગયા…. | મુંબઈ સમાચાર
પુરુષ

એ દિવસો તો ગયા….

નીલા સંઘવી

સ્વાભાવિક રીતે જ સૌને એમ જ લાગતું હોય છે કે ‘તેહિનો દિવસા ગતા:’ અર્થાત એ દિવસો ગયા. હવે એ દિવસો ક્યાં છે ? ખાસ કરીને ઉંમર થઈ જાય પછી દરેક પોતાની યુવાનીના દિવસો યાદ કરીને કહેતા હોય છે કે
‘એ દિવસો તો ગયા…’ એટલું બોલીને કે વિચારીને અટકી જઈએ ત્યાં સુધી ઠીક છે. પણ એ વાત ધ્યાનમાં લઈને મુંઝાયા કરીએ, ચિડાયા કરીએ તો જીવન ઝેર બની જાય , કારણ કે એક સરખા દિવસ કોઈના જતા નથી.

રેખાબહેન 80 વર્ષના છે. અત્યારે એકલાં છે. એક રૂમ-કિચનના ફ્લેટમાં એકલા રહે છે. નથી કોઈ એના ઘેર આવતું, નથી એ પોતે ક્યાંય જઈ શકતાં. જાણે એક દંડિયા મહેલમાં કોઈ રાજકુમારી કેદ હોય એમ એમનું જીવન છે.
એમને પોતાની યુવાનીના- કારકિર્દીના દિવસો બહુ યાદ આવે ત્યારે નિસાસો નાખીને બોલે છે, “તે હિ નો દિવસા ગતા:” બોલીને પછી રડે. એમણે ઝાકઝમાળ ભરી જિંદગી વિતાવી છે. આગળપાછળ લોકો આટાંફેરા કરતા.

એમનો ઓટોગ્રાફ લેવા, ફોટો પાડવા લોકોની લાઈન લાગતી. ઘેર લોકોના ફોન સતત રણકતા રહેતા.એમના મકાનની બહાર લોકોનાં ટોળા એ બહાર નીકળે ત્યારે એમની એક ઝલક ઝીલવા કલાકો ઊભા રહેતા. નાટક અને ફિલ્મની એક મસ્ત અદાકારા, જેના એક સ્મિત પાછળ લાખો દીવાના જાન આપી દેવા તૈયાર હતા તે રેખાબહેનની સામે જોવા આજે કોઈ તૈયાર નથી તેથી લાગી તો આવે જ ને?

રેખાબહેન નાનપણથી જ કામે વળગી ગયેલાં . દારૂડિયો બાપ અને ચાર ભાઈ-બહેન, મા બિચારી પારકાં કામ કરીને જેમતેમ ગુજરાન ચલાવતી હતી. ચાર ભાઈ-બહેનમાં સૌથી મોટા રેખા, મા કામ કરવા જાય ત્યારે નાના ત્રણ ભાઈ-બહેનનું રેખા ધ્યાન રાખે. જેવી આવડે તેવી રસોઈ બનાવે. રેખા નાનપણથી કોઈની પણ સરસ નકલ કરી શકતી. ગામમાં કોઈ વાર નાટક મંડળી આવતી. એ નાટકના ડાયલોગ સરસ રીતે બોલી જતી. વળી એની સ્મરણ શક્તિ પણ તીવ્ર હતી. એક જ વાર નાટક જોઈને એને ડાયલોગ યાદ રહી જતા.

એકવાર રેખા બાળકો સામે રમી રહી હતી અને રમતા રમતા આગલી રાત્રે જોયેલા નાટકના ડાયલોગ બોલતી હતી. બરાબર એ જ સમયે એ નાટકના દિગ્દર્શક ત્યાંથી પસાર થયા. એમના કાને વ્યવસ્થિતપણે બોલાયેલો ડાયલોગ પડ્યો અને એ થંભી ગયા . એ રેખાને જોઈ રહ્યા. ડાયલોગ બોલવા સાથે રેખા પરફેક્ટ એક્સપ્રેશન પણ આપતી હતી. દિગ્દર્શક ઈમ્પ્રેસ થઈ ગયા. રેખાને એનું નામ – ઠેકાણું પૂછ્યું અને રાત્રે રેખાને ઘેર પહોંચી ગયા.

ઘરની ખસ્તા હાલત જોઈને આ લોકોની પરિસ્થિતિનો ખ્યાલ પણ એ દિગ્દર્શકને આવી ગયો. એમણે રેખાની માને કહ્યું, ‘તમારી દીકરી પ્રતિભાશાળી છે. અમારું નવું નાટક શરૂ થવાનું છે અને મુંબઈમાં અમે તે રજૂ કરવાના છીએ. બાળ કલાકાર તરીકે તમારી દીકરીને લેવી છે.. તમે રજા આપો તો.

‘એને માટે તો દીકરીને મુંબઈ મોકલવી પડે ને? એમ દીકરીને કોઈની સાથે ન મોકલું.’

‘તમારી દીકરીની જવાબદારી મારી. એનું પૂર્ણપણે ધ્યાન રાખીશ. મારી દીકરી છે એમ સમજીને જ લઈ જઈશ:’

‘જોઉં.. વિચાર કરીને જણાવું. મારું મન માનતું નથી.’

‘એમાં મન ન માનવા જેવું શું છે , બહેન? પૈસા પણ સારા મળશે. તમારો પરિવાર સમૃદ્ધ થશે.’

દિગ્દર્શક અને રેખાની માતા વચ્ચે થતી વાતચીત સાંભળી રહેલ રેખાનો બાપ વચ્ચે જ બોલ્યો :

‘પૈસા મળશે તો વાંધો નથી , પણ હું મારી દીકરીની સાથે આવીશ. તેના બધાં પૈસાનો હિસાબ મારા હાથમાં રહેશે.’

દિગ્દર્શકને તો શું વાંધો હોય? એમણે તો હા પાડી. એમના ગયા પછી માએ રેખાને પૂછ્યું :

‘તારે જવું છે, બેટા?’

બાર વર્ષની રેખાએ હા પાડી. માને ચિંતા એ હતી કે છોકરી કામ કરશે એના બધાં પૈસા એનો બાપ લઈ લેશે તો પરિવારના હાથમાં કંઈ નહીં આવે. પણ રેખાએ કહ્યું :

‘મા, હું ગામમાં પણ પૈસા મોકલીશ.’

રેખા નાનપણમાં સમજુ થઈ ગઈ હતી. રેખા અને એનો બાપ ગયા મુંબઈ નાટક કર્યું. બધાને પસંદ આવી. બે-ચાર વર્ષો નાટક કર્યા ત્યાં સુધીમાં તે 16 વર્ષની થઈ ગઈ હતી. યૌવન બારણે ટકોરા દેતું હતું. સુંદર તો હતી એમાં મુંબઈ આવીને સ્માર્ટ થઈ ગઈ હતી. તૂટ્યું-ફુટ્યું અંગ્રેજી બોલતા પણ શીખી ગઈ હતી. કોઈ ફિલ્મ નિર્માતાની નજરે ચઢી અને ફિલ્મમાં હીરોઈનનો રોલ કર્યો પછી રેખાનો સિતારો ચમકી ગયો.

ફિલ્મ હીટ ગઈ અને રેખા પણ હીટ થઈ ગઈ. ત્યાર બાદ એણે પાછું વળીને જોયું નથી. નાના ત્રણ ભાઈ-બહેનને ભણાવ્યા-પરણાવ્યાને થાળે પાડ્યા. સમય જતા માતા-પિતા પણ સ્વર્ગે સિધાવ્યા. રેખાના બે-ત્રણ પ્રેમ પ્રકરણ ગાજ્યા, પણ ગાજ્યા મેહ વરસ્યા નહીં ને રેખાબહેન આજીવન એકલાં રહી ગયાં. વર્ષો સુધી નાટક, સિનેમા અને પાછલાં વર્ષોમાં ટી.વી. સિરિયલોમાં પણ કામ કર્યું. પછી વળતા પાણી થયા.

નવા નવા એક્ટર્સ આવતા રહ્યા. જૂના અદાકારો પરદા પાછળ ધકેલાઈ ગયા. કામ મળતું બંધ થયું. ભાઈ-બહેનો અને પરિવારનું ધ્યાન રાખવામાં એમની પાસે કાંઈ ખાસ બચત પણ ન હતી. એક રૂમ-કિચનનો નાનો ફ્લેટ અને થોડી એફડી, જેના વ્યાજમાંથી રેખાબહેન ગુજારો કરે છે.

ત્રણેય ભાઈબહેન પોતાના જીવનમાં, પોતાના પરિવારમાં વ્યસ્ત છે. ક્યારેક ફોન કરીને ખબર અંતર પૂછી લે છે, તો કોઈવાર વરસના વચલા દિવસે મળી જાય છે, પણ કોઈને એમની વાત સાંભળવામાં રસ નથી. રેખાબહેનને પોતાની કારકિર્દી વિષે લોકો સાથે વાત કરવી છે, પણ સાંભળે કોણ? અરે, કામવાળી બાઈને પણ એમની વાત સાંભળવામાં રસ નથી. રેખાબહેન સાવ એકલાં પડી ગયાં છે.
પોતાની જૂની યાદો વાગોળતા જૂના ફોટાના આલ્બમ કાઢીને બેસે છે અને બબડે છે :

‘તે હિ નો દિવસા ગતા:’

આ પણ વાંચો…પાનખરમાં ખીલી વસંત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button