પુરુષ

શિખરે પહોંચવાનું તો કોઈ બોપન્ના પાસેથી શીખે

પોતાની રમતમાં વર્ષો સુધી સાધારણ સિદ્ધિઓ મેળવવી, અનેક વાર હતાશા જોવી, નિવૃત્તિનો વિચાર પણ કરી લેવો, પણ પછી જબરદસ્ત સંકલ્પ સાથે મોટામાં મોટી ઉંમરે વિશ્ર્વમાં નંબર-વન બની જવું એ તો અદ્ભુત જ કહેવાય: રોહનની કરીઅર યુવા વર્ગને અસરદાર પ્રેરણા આપનારી છે

સ્પોર્ટ્સમેન -સારિમ અન્ના

ભારતીય ટેનિસમાં એક સમય હતો જ્યારે મેન્સમાં લિએન્ડર પેસ તથા મહેશ ભૂપતિ અને વિમેન્સમાં સાનિયા મિર્ઝા ધૂમ મચાવી રહ્યાં હતાં. આપણી ટેનિસનો એ સુવર્ણકાળ હતો. થોડા વર્ષોથી ભારતીય ખેલાડીઓની સફળતાઓ બહુ ઓછી જોવા મળી રહી છે, પરંતુ જાન્યુઆરીના ચોથા અઠવાડિયામાં સક્સેસનો ગ્રાફ ખૂબ ઊંચે જતો જોવા મળ્યો. ૨૪મી જાન્યુઆરીએ ૪૩ વર્ષી રોહન બોપન્નાએ ઑસ્ટ્રેલિયન ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં જ્યારે વિજય મેળવ્યો ત્યારે તે મેન્સ ટેનિસની ડબલ્સમાં વર્લ્ડ નંબર-વન બની ગયો અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે મેન્સ ડબલ્સ ટેનિસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો. ત્રણ દિવસ પછી (૨૭મી જાન્યુઆરીએ) બોપન્નાએ બીજી વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરી. તે ગ્રૅન્ડ સ્લૅમમાં સૌથી મોટી ઉંમરે મેન્સ ડબલ્સનું ટાઇટલ જીતનારો ખેલાડી પણ બની ગયો.

૧૯૮૦માં બેન્ગલૂરુમાં જન્મેલા બોપન્નાની આ બે ઉપલબ્ધિઓ ગજબની અને અવિશ્ર્વસનીય છે. ખાસ તો એ માટે કે ત્રણ વર્ષ પહેલાં તેણે ટેનિસને અલવિદા કરવાનો વિચાર કરી લીધેલો અને હવે તે કહે છે કે તે ક્યારેય પોતાની ક્ષમતા પર સંદેહ નહીં કરે. યુવા વર્ગે તેની આ સિદ્ધિઓ ઉપરાંત તેના અપ્રોચ પરથી પ્રેરણા લેવાની જરૂર છે.

બોપન્ના અને ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેનની જોડીએ ઑસ્ટ્રેલિયન ઓપનની ડબલ્સની ફાઇનલમાં ઇટલીના સિમોન બોલેલ્લી અને ઍન્ડ્રિઆ વાવાસ્સોરીને ૭-૬ (૭-૦), ૭-૫થી હરાવીને નવો ઇતિહાસ રચ્યો હતો. ઐતિહાસિક એ માટે કે ચૅમ્પિયન જોડીમાં બોપન્ના ઑલ્ડેસ્ટ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા હતો.

૨૦૧૭ની સાલમાં બોપન્ના પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો હતો જેમાં તેણે મિક્સ્ડ-ડબલ્સમાં ગૅબ્રિયેલા ડબ્રોવ્સ્કી સાથેની જોડીમાં ફ્રેન્ચ ઓપનમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ત્યારે બોપન્ના ૩૬ વર્ષનો હતો, પણ હવે જીવનના પાંચમા દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલકૂદમાં ઉપલબ્ધિ મેળવવી કોઈ નાનીસૂની વાત ન કહેવાય. ઉંમરનો આ એ તબક્કો હોય છે જેમાં વય અને શારીરિક નબળાઈ કરીઅરને વિરામ આપવાનો સંકેત આપવા લાગે છે અને ખેલાડીએ પોતાના ભૂતકાળને યાદ કરતા રહીને પોતાના અનુભવો પરથી નવી પેઢીના પ્લેયરો સાથે શૅર કરવા મજબૂર કરી દે છે.

જોકે આ પરિવર્તનના તબક્કામાં બોપન્નાની કમાલ તો જુઓ. તે તર્ક અને ક્ષમતાથી કંઈક અલગ જ સાબિત કરી રહ્યો છે. તેણે નિષ્ણાતોને જીવનના વૈજ્ઞાનિક અભ્યાસ વિશે જરૂર વિચારતા કરી દીધા હશે. ટેનિસમાં ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાઓ સર્વોત્તમ કહેવાય છે. અગાઉ બોપન્ના જે સાત ગ્રૅન્ડ સ્લૅમ રમ્યો એમાંથી ચાર મિક્સ્ડ-ડબલ્સમાં સેમિ ફાઇનલ અને એની આસપાસ પહોંચ્યો હતો. એટીપી માસ્ટર્સમાં પણ તે ઘણો સફળ રહ્યો હતો અને ડેવિસ કપમાં પણ રમ્યો હતો. ગઈ સીઝનમાં તે બે ટાઇટલ જીત્યો હતો અને આઠ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો હતો.

આધુનિક વિજ્ઞાન અને સારું ખાવા-પીવાથી ખેલાડીને મદદ જરૂર મળતી હોય છે, પણ મૉટિવેશનનું અસાધારણ સ્તર બનાવી રાખવું, દરરોજ પ્રૅક્ટિસ કરવાનું ઝનૂન જાળવી રાખવું, ઈજા થઈ હોય તો સમયસર એમાંથી રિકવર થવું, દુનિયાભરમાં પ્રવાસ કરવો, પોતાની રમત પર ફૉકસ જાળવી રાખવું, વગેરે બાબતો બોપન્નાની માનસિક ક્ષમતા વિશે ઘણું કહી જાય છે. તમે જુઓ કે બોપન્નાની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ (૨૦૧૦, યુએસ ઓપન) અને બીજી ફાઇનલ (૨૦૨૩, યુએસ ઓપન) વચ્ચે ૧૩ વર્ષનું અંતર હતું. તેના પાછલા બે ઉચ્ચ રૅન્કિંગ (૨૦૧૩માં નંબર-થ્રી અને ૨૦૨૩માં નંબર-થ્રી) વચ્ચે એક દાયકાનું અંતર હતું. આટલા લાંબા અંતર છતાં જ્યારે પણ તેને નિરાશા થઈ હશે ત્યારે તેણે ટેનિસની રમત પર એકાગ્રતા જાળવી રાખીને કમાલનું મનોબળ દાખવ્યું હશે. ખરેખર, અન્યો માટે આ પ્રેરણાદાયક છે.

જોકે આશા અને હતાશા વચ્ચેના ભયાવહ સમયકાળમાં કુર્ગના આ બાહોશ ખેલાડીએ પૅશન જાળવી રાખ્યું. તે કોઈ વિસ્ફોટક ખેલાડી નથી, તેના ઘૂંટણ કમજોર છે અને જિમ્નેશિયમમાં પણ પૂર્ણ સ્તરે વર્કઆઉટ નથી કરી શક્તો એટલે તે ફિટ રહેવા માટે યોગનો સહારો લે છે તેમ જ સ્ટેમિના માટે સ્વિમિંગ પણ ખૂબ કરી લે છે. સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સ્તરે ટકી રહેવા કે સફળતાઓ મેળવવા આવું બધુ લાભકારી ન હોય એવું જો કોઈને થયું હશે તો ઑસ્ટ્રેલિયન ઓપનની જીત અને વર્લ્ડ નંબર-વનની રૅન્કથી તેમના બધા જ સંદેહ દૂર થઈ ગયા હશે. બોપન્નાએ પોતાની રમતનું અને પ્રતિભાનું જબરદસ્ત પ્રદર્શન કર્યું એ આખી દુનિયાએ જોઈ લીધું.

ભારતે ટેનિસ જગતને ડબલ્સમાં ઘણા દિગ્ગજો આપ્યા છે. લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝા પોતપોતાની કૅટેગરીમાં ડબલ્સમાં વર્લ્ડ નંબર-વન બન્યાં હતાં. તેઓ ગ્રૅન્ડ સ્લૅમ કૅટેગરીમાં કુલ મળીને ૧૫ ડબલ્સના અને ૨૧ મિક્સ્ડ-ડબલ્સના ટાઇટલ જીત્યાં હતાં. બોપન્ના પાસે આ બન્ને કૅટેગરીમાં એક-એક ટાઇટલ છે. જોકે ૪૩ વર્ષની મોટી ઉંમરે ડબલ્સ ટેનિસના શિખરે પહોંચવું એ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય.

બોપન્ના ચોથી માર્ચે જીવનના ૪૪ વર્ષ પૂરા કરશે. નાનપણમાં તેને ટીમ-ગેમમાં રુચિ હતી, પરંતુ તેના પિતા ઇચ્છતા હતા કે તે વ્યક્તિગત સ્પોર્ટ્સમાં ભાગ લે. તેમનું માનીને તેણે ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. ટેનિસમાં સિંગલ્સમાં તે વધુમાં વધુ ૨૧૩મી વર્લ્ડ રૅન્ક મેળવી શક્યો હતો, પરંતુ ડબલ્સ ટેનિસને જ વળગી રહ્યો અને એમાં આગળ વધતો ગયો. જુલાઈ, ૨૦૧૩માં ડબલ્સમાં વર્લ્ડ નંબર-થ્રી બન્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે ભારત વતી ૫૦મી ડેવિસ કપ મૅચ રમીને એમાંથી નિવૃત્ત થયો હતો.

બોપન્ના કરીઅરમાં કુલ પચીસ ટાઇટલ જીત્યો છે જેમાં બે ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી છે. ૨૦૦૭માં તેણે પાકિસ્તાની ખેલાડી એસામ-ઉલ-કુરેશી સાથેની જોડીમાં લાગલગાટ ચાર ચૅલેન્જર ટાઇટલ જીતી લીધા હતા. બોપન્ના-કુરેશીની જોડી લાંબા સમય સુધી ‘ઇન્ડો-પાક એક્સપ્રેસ’ના નામે વિખ્યાત છે. બન્નેએ મળીને ટેનિસ સર્કિટમાં ઘણી સફળતાઓ હાંસલ કરી છે. બોપન્નાએ ૨૦૧૨ તથા ૨૦૧૬માં ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સૌથી મોટી ઉંમરે એટીપી માસ્ટર્સ-૧૦૦૦ ટાઇટલ (માર્ચ, ૨૦૨૩) જીતવાવાળો બોપન્ના ટેનિસ ડબલ્સનો પ્રથમ ક્રમાંકિત ખેલાડી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…