પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ ઝબાન સંભાલ કે: પહેલાં તોલ, ફરી બોલ

  • અનવર વલિયાણી

માનવીનો દરેક અવયવ જીભને પૂછતો હોય છે તેને (જીભને) બોલવું જોઈએ કે ચુપ રહેવું જોઈએ?

  • હદીસ (પયગંબર મોહમ્મદ સાહેબ તથા સહાબી-સાથી સંગાથી હઝરતોનાં કથનો, કાર્યપ્રણાલી)ના અભ્યાસથી સ્પષ્ટ જાણવા મળે છે કે બોલવું અને ચુપ રહેવું એ બેયની સરખામણી કરવામાં આવે તો બોલવું એ ચાંદી જેવું છે અને ચુપ રહેવું સોના સમું છે.
  • એ બીજી વાત છે કે ક્યારેક બોલવું સોનાસમું બની જાય છે અને ચુપ રહેવું માટી-ખાખ બરાબર! ખાસ કરીને જ્યારે હળાહળ કલયુગ-કયામતનો-ગેરમાર્ગે દોરતો યુગ હોય ત્યારે ચુપકીદી કાતિલ ઝેર સમાન હોય છે. સાચું બોલવું જરૂરી બની જાય છે.
  • પરંતુ આજે આપણે ઈન્સાનના ગુનાહોનો વધારે ભાગ જીભના પ્રતાપે જ હોવા વિષેની જાણકારી-હિદાયત (આજ્ઞા-માર્ગદર્શન) વિશેની સમજ અને તેના લાભોની જાણકારી હાંસલ કરીશું:
  • જીભને નકામી વાતો કરવાથી અટકાવો, કેમ કે ગુનાહોનો વધારે ભાગ જીભના પ્રતાપે જ છે. જીભથી વધીને બીજું કોઈ અવયવ ગુનાહ નથી કરતું.
  • પોતાની જીભને હંમેશાં બચવતા રહો, માત્ર એ જ વાત કરો કે જે તમને જન્નતના હકદાર બનાવવા નિમિત્ત બને-સ્વર્ગમાં લઈ જાય. જીવનને સુખ-શુકુન બનાવે.
  • મોમિન બંદો-ઈન્સાન માત્ર જ્યાં સુધી ચૂપ રહે છે, ત્યાં સુધી તેની ગણતરી નેક (સજજન, શુભચિંતક) લોકમાં થાય છે.
  • જે માણસ દુનિયા અને આખેરત (મૃત્યુ લોકનું અમર જીવન)ની સલામતી ચાહતો હોય તેણે ખામોશ – ચુપ રહેવું જોઈએ.
  • ઈન્સાનને ઊંધા મોઢે જહન્નમ (દોઝખ-નર્કાગાર)માં નાખવાનું કારણ તેની જીભ છે. અર્થાત્ ‘જબાન સંભાલ કે.’
  • કોઈ બંદાને જ્યારે અલ્લાહ (ઈશ્વર, પ્રભુ, ગૉડ) નેકી (ભલમનસાઈ, પ્રમાણિકતા) આપવા માગે છે, ત્યારે તેની જીભને સંભાળવામાં મદદ કરે છે.
  • બીજાના અયબ (ખરાબીઓ, ખામીઓ) જોવાને બદલે પોતાની ત્રુટિઓ જોવામાં મશગૂલ (ધ્યાન મગ્ન) કરી દે છે.
  • જેનું બોલવું વધારે હોય તેની અક્કલ અધૂરી અને મન કઠણ હોય છે. ‘પથ્થર દિલ’ની ઉક્તિનુસાર.
  • ઈન્સાનનું મન સહીહ (સ્વચ્છ) થાય છે, જ્યારે તેનું દિલ દુરસ્ત (સારું-ચોખ્ખું) થાય અને દિલ ત્યારે જ દુરસ્ત થાય છે, જ્યારે એની જીભ દુરસ્ત થાય.

બોધ: મોમિન (એક સાચા શ્રદ્ધાળુ-અલ્લાહ પર ઈમાન-આસ્થા લાવનાર)ની જીભ દિલની પાછળ રહેવી જોઈએ. પહેલા વિચાર કરે, પછી યોગ્ય હોય તો વાત કરે, નહીં તો ચૂપ રહે-ખામોશી ગ્રહણ કરે.

  • મુનાફિક (ઢોંગી, દંભી, પાખંડી, દહીં અને દૂધ બંનેમાં પગ રાખનાર)ની વાત એનાથી વિરુદ્ધ હોય છે. તે ફક્ત બકતો (બડબડતો-બકવાસ કરતો) રહે છે. એને એની ફીકર ચિંતા નથી કે પોતે શું બોલે છે.

વ્હાલા વાચક બિરાદરો! પહેલાં તોલો, પછી બોલો.

  • વાતને સમજબુદ્ધિની કસોટી પર ચડાવીને પારખી લ્યો.
  • ખુદા માટેની વાત હોય તો બોલો નહીં તો ચૂપ રહો.
  • તદ્ન ચુપ બલકે મુંગા બની જાવ.
  • * *
    બુરાઈ કે બદલે ભલાઈ દીયે જા
  • જીવન એટલે શું?
  • કમાણીમાં વધારો કરવો?
  • દોસ્તોની સંખ્યામાં વધારો કરવો?
  • માહિતીમાં વધારો કરવો?
  • સવારે ઊઠવું કામધંધે જવું?
  • ખાવું-પીવું ને સૂઈ જવું?
  • બાળકો પૈદા કરવા? વગેરે, વગેરે…!
  • શું આને જ જીવન કહેવાતું હોય તો તે ઊંડો – ગંભીર વિચાર માગી લે છે? તેવો પ્રશ્ર્ન તમને કદી થતો નથી, – કારણ કે,
  • જૈવિક વિકાસ થવો,
  • શરીરનું યુવાન અને વૃદ્ધ થવુંને જ જીવન જીવ્યાનું નથી કહેવાતું. તે તો પશુ-પક્ષી- પ્રાણીઓમાં પણ છે તો સવાલ જાગે છે કે, મકસદે હયાત (જીવતા જીવનો હેતુ) શું છે?
  • એક વિચારકે લખ્યું છે કે જીવન એ કોરા કાગઝ જેવું છે.
  • કેટલાક બંદા તેની પર આડાઅવળા ચિત્રકામ કરે છે,
  • કેટલાક આ કાગળ બરાબર નથી તેવું કહ્યા કરે છે,
  • કેટલાક તેને ફાડી નાખે છે,
  • કોઈક વીરલા તેની પર સુંદર ચિત્રકામ કરે છે અને દુનિયા તજે છે. પરંતુ
  • મોટાભાગના માનવી જીવન જીવતા જ નથી.
  • તેઓ હંમેશાં ‘આ બરાબર નથી, પેલું બરાબર નથી’ તેવું રટ્યા કરે છે, તેવા લોકો પાસે બેસીએ તો કોઈને કોઈ વાતની ફરિયાદ કરતા રહેવાના. તેઓ એટલું પણ નથી સમજતા કે જે રીતે આપણું શરીર ચામડીથી મઢેલું છે, તેવી રીતે દુ:ખ – આપત્તિઓથી પણ જીવન મઢાયેલું છે.
  • આ દુનિયામાં બધા તો દૃષ્ટિ વિહોણા નથી, હા, કેટલાક લોકો (વર્તમાન દૌરમાં તો ઘણા બધા) જાણી જોઈને આંખો મીંચી દેતા હોય છે અને તેથી જ ઈશ્ર્વરીય વાણી કુરાને તેની ઉમ્મત (પ્રજા – અનુયાયી)ને સાવધ કરી છે કે તેમને ત્રણ બાબતો અતા કરાય છે: અર્થાત્ આપવામાં આવી છે:
  1. આંખ, 2. કાન અને 3. ઝમીર-અંતરાત્મા.
  • આમ છતાં આપણે તેનો સાચા અર્થમાં ઉપયોગ કરતા નથી અને ફરિયાદ કરતા રહીએ છીએ કે અમે દુ:ખી છીએ! જરા આજુબાજુના લોકો પર નજર કરો અને સંવેદનશીલ બનો તો, જીવન ઘણું બધું આપશે.

બોધ: Make Each Day Count નામના પુસ્તકમાં દરેકે દરેક દિવસ યાદગાર બની રહે તે માટે સૂચનો અપાયાં છે. તેમાં લાગણીશીલતા માટે આપણ જે કર્મ કરીએ તેને હજુ થોડું વધુ સારી રીતે કરીએ.

  • વાસ્તવમાં તો જીવન એક સતત વરસતા વરસાદ જેવું છે, અગર આપણે જીવનમાં વ્યર્થ – નકામો કચરો ભરતા રહીએ તો એવું જરૂર લાગવાનું કે બધું બરાબર હોવા છતાં કંઈ જ બરાબર નથી. કશુંક ખૂટતું હોવાની લાગણી થતી રહેવાની. અસમંજસ થતી રહેશે.
  • આવી વિચાર પ્રક્રિયામાંથી બહાર આવવા દરરોજ એવું એક સુકર્મ-વ્યવહાર-આચરણ કરો, જેથી આવું દરરોજ કર્યાનો દિવસ તમને યાદ રહે અને પછી તમે કેટલું જીવ્યા તે નહીં પણ કેવું જીવ્યાનો અહેસાસ-અનુભૂતિ થશે અને જે જીવ્યા તે ખરેખર સારું જીવ્યા કહેવાશે.
  • આવું જીવન દુનિયામાં શુકુન આપશે અને આખેરત-મૃત્યુ લોકના જીવનને અમર બનાવશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી.
  • દુનિયાનો દરેક ધર્મ ‘ભલા કર, ભલા હોગ’નો જ ઉમ્મતને બોધ આપે છે, તાલીમ આપે છે – શિક્ષણ આપે છે.
    મઝહબે ઈસ્લામ દીન (ધર્મ) સાથે દુનિયાનું જીવન કઈ રીતે આબાદ બને તેની બંદાને તાલીમ આપે છે. જેને મોમીનોએ સાચા અર્થમાં સમજી લેવાની જરૂર છે. ખોટા અર્થઘટનો કરવાથી ધંધાદારી મુલ્લાઓના બહેકાવાથી સાવધ રહેવાની જરૂર છે. ચેતતો નર સદા સુખી.
  • * *
    પ્રેરણાસ્ત્રોત:
    જહન્નમ (દોઝખ) એ લોકો માટે છે જેઓ બુરાઈનો રસ્તો દેખાડે અને નેકીઓ (સત્ય)થી રોકે.
  • * *
    સાપ્તાહિક સંદેશ
  • જે બે ભાઈઓ, પિતા-પુત્ર, પતિ-પત્ની વચ્ચે અદાવત ઊભી કરે તેના પર અલ્લાહની લાનત (ધિક્કાર) છે.
  • કષ્ટ અને મુસીબતની ક્ષણો ગુનાની ક્ષણોને ટૂંકાવી દે છે.
  • તમારી ઔલાદ સાત વર્ષની થાય તો તેમને અલગ સૂવડાવો (પોતાની સાથે લઈને સૂવું નહીં.)
  • અલ હદીસ

આપણ વાંચો:  મુખ્બિરે ઈસ્લામઃ નહોતી ખબર કે રૂહમાં ખુશ્બૂ હોય છે, મરી ગયા પછી શરીર ગંધાય છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button