ચાલો, ‘સાઠે બુદ્ધિ નાઠે’ કહેવતને ખોટી પાડીએ… | મુંબઈ સમાચાર
પુરુષ

ચાલો, ‘સાઠે બુદ્ધિ નાઠે’ કહેવતને ખોટી પાડીએ…

  • નીલા સંઘવી

ગયા અઠવાડિયાના ‘વયોવૃદ્ધ નહીં મતિવૃદ્ધ થઈએ લેખમાં સલાહ-સૂચનનો મારો ચલાવ્યો હતો તો ચાલો, તૈયાર થઈ જાવ વધારાના સલાહ-સૂચન વાંચવા…. આમેય સલાહ આપવી બધાને ગમતી હોય છે. (હું પણ એમાંની એક છું!) તો આગળ વધીએ…

‘સાઠે બુદ્ધિ નાઠે’ નહીં પણ સાઠે બુદ્ધિ વધે, સમજ સ્થિર થાય. જીવનના અનુભવનો નિચોડ સમજમાં આવી જાય. તેથી બહુ સમજીને, બહુ વિચારીને સંતાનો સાથે વર્તન કરવાનું. ખાસ કરીને પુત્રવધૂ સાથે, કારણ કે આખો દિવસ તમે પુત્રવધૂ સાથે વીતાવવાના છો. પુત્ર તો ધંધાર્થે સવારનો નીકળી જશે ને એ રાત્રે ઘરે પાછો આવશે.

દીકરી યુવાન હોય કે તમે દીકરીના ઘેર રહેતા હો તો પણ સમજીને વર્તન કરવાનું છે. વહુ-દીકરીના કાર્યમાં દખલગીરી નહીં કરવાની. હું તમને સલાહ-ભલે આપું પણ તમારે તમારી વહુ-દીકરીને સલાહ-સૂચન આપવા નહીં. તેમને પોતાની રીતે જ કામ કરવા દેવાના. ઘરના કામમાં કે બાળકોના ઉછેરમાં તમારી સલાહી માગે તો જ આપવાની.

આજની પેઢી પોતે હોશિયાર છે-સ્માર્ટ છે. ઘરનું કામ કેવી રીતે કરવું, બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે એ સારી રીતે જાણે છે. ન જાણતા હોય તો ગૂગલબાબા તેમને માર્ગદર્શન આપી દે છે. હા, તમારી અને તેમની રીતમાં ફરક જરૂર હશે, પણ સમય પરિવર્તનશીલ છે. બદલાતા જમાના સાથે બધું બદલાતું હોય છે એનો સ્વીકાર કરવાનો. હા, એ લોકો તમારી કોઈ મદદ ઈચ્છતા હોય તો મદદ જરૂર કરવી.

બા શાક સમારી દે, બાળકોને વાર્તા કહી શકે. બાપુજી બજારમાંથી શાકભાજી-ફળફળાદિ લઈ આવી શકે, બેંકનું કામ કરી શકે, બાળકોને સ્કૂલમાં લાવવા-મૂકવાનું કામ કરી શકે. આવાં નાના મોટા કામ પરિવારજનોને ઘણાં ઉપયોગી થઈ પડે છે તો પોતાની શક્તિ અનુસાર વહુ-દીકરીને મદદ કરવાની તેના કામમાં દખલગીરી કર્યા વગર.

એક વાત ગાંઠે બાંધી લો કે ઘણાં વર્ષો તમે પરિવારનું મધ્યબિંદુ હતા, સેન્ટરમાં હતા. ઘરના-વ્યવહારના બધાં કામ તમને પૂછીને કરવામાં આવતા હતા, પણ જ્યારથી તમારી વય વધવા માંડી છે, તમે બીમાર રહેવા લાગ્યા છો, થોડી યાદશક્તિ ઓછી થઈ છે ત્યારથી તમને કોઈ પૂછતું નથી. ઘરનું કામ હોય કે વ્યવહારનું એ લોકો પોતાની મેળે જ નક્કી કરી લે છે. તમને ઓછું આવે-દુ:ખ લાગે: બધાં બહુ હોશિયાર થઈ ગયા છે. કોઈ પૂછતુંય નથી.

જો હવે આપણને કોઈ પૂછે તો જ જવાબ આપવાનો. પૂછે નહીં તો કંઈ બોલવાનું નહીં, જોયા કરવાનું. ‘બોલાવ્યા વિના બોલે, તણખલાની તોલે’. આપણે તણખલું નહીં, વૃક્ષ બનવાનું છે. ઉંમર વધવાની સાથે વૃક્ષ જેવી છાયા પરિવારને આપવાની છે. ખોટેખોટું બડબડ કરીને આપણી કિંમત ઘટાડવાની નથી. તેથી બધાં મને બધું પૂછીને જ કરે તેવો આગ્રહ છોડી દેવાનો.

સમયસર તમારા કામ પતાવો. એવું નહીં કે તમે રિટાયર્ડ થઈ ગયા છો એટલે ગમે તે સમયે ઊઠો, ગમે તે સમયે નિત્યક્રમ પતાવો, ગમે તે સમયે જમવા બેસો. નિવૃત્ત તમે થયા છો તમારા પરિવારના સભ્યો નહીં. તેમને તેમના સમયે કામ પતાવવાનું છે. તેમને પોતાના કામ પર જવાનું છે, બાળકોનો સમય સાચવવાનો છે, કામવાળી બાઈનો તો સમય સાચવ્યે જ છૂટકો એટલે તમારું ફિક્સ રુટિન રાખો જેથી પરિવારના સભ્યો એ રીતે તમારું અને એમનું સમયપત્રક સેટ કરે.

ખાવાપીવાની બાબતમાં તો બિલકુલ કચકચ કરતા નહીં. આખી જિંદગી બહુ ખાધું. હવે ઉંમર થઈ છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે. ખાવામાં ધ્યાન રાખવાનું છે. ડોક્ટરે જણાવેલી પરેજી પાળવાની છે. પરિવારજનો પણ ડોક્ટરની સૂચના પ્રમાણેનો ખોરાક તમને આપશે. તેમને તમારી ચિંતા છે તો થાળીમાં જે પીરસાય તે પ્રસાદ સમજીને જમી લેવાનું.

આખી જિંદગી કેટલું ખાધું તો યે સંતોષ ન થયો તો હવે પાછલી ઉંમરે ખાઈને સંતોષ થઈ જવાનો છે? તમારી પત્નીએ જેવું સ્વાદિષ્ટ જમણ તમને જમાડ્યું છે તેવું કદાચ તમારી પુત્રવધૂને બનાવતા નહીં આવડતું હોય તો મોઢું નહીં બગાડવાનું. શાંતિથી જે મળે તે જમી લેવાનું.

ઉંમર વધવા સાથે ઘણીવાર માણસ જીદ્દી થઈ જાય છે. એટલા બધાં જક્કી થઈ જાય છે કે લીધેલી વાત મૂકવા તૈયાર થતા નથી. પોતાની ઈચ્છા બીજા પર થોપવા માટે અડગ રહે છે. ક્યારેય પોતાની ઈચ્છા બીજા પર થોપવાની કોશિશ કરવાની નહીં. પોતાની વાત મનાવવાની જીદ છોડી દેવાની.

વય વધવાની સાથે શારીરિક તકલીફોનો સામનો કરવો જ પડે. નાની મોટી તકલીફ તો રહેવાની જ. સ્વાસ્થ્યની તકલીફોને સ્વીકારી લેવાની. હા, જે પણ સારવાર થઈ શકતી હોય તે કરવાની પણ આખો દિવસ તબિયતના રોદણાં નહીં રડવાના. કેટલીક વયસ્ક વ્યક્તિને તમે ફોન કરો કે રૂબરૂ મળો ત્યારે તબિયતના ખબર પૂછશો કે એ ચાલુ થઈ જશે તબિયતના રોદણાં રડવા. તેમને તબિયતની કેટલી બધી તકલીફ છે, …. વગેરે વગેરે. લોકોને આવી બધી વાતો સાંભળવામાં જરાય રસ હોતો નથી.

જો તમે હસશો તો બધાં તમારી સાથે હસશે, પણ રડશોને તો તમારી સાથે કોઈ રડશે તો નહીં જ પણ તમારી સાથે વાત કરવાનું પણ ટાળશે. તમારી તકલીફ તમારી છે, એને કર્મનું ફળ સમજીને સ્વીકારી લો અને સહન કરો. તમારી તબિયત વિષેનું પેલી ‘અનુપમા’ની માફક પાંચ પાનાનું ભાષણ સાંભળવામાં કોઈને રસ નથી એટલું સમજી લેજો.

તમે કોઈને કામ ચીંધો અને તરત થઈ જશે એવી અપેક્ષા રાખવાની નહીં. તમે કોઈને ઓર્ડર કર્યો કે આમ કરો, એ તરત થઈ જશે એવી આશા શા માટે રાખવાની? અરે, તમારાં સંતાનોને છોડો, કામવાળા પણ તમારો પડ્યો બોલ ઝીલવાના નથી. સૌ પોતાની અનુકૂળતાએ તમારું કામ કરી આપશે. ધીરજ ધરવાની. આખરે ‘ધીરજના ફળ મીઠાં’.

ઘણીવાર વયસ્ક વ્યક્તિ ઘેર મહેમાન આવે તેની સમક્ષ પરિવારજનોની નિંદા કરવા માંડે છે: ‘વહુ મારું ધ્યાન રાખતી નથી. દીકરો મારી વાત સાંભળતો નથી. જમવામાં કાંઈ ઠેકાણું હોતું નથી’ વગેરે વગેરે. આવું તો ક્યારેય કરવાનું નહીં, કારણ કે તમે જેને વાત કરશો એ તમે કહેલી વાતમાં મીઠું-મરચું ભભરાવીને તમારાં સંતાનોને ચઢાવી મારશે અને તમારાં ઘરમાં ઝઘડો થઈ જશે.

વળી, એક વાત હંમેશાં યાદ રાખજો-તમારું ધ્યાન તમારા પરિવારજનો જ રાખવાના છે. સાજેમાંદે સેવા ઘરના લોકો જ કરશે. બહારના કોઈ લોકો તમારું કરવા આવવાના નથી. ‘આખિર અપને તો અપને હોતે હૈ’ તેથી આવી ભૂલ કદી ન કરતા…. સલાહનું ચેપ્ટર-3 આવતા અઠવાડિયે…ચાલો, ‘સાઠે બુદ્ધિ નાઠે’ કહેવતને ખોટી પાડીએ!

આપણ વાંચો:  પત્નીને મદદ તો માતાને કેમ નહીં?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button