પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ ધર્મનું સ્તંભ નીતિ-નિયમ: એક પિતાની પુત્રને નસીહત

અનવર વલિયાણી

બે સદી વટાવી ચૂકેલા ‘મુંબઈ સમાચાર’ની છ દાયકા કરતા પણ વધુ સમય જૂની ‘મુખ્બિરે ઈસ્લામ’ કોલમના કોમ-ભાઈબંધી કોમના વાચક બિરાદરોને વિદિત હશે કે દીને ઈસ્લામમાં લગભગ એક લાખ ચોવીસ હજાર જેટલા પયગંબરો અર્થાત્ અલ્લાહ, ઈશ્વરના સંદેશવાહકો થઈ ગયા. જેમાંના એક પયગંબર હતા હઝરત (માનવંત) લુકમાન સાહેબ. તેમણે પોતાના પુત્રને નસીહત, સલાહ, શિખામણ આપી તે આજના કયામત, પ્રલય, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્માનુસાર આખરી નિર્ણય, ન્યાયનો દિવસના દૌરમાં અતિ ઉપયોગી બની રહેવા પામશે:

  • ‘વ્હાલા ફરઝંદ, દીકરા!
  • મેં એળિયાનો સ્વાદ ચાખ્યો છે અને તેના ઝાડની છાલ પણ ખાધી છે, પણ ફકીરી, ગરીબી, મુફલિસીથી વધીને કોઈમાં કડવાશ નથી.
  • માટે જો ક્યારેક ફકીરી આવી પડે તો લોકોને કહેજો નહીં, નહીં તો લોકો ઝલીલ (અપમાનિત, બુરી દશા) કરશે અને તમને કામ પણ નહીં આવે.
  • ‘આવી (ફકીરી) સ્થિતિમાં અલ્લાહ પાસે રજૂ થાવ. તે તમારી હાલત સુધારવા માટે વધારે શક્તિ ધરાવે છે.
  • ‘કોણ એવો છે, જેણે એની પાસે માગ્યું હોય અને એણે આપ્યું ન હોય!
  • ‘કોણ એવું છે, જેણે એના ઉપર ભરોસો રાખ્યો હોય અને એણે મુસીબતથી નજાત (છુટકારો) આપી ન હોય!’

‘હઝરત જીબ્રઈલ હઝરત મુહમ્મદ સાહેબની સેવામાં હાજર થઈ અરજ કરી: પરવરદિગારે આલમ (સૃષ્ટિના સર્જનહારે) આપ હુઝૂરને એક એવો તોહફો (ભેટ) મોકલ્યો છે કે કોઈ પણ નબી (ઈશ્વરિય દૂત, પ્રતિનિધિ)ને જે મોકલ્યો નથી; એ તોહફો સબ્ર (ધીરજ) છે અને એક એનાથી પણ બહેતર (શ્રેષ્ઠ) ભેટ, તોહફો છે, કનાઅત; સંતોષ અને એના કરતાં પણ શ્રેષ્ઠ તોહફો છે રઝા, રઝાનો અર્થ એ છે કે અલ્લાહ આપે કે ન આપે, બંદો ક્યારેય નારાજ ન થાય, અને તે પોતાના મામૂલી અમલ-કર્મ કર્યાથી, સારું કર્યાથી પણ ખુશ થઈ ન જાય, બલકે વધારે ને વધારે બહેતરીન-સર્વશ્રેષ્ઠ અમલ-કર્મ કરતો રહે…!’

  • હઝરત લુકમાન (અસ.) બેટાને નસીહત કરતાં આગળ કહે છે કે ‘બેટા! અલ્લાહની રઝા (રાજીખુશી-ઈચ્છા) પર રાજી રહેવું મોટો શરફ-શર્ફ (માન, સન્માન) છે. જેના માટે જેહાદ (દીન-ધર્મના માર્ગમાં મહેનત) જરૂરી છે.’
  • હદીસે કુદસી, મિન્હાજુન નજાત-કાશાની પારા 40માં છે કે (ભાષાંતર) ‘જે શખસ મારી મોકલેલી બલા (આફત, કષ્ટ) પર સબર (ધીરજ) ન કરે, મારી મરજી, હુકમ પર રાજી ન રહે, તે મારા સિવાય બીજા કોઈ ખુદા શોધી લે અને મારા જમીન આસમાનમાંથી નીકળી જાય.’
  • બીજી એક રિવાયત, કથન, વાકયમાં કહેવામાં આવ્યું છે કે
  • જે શખસ અલ્લાહની ઈચ્છા પર રાજી રહેશે અને ન મળવા પર નારાજ-નાખુશ નહીં થાય, પણ જે શિકવા-ફરિયાદ કરશે તેને કોઈપણ નેકી-ભલાઈ નસીબ નહીં થાય, બલકે અલ્લાહના ગઝબ- ક્રોધ, ગુસ્સાનો સામનો કરવો પડશે.
  • હર હાલત-સારી હોય યા ખરાબ સ્થિતિ હોય, રાહત હોય કે તકલીફ,
  • રોઝી વિશાળ હોય કે તંગ!
  • ખુદાએ કુરાન કરીમમાં સબ્ર-ધીરજને શુક્ર-આભાર વ્યક્ત કરવા સાથે મેળવીને બંનેનો સાથે ઉલ્લેખ કર્યો છે.
  • શુક્ર કરનાર બંદાઓ (ભક્તો) સાથે ફઝલ (કૃપા) અને એહસાન (ઉપકાર)નો વાયદો કર્યો છે, અને
  • ને’મત (ઈશ્વર-અલ્લાહની દેણગી)થી નાશુક્રી-કૃપા-આભારની અવગણના કરનારને ભારે અઝાબ- કુદરતી પ્રકોપથી ડરાવ્યા છે.

વ્હાલા ફરઝંદ!

  • હરામ અને શંકાસ્પદ વાતોથી હંમેશાં દૂર રહેજો. સ્થિતિ સારી હોય કે તંગ! ઈમાનદારી – સચ્ચાઈ-સત્ય પર કાયમ રહેજો.
  • તંગીમાં પણ સદકો (દયા, દાન) કરતા રહેજો,
  • ઈબાદત-પ્રાર્થના-અલ્લાહની સ્તૂતિ કરવામાં કદી પણ આળસ કરતા નહીં.
  • માલદારો-દૌલતમંદો સાથે રહેશો નહીં. તેઓના માલ-દૌલતના સબબે તેઓનું માન-એહતરામ (આદર) ન કરો.
  • રિવાયત (અક્ષરશ કથન)માં છે કે,
  • જે કોઈ માલદારના ઘરે જઈને, તેની માલદારી (શ્રીમંતાઈ)ના કારણે તેનું માનપાન-આભારીપણું કરશે 1/3 દીન-ધર્મ નષ્ટ થઈ જશે.
  • બીજી રિવાયતમાં 1/2 દીન અને 2/3 દીનનો પણ ઉલ્લેખ થયો છે. (હવાલો-તફસીરે સાફી, સૂરએ હિજર).
  • અને જે પણ કોઈ માલદારની દૌલત સામે ઝુકશે, તે જન્નતનો હકદાર-અધિકારી નહીં બલકે આસમાનમાં તેને ખુદા-રસૂલનો દુશ્મન કહીને પોકારવામાં આવશે અર્થાત્ અલ્લાહનો અને તેના પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનો ‘નાફરમાની કરનાર’ તરીકે સંબોધવામાં આવશે.
  • આવા શખસની કોઈ દુઆ (પ્રાર્થના) કબૂલ થશે નહીં અને ન તેની કોઈ હાજત-ઈચ્છા પૂરી થશે.
  • બેટા! ફક્રના, રંજોગમના ભૂલી જવાનાં, ઉંમર-વય ઘટી જવાના કારણોથી પરહેઝ કરીને તેમાં વધારો થાય અને ઉંમર મોટી થાય તેનાં કારણો વિચારો અને તેના ઉપર અમલ કરો.

બોધ:

  • અલ્લાહની ખુશી હાંસિલ કરો અને પોતાના નફસ- મનેચ્છા; જીવ, પ્રાણને એના ફેસલા, ચુકાદા, નિર્ણય પર રાજી રાખો.
  • એનાથી ખફા-નારાજ ક્યારેય થશો નહીં અને ન એની શિકવા-શિકાયત-ફરિયાદ કરજો…!
  • સન્માર્ગે ચાલનારા હર એકના હક-અધિકાર અદા કરતા રહો.
  • એક બંદાનો બીજા બંદા પર હક છે અને તેનાથી છૂટવાનો રસ્તો હક અદા કરી દેવાથી મળે છે અથવા માફી માગવાથી મળે છે. નહીં તો કયામત (ન્યાયનો દિવસ, આખરી નિર્ણય)ના દિવસે તેનો જવાબ દેવો પડશે અને તેના અનુસાર જ હશ્ર-નશ્રનો ફેંસલો થશે. અર્થાત્ ભલાઈ-બુરાઈનો પરિણામ આવશે-નક્કી થશે.
  • અલ્લાહ તે લોકો સાથે છે જે પરહેઝગાર (સંયમી, સદાચારી) છે. જે ઈન્સાન નીતિ-નિયમથી કાર્ય કરે એનું નામ જ ધર્મ અને ઈન્સાનિયત, માનવતા.
  • સમાજ સંસ્કારી બને તે માટે માતા શિક્ષિત હોવી ઘટે.
    સાપ્તાહિક સંદેશ:
  • અલ્લાહતઆલા નામે મુસલમાનને એક સાચા બંદામાં ગણે અને મુનાફિક અર્થાત્
  • ઢોંગી, * દંભી, * પાખંડી, * દૂધ-દહીં બંનેમાં પગ રાખનારાના-નામના ‘મુસલમાન’ના નુકસાનથી, હાનિ પહોંચાડવાથી મોમિનને બચાવે.

આપણ વાંચો:  મુખ્બિરે ઈસ્લામઃ ઈતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button