મુખ્બિરે ઈસ્લામઃ મોત સનાતન સત્ય: સ્વામી અને સેવક સમાન

- અનવર વલિયાણી
હઝરત શેખ સા’દી સાહેબના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.
આપ હઝરતની હિકાયત (વાર્તા-પ્રસંગો) મૂળ ફારસી ભાષામાં લખાયા છે પણ દુનિયાની ઘણી ખરી ભાષામાં તેના અનુવાદ થયા છે. ઘણાં રાજ્યોમાં તો આ હિકાયતો શાળા-કૉલેજનાં પાઠ્યપુસ્તકોમાં પણ સમાવેશ કરાયા છે. તેમાંનો એક પ્રસંગ આજના દૌરમાં માર્ગદર્શન આપનારો હોઈ, હિદાયત (માર્ગદર્શન) આપનારો બની રહેવા પામશે.
- અભિમાન
- અદેખાઈ
- લાલચ
-આ ત્રણેય બાબત ઈન્સાનના ચારિત્ર્યને ખંડિત કરનારી છે. જેમાં અભિમાન – તક્કબૂર એ તો માણસ માટે કાતિલ ઝેરનું કામ કરે છે. પછી એ અભિમાન ઈલ્મ (જ્ઞાન)નું હોય, માલનું કે ઈજ્જત આબરૂનું હોય, તક્કબુર દરેક રીતે નુકસાનકારક હોય છે. અત્રે આવી જ એક બાબત પર હઝરત શેખ સા’દીસાહેબે પ્રકાશ પાડ્યો છે જે વાંચવાથી હકીકત સમજમાં આવી જાય છે.
એક એકાંતવાસી દરવેશ (ફકીર) જંગલના એક ખૂણામાં રહેતો હતો. એવે વખતે એવું બન્યું કે સંજોગવસાત્ તે રાજ્યના બાદશાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એ દરવેશને એકાંતવાસ અને સંતોષરૂપી જીવન પ્રાપ્ત થયું હોવાથી તેણે બાદશાહ સલામતને જોઈ મસ્તક (માથું) નમાવ્યું નહીં, ન કુરનીશ બજાવી. ટૂંકમાં બાદશાહની ખુશામત કરતો એવો કોઈ શિષ્ટાચાર સુધ્ધાં દર્શાવવાની દરકાર કરી નહીં.
બાદશાહને આ જોઈ ઘણું જ માઠું લાગ્યું. તેણે ક્રોધાવેશમાં કહ્યું કે આ ચિંથરેહાલ ફકીરો સભ્યતાની બાબતમાં છેક જ જંગલી જાનવર જેવા હોય છે. પછી બાદશાહના વજીરે ફકીરને પૂછ્યું કે, ‘આ દેશનો બાદશાહ તારી સામે થઈને જવા છતાં તેં એમને આદરમાન કેમ આપ્યું નહીં? અરે, સાધારણ શિષ્ટાચાર સુધ્ધાં તે દાખવ્યા નહીં તેનું કારણ શું?’
ફકીરે જવાબમાં જણાવ્યું કે, ‘બાદશાહને જણાવી દો કે તેની પાસેથી કંઈ પણ મેળવવાની જે શખસ આશા રાખતો હોય તેની પાસેથી જ તે ખુશામતની ઉમેદ રાખે અને એ પણ કહો કે બાદશાહ પ્રજાની સેવા માટે છે, કંઈ પ્રજા બાદશાહની સેવા માટે નથી. ચોકીદારોને માટે ગામ હોતું નથી પણ ગામને માટે જ ચોકીદાર હોય છે.
મોતનો ફરિશ્તો આવીને ઊભો રહેશે તે સમયે સ્વામી અને સેવકમાં ભેદ નથી રહેવાનો. ગમે તે કબર ખોદીને જોશો તો તેમાંના હાડકાં અને માટી એમ કહી નહીં શકે કે આ અમીર છે અને આ ગરીબ છે. દરવેશની વાતની બાદશાહ પર ઘણી અસર થઈ. બાદશાહે ફકીરને પૂછ્યું કે તમે શું ઈચ્છો છો? ફકીરે કહ્યું કે, કેવળ એટલું જ કે મને ફરી કદી તકલીફ આપવામાં ન આવે.
બાદશાહે કહ્યું, મને કોઈ ઉત્તમ ઉપદેશ આપો. દરવેશે કહ્યું, જ્યારે તમે તમારી શક્તિનો ઉપયોગ કરો ત્યારે એટલું ધ્યાનમાં જરૂર રાખજો કે ધન અને રાજ્ય, જેમ એકના હાથમાંથી બીજાના હાથમાં જેવું આવે છે તેવું છેવટે તો ચાલ્યું જ જાય છે. બાદશાહને હવે પોતાની અસલિયત નજરમાં આવી. તેને આજે ‘નગ્ન સત્ય’ જોવા તેમજ સાંભળવા મળ્યું, જેથી બાદશાહે ખુદાનો શુક્ર અદા કર્યો.
બોધ: હઝરત શેખ સા’દી રહમતુલ્લાહ અલયહે થોડી વાતમાં ઘણી બાબતો સમજાવી દીધી. નસીહત કે દુનિયાની મત્તા, માલો-દૌલત, ઈજ્જત-આબરૂ, ખોટી શાનોસૌકત કંઈ જ કામનું નથી, પણ અલ્લાહતઆલા સાથેના સંબંધો એવા હોય છે કે જેમાં બંદાને બધું જ મળી રહે છે. જેની પાસે મનની શાંતિ, હૃદયમાં શ્રદ્ધા, સંતોષ હોય છે તેને દુનિયાની કોઈ પરવા નથી. ખુશામતને કોઈ સ્થાન નથી. જીવનની એજ તો સફળતા છે, જો સમજમાં આવે તો જ!
દરિયાના મોતી:
અસનાદ (સદા સત્ય ઉચ્ચારનાર) હઝરત મુહમ્મદ સાહેબ હંમેશાં લોકોને કહેતા કે કોઈ માણસ ઓછી અક્કલ – આવડતને કારણે પોતાનાં કામો સારી રીતે કરી શકતો ન હોય તો એવા શખસની મદદ અનેક રીતે કરી શકાય.
ઉદાહરણરૂપે તે કોઈ ચીજ ખરીદી રહ્યો હોય તો તેને માટે સારી ચીજવસ્તુ જોઈને ખરીદી આપવી. કોઈ વજનવાળી વસ્તુ ઊંચકવા ઈચ્છતો હોય, પણ ઊંચકી શકાતી ન હોય તો તેને મદદ કરવી. તેને કશા કામની આવડત, સૂઝ-સમજ પડતી ન હોય તો તેને સહાય કરવી અને તે બાબતની સમજ આપવી.
આપ કહો છો કે, જો તમે આવા વ્યવહાર, આચરણ દ્વારા જન્નત પામવાનો માર્ગ આસાન કરી શકો છો.
સાપ્તાહિક સંદેશ:
જબ સે બની હય દુનિયા, લાખો-કરોડો આયે,
બાકી રહા ન કોઈ, મિટ્ટી મેં સબ સમાએ,
ઈસ બાત કો ન ભૂલો, સબ કા યહી હશર હય,
દુનિયા કે અય મુસાફીર! મંઝિલ તેરી કબર હય.
આપણ વાંચો: પાનખરમાં ખીલી વસંત