મેલ મેટર્સઃ નો નટ્સ નવેમ્બર આ સોશ્યલ મીડિયા ટ્રેન્ડ કરતાં ભારતીય વિભાવના સારી છે !

અંકિત દેસાઈ
નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર એક અનોખો અને વિવાદાસ્પદ ટ્રેન્ડ છવાઈ જાય છે, જેનું નામ છે ‘નો નટ્સ નવેમ્બર’ (No Nut November). આ એક ઓનલાઈન ચેલેન્જ છે, જેમાં સામાન્ય રીતે પુરુષો નવેમ્બરના સમગ્ર 30 દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની યૌન પ્રવૃત્તિ, જેમાં હસ્તમૈથુનઅને સ્ખલનનો સમાવેશ થાય છે, તેનાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લે છે.
બની શકે કે શરૂઆતમાં આ ટ્રેન્ડ કદાચ એક મજાક તરીકે શરૂ થયો હશે, પરંતુ સમય જતાં યુવાનોના એક મોટા સમુદાયે તેને આત્મ-નિયંત્રણ અને સ્વયં-શિસ્તના માપદંડ તરીકે ગંભીરતાથી અપનાવ્યો છે. આ કારણે જ હવે જે લોકો આ ટ્રેન્ડને પાળે છે એમના માટે અવનવા મિમ્સ બની રહ્યા છે કે તેમની હાંસી ઉડાવવામાં આવી રહી છે !
બીજી તરફ આ ટ્રેન્ડને અપનાવનારા લોકો માને છે અને દલીલ કરે છે કે વીર્યનું સંરક્ષણ કરવાથી શારીરિક ઊર્જામાં વધારો થાય છે, માનસિક સ્પષ્ટતા મળે છે, અવનવાં કામ કરવાની પ્રેરણા વધે છે અને એકંદરે આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે.
જોકે, ‘નો નટ્સ નવેમ્બર’નો આ ટ્રેન્ડ ભલે આધુનિક યુગની અને પશ્ચિમી સંસ્કૃતિની દેન હોય, પરંતુ તેની પાછળ રહેલો સંયમ અને ત્યાગનો ભાવ ભારતીય સંસ્કૃતિના એક મૂળભૂત અને પૌરાણિક ખ્યાલ સાથે ઊંડો સંબંધ ધરાવે છે અને તે ખ્યાલ છે બ્રહ્મચર્યનો.
ભારતીય દૃષ્ટિકોણમાં બ્રહ્મચર્ય એ માત્ર શારીરિક સંયમ પૂરતું સીમિત નથી,પરંતુ તે જીવનના ચાર આશ્રમો (બ્રહ્મચર્ય-ગૃહસ્થ-વાનપ્રસ્થ અને સંન્યાસ) પૈકીનો પ્રથમ અને સૌથી મહત્ત્વનો સ્તંભ છે. પ્રાચીન ભારતીય પરંપરામાં બ્રહ્મચર્યનો અર્થ ‘બ્રહ્મ તરફ પ્રયાણ’અથવા ‘પરમ સત્યમાં જીવવું’ એવો થાય છે.
ભારતીય ફિલસૂફી, યોગ અને આયુર્વેદમાં બ્રહ્મચર્યને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેઅત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે. આયુર્વેદ મુજબ, બ્રહ્મચર્ય દ્વારા વીર્યનું જે સંરક્ષણ થાય છે, તે એક વિશેષ ઊર્જામાં પરિવર્તિત થાય છે, જેને ‘ઓજસ’ કહેવાય છે. ઓજસને જીવનશક્તિ, તેજ અને રોગ પ્રતિકારક શક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે.
આ ઓજસના સંચયથી વ્યક્તિનું મન સ્થિર થાય છે, બુદ્ધિ તીવ્ર બને છે અને શરીર નિરોગી રહે છે. ભારતીય ઋષિઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો જીવનમાં મોટું લક્ષ્ય સિદ્ધ કરવું હોય, આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય કે પછી કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કરવી હોયતો બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય છે.
મહાત્મા ગાંધીએ પણ બ્રહ્મચર્યના વ્યાપક ખ્યાલને અપનાવ્યો હતો, જેને તેમણે માત્ર જાતીય સંયમ નહીં, પરંતુ મન, વાણી અને કર્મના સંપૂર્ણ સંયમ તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો. આ દૃષ્ટિકોણ અનુસાર, અતિશય વાતો કરવી, ખોટું બોલવું, કે અયોગ્ય વિચારોમાં રાચવું એ પણ બ્રહ્મચર્યનો ભંગ ગણાય છે.
આ પણ વાંચો…મેટર્સ : કહું દોસ્ત સે, દોસ્ત કી બાત ક્યા ક્યા…
બીજી તરફ આ ‘નો નટ્સ નવેમ્બર’ (NNN ) માત્ર 30 દિવસની ચેલેન્જ છે અને તેનું લક્ષ્ય મુખ્યત્વે વ્યક્તિગત શિસ્ત પૂરતું છે. એમાં ય હવે તો આ ધંધો કૂલ દેખાવા માટે પોતે બહુ મોટા ટ્રેન્ડ સેટર્સ છે એ સાબિત કરવા માટે જ થાય છે, પરંતુ બ્રહ્મચર્ય એક જીવનશૈલી છે, જે આજીવન પાળવાની અપેક્ષા રાખવામાં આવતી હતી.
ભારતીય દૃષ્ટિકોણ ગગગના સંયમના વિચારને ટેકો આપે છે, પરંતુ તેને માત્ર એક માસિક ટ્રેન્ડ તરીકે જોતું નથી, પરંતુ તેને એક સતત સાધના તરીકે જુએ છે. આડ વાત એ કે ભારતીય માન્યતા તો એક જ સ્ત્રી સાથે આજીવન સમાગમને પણ બ્રહ્મચર્યના રૂપમાં જ જુએ છે!
ખેર, આધુનિક યુગમાં જ્યાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના કારણે યૌન સંબંધિત સામગ્રી (pornography)ની ઉપલબ્ધતા ખૂબ વધી ગઈ છે ત્યારે NNN જેવી ચેલેન્જ યુવાનોને એક મહિના માટે પણ સ્વયં પર નિયંત્રણ લાવવાની તક જરૂરથી પૂરી પાડે છે. કંઈ નહીં તો આટલા સમય માટે પણ લોકો બ્રહ્મચર્યના વિચારને સમજે તો છે. આ પણ એક પ્રકારનું ‘ડિટોક્સ’ જ છે, જે વ્યક્તિને પોતાની અનિયંત્રિત વૃત્તિઓ પર કાબૂ મેળવવાનું શીખવે છે.
આવા પ્રયાસ વ્યક્તિમાં તે જ માનસિક મજબૂતી અને આત્મવિશ્વાસ પેદા કરે છે, પરંતુ જો આ આખા મુદ્દાને ભારતીય દૃષ્ટિકોણથી જોવામાં આવે અને આ મુદ્દાની મૂળ વિભાવના પર કામ થાય તો કરોડો યુવાનો માટે અનેક સફળતાઓના દ્વાર ઉઘડી જાય છે. આખરે ઊર્જા એ માત્ર કોઈ શારીરિક ઘટના જ નથી. ઊર્જા એટલે વિચારોની સ્પષ્ટતા અને એ સ્પષ્ટ વિચારો પર કામ કરવાની ખેવના પણ. એ બધુ જ બ્રહ્મચર્યના કન્સેપ્ટમાં શક્ય છે. એટલે એકલા NNN ન પડાય. એથી આગળ પણ વધાય, જેથી જીવનને આપણે આગવી દિશા આપી શકીએ.
આ પણ વાંચો…મેલ મેટર્સ : પુરુષો હવે પિતા બનવાનું સહેજ મોડું પસંદ કરે છે, પણ…



