મુખ્બિરે ઈસ્લામઃ ઈતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના!

અનવર વલિયાણી
- પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ ફરમાવે છે કે-
- `કસમ છે તે પવિત્ર જાતની જેના હાથમાં મારા પ્રાણ છે કે તમારામાંથી કોઈ ઈન્સાન ત્યાં સુધી સાચો મુસલમાન મોમીન નથી, જ્યાં સુધી પોતાના પાડોશીઓથી એવી રીતે મોહબ્બત ન કરે કે જેવી રીતે તે પોતાની જાતથી મોહબ્બત કરે છે.’
- પયગંબરે અનવર સાહેબનું આ કથન-વાક્ય આપણને કેટલું બધું સૂચવી જાય છે. આ હદીસમાં ફક્ત મુસ્લિમ પાડોશીઓ, સગાં-સંબંધીઓની જ વિશેષતા કરવામાં આવેલ નથી પણ સમસ્ત માનવજાત સાથે હળીમળીને ભાઈચારાથી રહેવાનું ફરમાન કરવામાં આવેલ છે.
સનાતન સત્ય:
-સમાજમાં ફિર્કાબંધીને કારણે તરક્કીની તકો ગૂંચવાએલી છે.
-એક જ કુરાન અને કથનો- વાક્યોને માનનારા મુસલમાન વાડાબંધીમાં અટવાઈ ગયો છે.
-સૌ જમાતો, શિયા-સુન્નીના ફિર્કાઓને પોતપોતાની રીતે રહેવાનો – અનુસરવાનો અધિકાર છે છતાં માનવ ભલાઈ અંગેનાં કાર્યો માટે સઘળાઓએ એક થઈ- નેક થઈ સંગઠનપૂર્વક કાર્ય કરવાનો સમયનો તકાજો છે, વક્તની પુકાર છે.
-સમાજના ઘણા એવા ફિર્કાઓ છે જેઓ આરોગ્ય અને શિક્ષણ જેવી અનિવાર્ય કહી શકાય તેવી જરૂરી બાબતોથી વંચિત છે. શહેરોમાં અને મોટાં ગામોમાં આ બાબત ઢંકાયેલી રહે છે પણ નાનાં ગામડાં-કસબાઓમાં એ સત્ય છડી પોકારતું હોય છે.
-એક વાચક બિરાદરે પોતાના વિચારો વ્યક્ત કરતા લખી મોકલ્યું છે કે – `જેને આપણે જમાના સાથે કદમ મિલાવી તરક્કી કરતા સમાજો’ કહીએ છીએ એવા સમાજોના સભ્યો એકબીજામાં આપ-લેના અભાવે જેમને તેમ રહ્યા છે. આ સ્થિતિ ગામડાઓમાં સ્પષ્ટ જોવા મળે છે. શહેરોમાં સગવડ અને કાર્યકરો મળી રહેતા હોવાથી અહીં ઝાઝી મુસિબત રહેતી નથી.
બોધ: સૌ મુસલમાનોએ વાડાબંધી છોડી દઈ, ભાઈચારાનું વાતાવરણ સર્જવું જોઈએ એ અંગે એક શિક્ષિત બહેને પોતાના પ્રત્યાઘાતો વ્યક્ત કરતાં જણાવ્યું કે,
-`શરીરના કોઈ એક ભાગમાં દર્દ થતા જેમ આખું શરીર બેચેન રહે છે તેમ કોઈ પણ ઈન્સાનનું દુ:ખ એ સૌ મનુષ્યનું દુ:ખદર્દ બની રહેવું જોઈએ.’
-દીને ઈસ્લામના આદેશો-ઉપદેશોને અનુસરી સૌએ એકબીજાના દુ:ખદર્દ મિટાવવા અને કોમ-સમાજને ચેતનવંતી બનાવવા એકતા-સંગઠન કેળવીએ… ભાઈચારાનું વાતાવરણ સાચા અર્થમાં સર્જીએ.
પ્રેરણાસ્ત્રોત:
*શહેનશાહી હોવા છતાં ફકીરી રાખી શકાય છે,
*માલદારી (શ્રીમંતાઈ) હોવા છતાં, સાદગી રાખી શકાય છે,
*મહાનતા હોવા છતાં દીનતા-નમ્રતા રાખી શકાય છે.
*મોમીન, ઈમાની એજ છે કે જે જરૂર કરતા વધારે કશું રાખતો નથી.
દરિયાનાં મોતી:
તમારી પાસે જ્યારે કંઈ નહીં હોય ત્યારે સબ્ર કરો અને જ્યારે બધું જ હોય ત્યારે તેની કદ્ર કરો.
ઈસ્લામી સાહિત્ય:
ઈસ્લામના મહાન સૂફી-સંતોએ હૈયાની વાણી વહાવીને સાંપ્રદાયિક અને સામાજિક એકતાનો અનુરોધ કર્યો છે.
-પ્રાચીન સમાજના એ પીરોની વાણી આજે વિલુપ્ત થઈ રહી છે. ક્યાંક જૂના ગ્રંથોમાં, હસ્તલિખિત પ્રતોમાં કે લોકકંઠે એ સંઘરાયેલી તો જરૂર પડી હશે.
-આજે આપણી પાસે ઝવેરચંદ મેઘાણી જેવા સમર્થ લોકસાહિત્યકાર નથી કે આપણે તેમની પાસેથી એવા ધરતીના ધાવણની આશા રાખી શકીએ.
-ગામડે ને શહેરે વસતા આપણા સમાજનાં ભાઈ-બહેનોની એ નૈતિક ફરજ થઈ પડે છે કે પ્રાચીન મુસ્લિમ સંતોની વાણીને લુપ્ત થતી અટકાવવી અને પ્રકાશમાં લાવવી.
-મુસ્લિમ લોકગાયકોની સંખ્યા પણ હવે નજીવી છે.
-ઢોલક અને એવાં પ્રાચીન વાજિંત્રોના કલાકારો પણ આપણા સમાજમાંથી લુપ્ત થઈ રહ્યા છે. એ લોકગાયકોને માટે આપણે કંઈક કરવું જોઈએ.
-ડાયરો માંડવામાં પણ આપણા મુસ્લિમ કલાકારોનો નાનોસૂનો ફાળો નથી.
-આ તબક્કે આપણે એ બધાને `હૂમા’ પક્ષીની જેમ સજીવન કરવા કંઈક કરવું જોઈએ.
-મુસ્લિમ સંતોની વાણી માત્ર લોકરંજનની હળવી ચીજ નથી.
- સંત કબીર અને તુલસીના સાહિત્યની જેમ અધ્યયનની ચીજ છે.
*અરબી સમુદ્રનો આખો પશ્ચિમ કાંઠો,
*સૌરાષ્ટ્ર,
*રાજસ્થાન,
*ઉત્તર ગુજરાતમાં
*મુસ્લિમ સંતોની વાણીની ભરમાર રહી છે.
-યુવાન મુસ્લિમ કવિઓ, સાહિત્યકારો જ્યારે આધુનિક સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે તો એમને નમ્ર અનુરોધ છે કે મુસ્લિમ સંતોની વાણી માટે, મુસ્લિમ સમાજના લોકસાહિત્ય માટે એમના તરફથી સંશોધન આદરવામાં આવે.
-આ સંશોધન માટે મુસ્લિમ સમાજની
- શૈક્ષણિક સંસ્થાઓ તરફથી,
- સખાવતી ટ્રસ્ટો તરફથી,
- યુથ બોર્ડો,
- સોશ્યલ વેલફેર બોર્ડો જેવા સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ તરફથી તથા
- કોમ-સમાજ-જમાતના માલદારો-શ્રીમંતો તરફથી સંશોધનકાળ માટે સ્કોલરશિપ અપાવી જોઈએ.
- આ સંશોધનથી જે ચીજ પ્રકાશમાં આવશે તેથી આપણા સમસ્ત મુસ્લિમ સમાજની સંસ્કૃતિનો સાચો પરિચય દેશ અને દુનિયામાં આપણે રજૂ કરી શકીશું અને આપણા આધુનિક જીવન ઉપર પણ એની સારી અસર થવા પામશે.
સમર્પણ:
-આધુનિક એશ-આરામના યુગમાં તથા - વિજ્ઞાનની નવી નવી શોધખોળોથી દુનિયાના માનવોના હૈયામાંથી,
-આપણા સમાજના લોકોના મનમાંથી પણ - ઈમાન અર્થાત્ આસ્થા-શ્રદ્ધાની ભાવના ધીરે ધીરે ઓછી થઈ રહી છે ત્યારે
- પ્રાચીન મુસ્લિમ સંતોની વાણીના સાહિત્યના સંશોધનથી,
- આધુનિક યુગના આપણા સમાજના લોકોમાં આસ્થાની ભાવના સ્થિર બનશે-
- વધુ વિકાસ પામશે અને તેનો લાભ નવી પેઢીને પણ મળી રહેવા પામશે.
- આપણા સમસ્ત મુસ્લિમ સમાજના
- વિદ્વાનો,
- સાહિત્યકારો,
- પત્રકારો, લેખકો, કોલમનિષ્ટો,
- સખાવતીઓ અને
- સહુને આ બાબતમાં વહેલી તકે ઘટતું કરવા નમ્ર વિનંતી.
- આ સંસ્કારને એકવાર સંપૂર્ણ લુપ્ત થવા દઈશું તો
- દીને ઈસ્લામનો આ અતિ અમૂલ્ય વારસો હંમેશ માટે ખોઈ બેસીશું.
- * *
સાપ્તાહિક સંદેશ:
ના માગ એની પાસે ગજાથી વધુ જીવન
એક પળ એ એવી દેશે વીતાવી નહીં શકે. - `મરીઝ’



