
- અંકિત દેસાઈ
ગયા સપ્તાહે જ આપણે સિગારેટ પર વધેલા GSTના સંદર્ભમાં વાત કરી અને અમે તમને તમારા પૈસા કે તમારી બચત સંદર્ભે આંકડા આપ્યા હતા…
હવે જોઈ લો આ આંકડા…તાજેતરના એક અભ્યાસ મુજબ, ધૂમ્રપાન સંબંધિત ગંભીર બીમારીઓ હવે માત્ર વૃદ્ધાવસ્થાની સમસ્યા રહી નથી. દેશમાં મિલેનિયલ અને જનરેશન Z પુરુષોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)ના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ આંકડાઓ ન માત્ર આઘાતજનક છે, પરંતુ તે એ પણ દર્શાવે છે કે યુવા પેઢીમાં ધૂમ્રપાન અને અન્ય વ્યસનો કેટલા જોખમી બની રહ્યા છે.
આ એક અગ્રણી મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, 18થી49 વર્ષની ઉંમરના ભારતીય પુરુષોમાં લગભગ 22માંથી 1 પુરુષમાં COPDનાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ લક્ષણોમાં લાંબા સમયની ખાંસી, વધુ પડતો કફ, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંની સતત સમસ્યાનો સમાવેશ થાય છે.
આ આંકડા એ વાત પર ભાર મૂકે છે કે ધૂમ્રપાનની આદત હવે માત્ર એક સામાજિક રિવાજ કે તણાવ ઘટાડવાનો ઉપાય નથી,પરંતુ તે જીવન માટે ગંભીર જોખમ બની ગઈ છે. મોટાભાગના કિસ્સાઓમાં,આ પુરુષોએ પોતાના જીવનકાળમાં નોંધપાત્ર પ્રમાણમાં ધૂમ્રપાન કર્યું હોય છે,જે ફેફસાંને ન ભરપાઈ કરી શકાય તેવું નુકસાન પહોંચાડે છે.
આ આંકડાઓ સાથે ઘણી મોટી હોસ્પિટલો પણ આ જ વાતની પુષ્ટિ કરી રહી છે કે દર મહિને 50 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોમાં આવી બીમારીઓના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં પુરુષોમાં ધૂમ્રપાનનું પ્રમાણ મહિલાઓ કરતાં ઘણું વધારે છે, જે આ આંકડાઓ પાછળનું મુખ્ય કારણ છે. યુવાનોમાં આ આદત વધવા પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે, જેમ કે નોકરીનો તણાવ, સામાજિક દબાણ, અને સિગારેટ બનાવતી કંપનીઓનું આકર્ષક માર્કેટિંગ.
સિગારેટ ઉપરાંત, બીડી, હુક્કા, અને ચિલમ જેવા તમાકુના અન્ય સ્વરૂપો પણ COPDનું કારણ બને છે. નિષ્ણાતો જણાવે છે કે માત્ર એક હુક્કા સેશન ઘણી બધી સિગારેટ પીવા બરાબર છે અને સેકન્ડ-હેન્ડ સ્મોક એટલે કે અન્ય કોઈના ધૂમ્રપાનનો ધુમાડો શ્વાસમાં લેવો પણ એટલો જ જોખમી છે.
આજે મિલેનિયલ્સ અને જનરેશન Zના યુવા પુરુષોમાં હુક્કા અને વેપિંગ જેવી ‘આધુનિક’ આદતોનો પ્રચાર વધી રહ્યો છે. એ બધા માને છે કે આ સિગારેટ કરતાં વધુ સુરક્ષિત છે. વાસ્તવિકતા એ છે કે આ આદતો પણ ફેફસાંને એટલું જ અથવા ક્યારેક તો તેનાથી પણ વધુ નુકસાન પહોંચાડે છે.
આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં વધતું વાયુ પ્રદૂષણ પણ COPDના કેસોમાં વધારો કરી રહ્યું છે. પહેલાંના દાયકાઓમાં, ઈઘઙઉના માત્ર 10 ટકાકેસ વાયુ પ્રદૂષણથી થતા હતા, પરંતુ હવે આ આંકડો વધીને લગભગ અડધો થઈ ગયો છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઉદ્યોગોમાંથી નીકળતાં રસાયણો અને ઘરગથ્થુ ઇંધણનો ધુમાડો- આ બધું ફેફસાં માટે ઝેર સમાન છે. પુરુષો, ખાસ કરીને જે શહેરી વિસ્તારોમાં કામ કરે છે એ આ પ્રદૂષણના સીધા સંપર્કમાં વધુ સમય રહે છે, જેના કારણે એમને COPDથવાની શક્યતા વધી જાય છે.
યુવા ઉંમરમાં COPDનું નિદાન થવું એ ખૂબ ગંભીર બાબત છે. 50વર્ષથી નીચેના પુરુષોમાં આ બીમારીથી ફેફસાંનું નુકસાન ઝડપથી થાય છે, જેને કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. નાની ઉંમરે હૃદયની નિષ્ફળતાનું જોખમ પણ વધી જાય છે. આ બીમારીના પરિણામે યુવા પુરુષોમાં 75વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. વ્યક્તિગત સ્તર પર, આ બીમારીની અસર કારકિર્દી પર પણ પડે છે.
શ્વાસની તકલીફથી કાર્યક્ષમતા ઘટે છે અને નોકરીમાં પ્રગતિ અટકી શકે છે. આર્થિક રીતે, બીમારીની સારવાર પાછળ થતો ખર્ચ પરિવાર પર મોટો બોજ બની જાય છે. ઘણીવાર, યુવાન પુરુષો શરૂઆતનાં લક્ષણોને અવગણે છે. લાંબા સમયની ખાંસી, કફ, શ્વાસમાં તકલીફ કે છાતીમાં ઘરઘરાટી જેવા સંકેતને એ સામાન્ય માનીને નજરઅંદાજ કરે છે, જે ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવે છે.
આ ગંભીર પરિસ્થિતિને ટાળવા માટે યુવા પુરુષોએ વ્યક્તિગત સ્તરે જાગૃત થવું સૌથી જરૂરી છે. ધૂમ્રપાન છોડવું એ પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે. સરકારી કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવવાની જરૂર છે, પરંતુ તેની સાથે સાથે મિત્રોના જૂથ અને કાર્યસ્થળ પર પણ કાઉન્સેલિંગ પ્રોગ્રામ્સ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
વાયુ પ્રદૂષણથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવો,ઘરની અંદર સ્વચ્છતા જાળવવી અને નિયમિત વ્યાયામ કરવો પણ ફાયદાકારક છે. નિષ્ણાતોના મતે, સરળ ટેસ્ટ દ્વારા COPDનું વહેલું નિદાન થઈ શકે છે, જે વર્ષોની શ્વાસની તકલીફને રોકી શકે છે. યુવા પુરુષોમાં ધૂમ્રપાન-મુક્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ફિટનેસ એપ્સ અને સામુદાયિક જૂથોનો ઉપયોગ કરી શકાય છે.
આ આંકડાઓ એક સ્પષ્ટ ચેતવણી આપે છે: જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો ભવિષ્યમાં મિલેનિયન અને જનરેશન Zના પુરુષોમાં COPD અને અન્ય ધૂમ્રપાન સંબંધિત બીમારીઓનો બોજ વધશે,જે દેશની આર્થિક અને આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ લાવશે. GSTના વધારાનો હેતુ પૈસા બચાવવાનો નથી, પરંતુ જીવન બચાવવાનો છે. પુરુષોને આજથી જ જાગૃત થવું જોઈએ. તમારી બચત નહીં, તમારું જીવન જોખમમાં છે.
આપણ વાંચો: ફોકસઃ પહેલવાન એટલે પુરુષ એવી માન્યતા બદલી નાખનારી આ મહિલાને ઓળખો છો?