પુરુષ

મળો, આ મેડમ કર્ણને!

એમની એક ઓળખ છે વિશ્ર્વના એક અતિ શ્રીમંત એવા ‘એમેઝોન’ના સર્વેસર્વા જેફ બેજોસની પૂર્વ પત્ની તરીકે અને હવે આ મેકેન્ઝી સ્કોટની બીજી ઓળખ બની છે એક અચ્છા વાર્તાકાર તથા બહુ જ ઓછા સમયમાં ૧૬ અબજ ડૉલર જેવી જંગી રકમનું વિક્રમસર્જક દાન કરવા બદલ.!

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

જેફ બેજોસ-મેકેન્ઝી

ધારેલી – ન ધારેલી આર્થિક ઊથલપાથલ થઈ છેલ્લાં સાડા ત્રણ – ચાર વર્ષમાં. એનું પ્રાથમિક કહો કે વિશેષ કારણ અલબત્ત, બધા જાણે છે તેમ કોરોના રહ્યું.અસંખ્યની જિંદગી આ ખતરનાક વાઈરસે ટૂંકાવી નાખી.અગણિતોનું જીવતર રગદોળી નાખ્યું તો જગત આખાની આર્થિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી નાખી એમાંથી આપણે બધા હજુ ડગુમગુ થતાં આસ્તે આસ્તે ટટ્ટાર થવાનો યત્ન કરી રહ્યા છીએ.

આ દરમિયાન, વિશ્ર્વના સૌથી ૧૦ શ્રીમંતની યાદીમાં આવે એવા ત્રણેક શ્રેષ્ઠીના અંગત જીવનમાં પણ વિખવાદનો વંટોળ ફૂંકાયો. ‘માઈક્રોસોફટ’ના બિલ ગેટ્સ – ‘એમેઝોન’ના જેફ બેજોસ અને ‘ગૂગલ’ના સહ-સંસ્થાપક સર્ગી બ્રિનના લગ્નજીવનમાં ઊભી તિરાડ પડી અને આમાંથી બિલ અને જેફ પોતપોતાની જીવનસાથી છૂટ્ટાં પડયાં,જ્યારે સર્ગીએ ડિવોર્સનો નિર્ણય પેલા બન્ને કરતાં પાછળથી જાહેર કર્યો.

બિલ ગેટ્સની પૂર્વ પત્ની મેલિન્દા આમ તો સેવાકાર્યમાં સક્રિય છે,પણ એ તથા સર્ગી બ્રિનની વાઈફ નિકોલ અત્યારે જાહેરજીવનમાં શું કરી રહ્યાં છે-શું કરવાના છે એની બહુ વિગતો બહાર આવી નથી,પરંતુ ‘એમેઝોન’ના જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટે ડિવોર્સ પછી બહુ ઝડપથી પોતાની એક આગવી ઓળખ કંડારી છે.

જેફ સાથે ૨૬ વર્ષનાં લગ્નજીવન પછી વિખૂટા પડવું એની કથા-વ્યથા કંઈક ઔર જ હોય છે. આવા તબક્કે કોઈ પણ કારણોસર છૂટ્ટાં પણ પડો તો પતિ-પત્ની પર જલ્દી ન ભૂંસાય એવી એકેમેકની છાપ અંકિત થઈ ગઈ હોય છે. એમાંથી બહાર આવવું -ખાસ કરીને-પત્ની માટે વધુ વિકટ છે. જો કે આજે ૫૩ વર્ષી મેકેન્ઝી સ્કોટ જરા જુદી માટીની છે. આમ તો એણે બે વર્ષ પહેલાં વિજ્ઞાનના શિક્ષક એવા ડેન જિવેટ સાથે પૂન: લગ્ન કરી લીધાં છે અને પોતાના વર્લ્ડ ફેમેસ-રિચેસ્ટ પૂર્વ પતિથી સાવ અલગ જ કેડી પર એણે ડગ માંડ્યાં છે. એક વિશેષ ભૂમિકા એ અદા કરી રહી છે અને એ છે એક અનન્ય દાતા તરીકેની.

અહીં આપણે એક આડ,પણ મહત્ત્વની વાતનો થોડો સિનારિયો સમજી લઈએ ધંધો-વ્યાપાર અને કરવેરાઆ બન્ને તદન વિરોધાભાષી શબ્દ છે. વેપારી અને સરકાર વચ્ચે હંમેશાં આને લઈને ટક્કર થતી રહે છે.સરકાર કોઈ પણ દેશની હોય,એ માને છે કે વેપારી કમાય છે એની સરખામણીએ ટેક્સ ઓછો ચૂકવે છે.વેપારી કરચોરી કરે છે. સામે પક્ષે, વેપારી કહે છે કે અમારી કમાણીમાંથી ધાર્યા કરતાં વધુ ટેક્સની રક્મ સરકાર ઉસરડી જાય છે અને હજુ વધુ ને વધુ ટેક્સ કેમ વસૂલી શકાય એની જ તાકમાં રહે છે આવી જ પેરવીને લીધે અનેક બિઝનેસમેન કરવેરા ટાળવાની પેરવીમાં રહે છે.આમ આ બન્ને પક્ષ વચ્ચે આવું દ્વંદ્વં અવિરત ચાલતું રહે છે.

આ દરમિયાન, વિશ્ર્વના શ્રીમંતો અને ગરીબોના ખબર-અંતર રાખતી વિખ્યાત આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઑક્સફામ’ દ્વારા કેટલાંક ચોંકાવનારા તથ્ય લઈને આવી છે. એ કહે છે કે કોરોના-કાળના બે અઢી વર્ષ દરમિયાન, વિશ્ર્વમાં અબજોપતિઓની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે.જગતના દશેક ધનિક એવાં છે,જે રોજના ૯ હજાર કરોડ રૂપિયા રળે છે.આ લોકો એટલું અધધધ કમાયા છે કે એ જો રોજના આઠેક કરોડ પણ આડેધડ વાપરે-લૂંટાવે તો પણ એમની સંપત્તિને આગામી ૮૪ વર્ષ સુધી આંચ ન આવે! આશ્ર્ચર્ય પમાડે એવા આ આંકડાની જોરદાર અને મજેદાર ચર્ચા જામી હતી ત્યાં વિશ્ર્વના જાણીતા ૧૦૨ અબજોપતિએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ને એક જાહેર પત્ર લખીને કહ્યું :
એ ખરુ કે સરકારોની અસમાન કરવેરા નીતિ-રીતિને લીધે બીજાની સરખામણીએ અમે વધુ ધનઉપાર્જન કરીએ છીએ એટલે જ્યાં સુધી સરકારી કરવેરાની અસમાન નીતિમાં બદલાવ ન આવે ત્યાં સુધી અમે સ્વૈછિક વધુ ટેક્સ ચૂકવવા તૈયાર છીએ..!’

ટોચના ૧૦૦થી વધુ સુપર રીચ એવા ધનવાનોની આ ઓફરે વિભિન્ન સત્તાવાળા અને આર્થિક નિષ્ણાતોને વિચાર કરતા મૂકી દીધા છે. આ પ્રસ્તાવ વાસ્તવમાં કઈ રીતે અમલમાં મૂકી શકાય એ તો ભાવિ કહેશે,પરંતુ અમીર-ગરીબની અસમાનતા ઓછી કરવામાં ધનવાનોની દાનવૃત્તિ અત્યાર સુધી મહત્ત્વનો ભાગ ભજવતી આવી છે. કોઈ પણ દેશના અનેકવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટે જે વધારાની ધનપૂંજીની જરૂર પડે એ વખતે દેશના દાનવીરો આગળ આવી શકે અને આગળ આવતા પણ હોય છે.

જો કે અમેરિકા-કેનેડા-બ્રિટન-ડેનમાર્ક-ફ્રાન્સ ઈત્યાદિના અમીરોની સરખામણીએ આપણા ટોચના ખરા અર્થમાં કમાઉ ઉદ્યોગપતિઓ ઊણાં ઊતરે છે. છેલ્લાં સર્વે અનુસાર અંબાણી-અદાણી ગ્રુપ્સ જેટલું કમાણીમાં આગળ રહ્યું એટલા જ પાછળ દાનવૃતિમાં રહ્યું.

હા, ગૌતમભાઈએ એમના ૬૦મા જન્મદિવસ નિમિત્તે સમાજ કલ્યાણ માટે ૬૦ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી ખરી.આમ છતાં અદાણી-અંબાણીની તુલનાએ શિવ નાદર અને ‘વિપ્રો’ના અઝીમ પ્રેમજી અત્યાર સુધી સૌથી અગ્રેસર રહ્યા છે. ૨૦૨૩માં શિવ નાદરે રૂપિયા ૨૦૪૨ કરોડનું દાન કર્યું છે તો દિલદાર અઝીમ પ્રેમજીએ ૧,૭૭૪૪ કરોડ રૂપિયાની સખાવત ૨૦૨૩માં કરી હતી.
હવે આપણે ફરી સુપર દાનવીર મેકેન્ઝી સ્કોટની વાત પર પરત ફરીએ ડિવોર્સ પછી આજની તારીખે એ આશરે ૩૫ અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે.એ ઉપરાંત પૂર્વ પતિ જેફ બેજોસની ‘એમેઝોન’ કંપનીની આવકમાં ૪% હિસ્સો પણ છે.

જો કે, આ મેકેન્ઝી જરા ઊંધી ખોપરીની છે. પતિ જેફ સાથે હતી ત્યારે પણ ‘એમેઝોન’ દ્વારા દાનની પ્રવૃત્તિ કરતી. લગ્ન વિચ્છેદ પછી પણ પોતાની સંપત્તિનો ગુણાકાર કરવાને બદલે એ દાનપ્રવૃત્તિ દ્વારા ભાગાકારમાં દૃઢપણે માને છે.એના ડિવોર્સની કાયદાકીય તૈયારી ચાલતી હતી ત્યારે એણે પોતાની એક ટીમ ખડી કરી,જે ‘લોસ્ટ હોર્સ’ જેવા વિચિત્ર નામની સંસ્થાના નેજા હેઠળ અમેરિકાની નાની નાની લગભગ અજાણી એવી સંસ્થાઓનો સામેથી સંપર્ક કરવાનો શરૂ કર્યો,જે નિસ્વાર્થ ભાવે સેવાકાર્ય કરતી હોય.એમને ‘લોસ્ટ હોર્સ’ના નામે થોડી થોડી રકમ નિયમિત મળવા માંડી. આજે આ છેલ્લાં ત્રણ વર્ષમાં મેકેન્ઝીએ આવી ૧૨૦૦થી વધુ નાની સેવાસંસ્થાને કુલ ૧૬ અબજ ડૉલરનું દાન પહોંચાડ્યું છે.

(જ્યારે એના ભૂતપૂર્વ પતિ જેફ બેજોસે આ ગાળામાં માંડ ૩ અબજ ડૉલરનું જ દાન કર્યું છે!)
માત્ર ૩-૪ વર્ષમાં જ આવી જંગી સખાવતી રકમ વર્ષોથી ડોનેશન આપતા કોઈ પણ અમેરિકન દાનવીર કે કોઈ પણ સંસ્થા કરતાં અનેક ગણી વધારે છે.

આજે દાન આપવાનો ઈતિહાસ મેકેન્ઝી બહુ ઝડપથી પલટાવી રહી છે એવું વિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિન કહે છે!

ગઈ કાલ સુધી ડોલરિયા અબજપતિની પત્ની અને પછી ખુદ અબજપતિ એવી મેકેન્ઝીની મેરેજ પહેલાંની કથા પણ રસપ્રદ છે. એને નાનપણથી વાંચવા-લખવાનો ગાંડો શોખ. પિતા એક અચ્છી કંપનીમાં કામ કરતા હતા. એનું બાળપણ સારું વીત્યું હતું. એ મુગ્ધાવસ્થામાં પહોંચી ત્યારે પિતાજીની કંપનીએ દેવાળું કાઢ્યું. સુખના દિવસો સરી ગયા.કોલેજનો ખર્ચ કાઢવા એ છૂટક જોબ કરતી.

એક વાર એ પડી ગઈ. એનાં દાંત તૂટ્યાં. સારવાર માટે પૈસા નહોતા. એક ડેન્ટિસ્ટ પાસે સારવાર લીધી એ શરતે કે ત્રણ મહિના ત્યાં મફતમાં કામ કરશે! આ દરમિયાન એ સારી વાર્તાકાર અને પત્રકાર પણ બની ગઈ હતી.એ લોકોના ઈન્ટરવ્યૂ પણ લેતી . એ દિવસોમાં જેફ બેજોસ પુસ્તક વિતરણની એની ‘એમેઝોન’ કંપનીને લીધે ઠીક ઠીક જાણીતો થયો હતો. જે મેગેઝિન માટે મેકેન્ઝી લખતી હતી એની ઑફિસ ‘એમેઝોન’ની બાજુમાં હતી. મેકેન્ઝીએ એનો ઈન્ટરવ્યુ લીધો.જેફને એક સ્ટોરી રાઈટર તરીકે મેકેન્ઝીમાં રસ પડ્યો ને મેકેન્ઝીને એક પુસ્તક વિક્રેતા તરીકે જેફમાં ત્રણેક મહિનાના ડેટિંગ પછી બન્ને પરણી ગયા. પછી માત્ર સામાન્ય પુસ્તકવિક્રેતા બની રહેવાને બદલે ઓનલાઈન પુસ્તકો વેંચવાનું જેફે શરૂ કર્યું. એ સાહસને સાકાર કરવા પતિ જેફની સાથે મેકેન્ઝીએ ખભેખભા મિલવીને ‘એમેઝાન’ને વિશ્ર્વવિખ્યાત બનાવ્યું.

આજે પણ મેકેન્ઝી સ્કોટ નિયમિત લખે છે. દાનવીર ઉપરાંત એ એક જાણીતી લેખિકા તરીકે પણ અમેરિકાના સાહિત્ય વર્તુળમાં એની એક સાવ અલગ ઓળખ છે. નોબલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર ટોની મેરિસને પણ એની કૃતિઓની વિશેષ પ્રશંસા કરી છે.

બીજી તરફ,પોતાની ટીમ દ્વારા પૂરતી ખાનગી તપાસ કર્યા પછી પોતાના ચેરિટી ફાઉન્ડેશનનું દાન અમુક અપવાદ સિવાય ખાસ તો નાની નાની સંસ્થાને મેકેન્ઝી પહોંચાડે છે. એનું ફાઉન્ડેશન માત્ર સેવા કાર્ય કરતી સંસ્થાઓને જ દાન આપે છે એવું નથી. વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે શોધખોળ કરતી ઈન્સ્ટિટ્યુટસને પણ જોઈતી સહાય એ કરે છે. એટલું જ નહીં, કોવિડની મહામારી વખતે જે સહાયતા ફંડ અમેરિકામાં એકઠું થયું એમાંથી ૨૦ ટ્કાથી વધુ દાન મેકેન્ઝી દ્વારા હતું.આ બધા વચ્ચે મેકેન્ઝી ફાઉન્ડેશન જે ઝડપે ચેરિટી પહોંચતી કરે છે એનાથી ભલભલા દાનવીરો અને એમની સંસ્થાઓ અવાક થઈ જાય છે.

જ્યારે વોરેન બફેટ – બિલ ગેટસ જેવાં અનેક નામી શ્રીમંતોએ થોડા સમય પહેલાં એવું વચનનામું જાહેર કર્યું કે એ એમની અરધી મિલકત સેવાકાર્યો માટે દાનમાં આપી દેશે ત્યારે આજે વિશ્ર્વની ચોથી શ્રીમંત મહિલા, જેને તમે ‘મેડમ કર્ણ’ કહી શકો એવી મેકેન્ઝી સ્કોટ કહે છે:

‘હું તો મારી અંગત તિજોરી સાવ ખાલીખમ થઈ જાય ત્યાં સુધી સેવાકાર્ય માટે સખાવત – દાન કરવાનું વચન આપું છું!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…