મુખ્બિરે ઈસ્લામઃ હતાશા-નિરાશાની જનેતા અર્ધ સત્યને આભારી

- અનવર વલિયાણી
ઈન્સાન જન્મે છે ત્યારથી લઈને તે બાલીગ (પુખ્ત વયનો) થાય ત્યાં સુધી તેને ફક્ત એક શક્તિની જરૂરત પડે છે અને તે છે શારીરિક શક્તિ! આ શક્તિ તેને પોતાની માના ધાવણથી માંડી પૌષ્ટિક આહાર દ્વારા મળી રહેતી હોય છે, પરંતુ બાલીગ થતાની સાથે જ તેને બીજી એક શક્તિની જરૂર પડે છે અને તે છે રૂહાની અર્થાત્ આત્મિક શક્તિ.
- શરીર રૂષ્ટપુષ્ટ હોય પણ જો તેનામાં આત્મિક શક્તિનો અભાવ હોય તો સમાજમાં તેને જોઈએ તેવું આગવું સ્થાન મળવા પામતું નથી, બલ્કે ખાધું, પીધું અને આ મહામૂલા જીવનને વ્યર્થ કરી નાખ્યા જેવો ઘાટ સર્જાતો હોય છે. પરિણામે તાકાત વિનાની વ્યક્તિના જીવનમાં
- હતાશા,
- નિરાશા,
- ઈર્ષા અને
- કડવાશની ઉત્પત્તિ થાય છે કે જેને મઝહબે ઈસ્લામે ધિક્કાર-અવગણી છે.
ઈન્સાન સ્વભાવે પ્રશંસાપ્રિય છે, તેથી તે ટીકાને સહન કરી શકતો હોતો નથી અને જો એવું બને નહીં ત્યારે તે પરતંત્ર બની પોતાની જાતને છેતરતો રહેતો હોય છે.
- પરિણામે સમૂહમાં ભેગા મળવાનું થાય ત્યારે કોઈ વિશે સાચો અભિપ્રાય દર્શાવવા જેટલી હિંમત તે દાખવી શકતો નથી.
- તે બંધિયાર દિમાગના અંધકારમાં ભટકતો હોવાના કારણે કોઈનું સારું બોલવું કે ભલું કરવા અસમર્થ બની રહેતો હોય છે.
- કલામે પાક (પવિત્ર કુરાનનું કથન – વાક્ય) ‘આયતુલ કુરસી’માં છે –
- જે લોકો ઈમાન (આસ્થા) લાવે તેનો ખુદા વલી (સહાયક) છે. તેમને કુફ્ર – નાસ્તિકતાના આચરણના અંધકારમાંથી કાઢી ધર્મના પ્રકાશ તરફ લાવે છે પણ
- જે લોકો કાફીર-ધર્મ વિરુદ્ધ છે તેઓના સાથી સેતાન કે જે તેઓને પ્રકાશમાંથી કાઢી અંધકાર તરફ લઈ જાય છે.
પથ્થર કી લકીર:
- અલ્લાહે ઈમાનવાળાઓ (સચ્ચાઈ તરફ ચાલનારા આસ્થાળુ)ને અજવાળા ભણી લઈ જવા માગતો હોય છે જ્યારે સેતાન નામે ઈબ્લીશ ઈન્સાનને અંધકાર તરફ ઘસડી જવા માગતો હોય છે.
- આ ખેંચતાણમાં માણસને જરૂર છે
- મજબૂત રૂહાની (આધ્યાત્મિક) શક્તિની
- -અને જો માનવીએ આ આત્મિક શક્તિ મેળવવી હશે તો જ અલ્લાહની મદદ મળતી રહેશે અન્યથા જીવન વ્યર્થ-બરબાદ થઈ જવાનું.
પ્રેરણાસ્ત્રોત:
- સમાજમાં આગવું સ્થાન ધરાવતા લોકો જ્યારે અલ્લાહ પર એતબાર, સંપૂર્ણ વિશ્ર્વાસ મૂકી પોતાની આત્મિક શક્તિને જાળવી રાખવાને બદલે સત્ય – અસત્ય વચ્ચે ભેળસેળ કરી સિદ્ધાંતોમાં બાંધછોડ કરવા લાગી જાય છે ત્યારે તેઓ હતાશ – નિરાશ થઈ, પોતાનું રૂહાની – આત્મિક બળ ખોઈ બેસતા હોય છે.
- * *
ધર્મજ્ઞાન: - આ જગતની અજોડ હસ્તિ, અસનાદ (સત્યવાદી) પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબે સિદ્ધાંત અને સત્ય સાથે ક્યારે પણ-જીવનપર્યંત ક્યારે પણ બાંધછોડ કરી નહોતી.
- આપ હુઝૂરે અનવર (સલ.)એ ઈમાનવાળા બંદાઓને એટલું સરસ, સુંદર અને ઉમદા માર્ગદર્શન પૂરું પાડ્યું છે કે જો બંદો તે પર સાચા દિલથી અમલ (આચરણ) કરે તો તેની શારીરિક શક્તિ, રૂહાની-આધ્યાત્મિક શક્તિ વધવા પામશે. ફળસ્વરૂપ તેનો આત્મિક વિશ્ર્વાસ વધતા એક ઉત્તમ સમાજનું સર્જન થશે.
નવચેતન:
- ઉત્તમ જીવન માટે રૂહાની-આત્મિક કુવ્વત-કૌશલ્ય જીવનને સફળતા અપાવે, નવચેતન આપે.
- * *
સમર્પણ: - જે શખસ દિવસની શરૂઆત ઈલ્મ (વિદ્યાજ્ઞાન) મેળવવાની પ્રવૃત્તિની સાથે કરે છે તેની ઉપર ફરિશ્તા (અલ્લાહના દૂત, પ્રતિનિધિઓ) છાયો કરીને રહે છે.
- તેની નેક (પ્રમાણિક) આવકમાં બરકત (ઉત્કર્ષ, બઢતી) થાય છે અને તેમાં જરાય ઓછપ આવતી નથી. હદીસ
- * *
પૂર્ણ-અપૂર્ણ:
જગતકર્તા અલ્લાહતઆલાએ કુરાન પાકમાં હિદાયત, બોધ, ધર્મજ્ઞાન આપતા ફરમાવ્યું છે કે, આ વિશ્ર્વમાં મારા કરતાં કોઈ ચડિયાતું નથી. સર્વે તારીફ-વખાણ-પ્રશંસા મારા માટે જ હોઈ શકે અને સાથે એ પણ ખુલાસો કર્યો છે કે મારું કોઈ પણ સર્જન (Creation) બેહકી જાય નહીં તેના માટે એકની ઉપર એક ચડિયાતાં સર્જનો મેં પેદા કર્યાં છે.
કનિષ્ટ પ્રકારના જીવોથી માંડીને ઈન્સાન જેવો ‘અશ્રકુલ મખ્લુકાત’ (સર્વ જીવોમાં બધી જ રીતે તે સર્વશ્રેષ્ઠ)નો દરજજો ધરાવતા ઈન્સાન તરફ જુઓ-દૃષ્ટિ કરો તો એકથી એક ચડિયાતા મનુષ્ય મળી આવશે. અરે, માટી, પથ્થર વગેરે જેવામાં પણ કોઈ અભિમાન કરી ન શકે એટલી જાતો – પ્રકારો અલ્લાહે પેદા કરી છે ત્યારે ઈન્સાનને તો બુદ્ધિની મહાન ને’મત (ઈશ્ર્વરીય દેણગી) આપી છે એટલે જો તે અહંમ-અભિમાન કરે તો અલ્લાહ કેવી રીતે સાંખી શકે?
ઈલાહી કિતાબ કુરાન મજીદમાં અસંખ્યવાર-ઠેકઠેકાણે અલ્લાહે ફરમાવ્યું છે કે- ‘ડરો તો માત્ર મારાથી’ અર્થાત્ અલ્લાહની મરજી અથવા હુકમ વગર દુનિયાની કોઈ તાકાત-શક્તિ તમારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. પછી તમોને બીક શાની? ડર શેનો?
- ‘…અગર તમે ગુનાહોથી બચતા રહો અને હર બલાઓથી તમારું રક્ષણ કરવાની મારી શક્તિ પર તમોને ઈમાન (શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ) હોય તો તમારા દરેક વ્યવહારિક કામોના પરિણામ મારા પર છોડી દો.
- ‘હું તમારો મહાન રક્ષણહાર છું.’
- ‘પરહેઝગાર (સંયમી, સદાચારી) બનીને મારી મદદ – સહાય માગતા રહો અને પછી જુઓ – અનુભવો કે કોઈપણ જાતનો ડર, વહેમ કે ભય તમોને કેવી રીતે સતાવી શકે છે? અરે એ તમારી નજીક પણ આવી નહીં શકે.’
વ્હાલા વાચક બિરાદરો! અલ્લાહતઆલાનો આ કોલ, આ વચન હર ઘડી-હર પળ યાદ કરતા રહેવું જોઈએ.
બોધ:
- મઝહબી સાહિત્ય, દૈનિક અખબારોમાં આ સંદર્ભમાં છપાતી કટારો – લેખો – સાહિત્યનું વાંચન,
- પ્રગતિવાદી અને રેશનલ વિચારો ધરાવતી વ્યક્તિઓ સાથે વિચાર વિનિમય, એ સર્વે ઉપાયો ઈન્સાન જાતના શત્રુને મહાત કરવામાં કામિયાબી – બુલંદી અપાવશે; ઉચ્ચ શિખર પર હજુ વધુ લઈ જશે.
પોતાની જાતને ખુદ મુખ્તાર (પૂર્ણ) ગણી લેવા એ અપૂર્ણતાનું સૌથી મોટું લક્ષણ છે. – હદીસ - * *
સાપ્તાહિક સંદેશ:
- દોસ્ત, મિત્ર જો લાયક મળે તો જાન પણ કુરબાન છે,
એના ચરણે શીશ ધરવામાંય સાચી શાન છે,
તારે જોવી હોય ઝલક દુનિયામાં દોઝખની તો સુણ,
દોસ્તી કમજાતની દોઝખનું એક સ્થાન છે.
આપણ વાંચો: ભગવાન શ્રી સત્ય સાંઈબાબાની 100મી જન્મજયંતી નિમિત્તે



