દર વખતે વાંક ફક્ત સંતાનનો?

- નીલા સંઘવી
‘સંધ્યા-છાયા’ કોલમના એક વાચકનો ફોન આવ્યો: ‘બહેન, બધાને એવું લાગતું હોય છે કે સંતાન મા-બાપ હેરાન કરે છે, પણ ક્યારેક મા-બાપ ખુદ સંતાનોને હેરાન કરતા હોય છે… ’
એ વાચકમિત્રની વાત સાથે હું પણ સંમત છું. દર વખતે સંતાનોના જ વાંક હોય એ જરૂરી નથી. ઘણીવાર વૃદ્ધ માતા કે પિતા પણ અળવીતરાં હોય છે. એમનો સ્વભાવ કે આદત કે વર્તન એવું અસહ્ય હોય છે કે સંતાનો પણ એમનાથી ત્રસ્ત થઈ જાય છે. વડીલ હોવાને લીધે સંતાન કંઈ કહી શકતા નથી…
આ વિશે એક વાચકબહેનેની આપવીતી જાણવા જેવી છે. એ બહેનને આપણે અહીં વર્ષાબહેન તરીકે ઓળખીશું. વર્ષાબહેનનાં બા 89 વર્ષના છે. વર્ષાબહેનને એક બહેન અને બે ભાઈ. કુલ ચાર ભાઈ- બહેન. સમાજમાં જાણીતો પરિવાર. મોટું નામ. પિતાજી ગુજરી ગયેલા. માતા-પિતાને દીકરીઓ કરતાં દીકરાઓ પર વધારે હેત તેથી પિતાએ અવસાન પહેલાં જ ઘર-બાર-પૈસા બધું દીકરીઓને સોંપી દીધું હતું. પિતાને હતું કે દીકરાઓ માને તો સાચવી જ લેશે. માતાને પણ દીકરાઓનું બહુ જ ગૌરવ. બંને દીકરા શિક્ષિત પ્રોફેશનલ્સ. દીકરીઓ પણ પોતાને ઘરે સુખી.
પિતાના ગયા પછી માતા મોટા દીકરા સાથે રહે.
સામાન્ય રીતે જેમ બને છે તેમ જ બન્યું. થોડા સમયમાં જ ઘરમાં કલહ-કકળાટ શરૂ થયો. વર્ષાબહેનનું કહેવું છે, ‘ભાભીનો વાંક તો ખરો જ, પણ મારી બા પણ જરાય ઓછા નથી. કોઈનું સાંભળે નહીં. પોતાનો કક્કો જ ખરો કરવો હોય, પછી ભાઈ-ભાભી પણ શું કરે? એક લિમિટ સુધી સૌ સંભાળી લે. લિમિટ બહાર જાય તો કોણ સાંભળે? આમ પણ આજે કોઈની પાસે સમય પણ ક્યાં છે? સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત છે.’
મોટા દીકરા-વહુ સાથે વાંધો પડ્યો એટલે બાને નાના દીકરાને ઘેર મૂક્યા. ત્યાં બા થોડો સમય તો સીધાં રહ્યાં. બધાંને થયું ચાલો ગાડી પાટે ચડી ગઈ છે. બા સચવાઈ ગયાં છે, પણ એ આશા ઠગારી નીકળી. થોડા સમયમાં ત્યાં પણ્ કચકચ ચાલુ થઈ ગઈ. બાનું વજન પાંત્રીસ કિલો, પણ જીભનું વજન વધારે એટલે ક્યાંય સચવાય નહીં. હવે આ બાનું કરવું શું? નાના દીકરા- વહુએ પણ હાથ ઊંચા કરી દીધાં.
હવે બાકી રહી બે બહેન. મોટી બહેનના ઘરે બાને મૂક્યાં. બાને પુષ્ટાવેલી સેવા. સવારમાં નાહીધોઈને પૂજા કરવા બેસે. કોઈએ એમને અડકવાનું નહીં. ભૂલેચૂકે કોઈ અડકી જાય તો હોબાળો મચાવી દે. ઠાકોરજીને ધરાવવા માટે એમને નીતનવી સામગ્રી જોઈએ. હવે આ ઉંમરે પોતે તો કાંઈ બનાવી શકે નહીં એટલે દીકરીને કહે. દીકરી શું શું કરે? પોતાના વરને સંભાળે, ઘરને સંભાળે, બાળકોને સંભાળે. કેટલું કરે? એમાં બાની નીતનવી માગણીઓ, દીકરીને તો ગુસ્સો આવે પણ મા છે સમજીને ગુસ્સો ગળી જાય. પણ જમાઈ?
જમાઈને તો કંટાળો આવે જ ને? અને દોહિત્ર-દોહિત્રી પણ કંટાળી જાય. દોહિત્રનાં તો લગ્ન થઈ ગયાં છે એ સાસુની માને ક્યાંથી સંભાળે? મોટી દીકરીને ઘેર પણ બધાં ત્રાસ્યા એટલે આવ્યો નાની દીકરીનો વારો. વારા પછી વારો ને તારો પછી મારો જેવી હાલત.
આ તરફ, નાની દીકરીની આર્થિક સ્થિતિ સાધારણ. ઘર પણ નાનું. આમાં બાનો ક્યાં સમાવેશ કરવો? પણ છૂટકો ન હતો. આખરે મા છે ફેંકી તો નહીં દેવાય. કોઈકે તો સાચવવા જ પડશે. જમાઈ પણ ભલા. એમને થયું કે કોઈ રાખવા તૈયાર નથી તો બિચારા આ વૃદ્ધાવસ્થામાં શું કરશે? કાલે આપણે પણ વૃદ્ધ થવાના છીએ તેમ વિચારી બાને ઘરમાં રાખ્યા, પણ આ ઉંમરે માણસની સમજણ વધવી જોઈએ એને બદલે ‘સાઠે બુદ્ધિ નાઠી’ જેવી હાલત હતી.
બાને એટલી ખબર હતી કે આ દીકરી આર્થિક દૃષ્ટિએ થોડી નબળી છે. પોતાના ખર્ચા માંડ કાઢે છે. મહિનાની આખરમાં એને ખર્ચના બે છેડા મેળવતા નાકે દમ આવે છે તો પણ ઠાકોરજી માટે સૂકો મેવો, ફળ વગેરે જોઈએ છે, લાવી આપો. ઠાકોરજીના નવા વાઘા જોઈએ છે, શૃંગાર જોઈએ છે જેવી ડિમાન્ડ ચાલુ જ રહે.
વર્ષાબહેન કહે છે, ‘આમ ઠાકોરજીની આટલી સેવા કરે છે, પણ કાંઈ સમજતા નથી.’ ધીરે ધીરે નાની દીકરીના ઘરે પણ તકલીફ થવા લાગી. હવે શું કરવું? ભાઈઓને કીધું, પણ એમણે ચોખ્ખી ના પાડી દીધી.
અંતે બાને એક વૃદ્ધાશ્રમમાં મૂક્યાં. થોડા દિવસ વૃદ્ધાશ્રમમાં સીધા રહ્યાં. પછી ત્યાં બધાં સાથે ઝઘડા કરવા લાગ્યા. વૃદ્ધાશ્રમમાં ત્રાસ વર્તાવી દીધો. વૃદ્ધાશ્રમના સંચાલકોએ દીકરાઓને બોલાવ્યા અને ‘બાને અહીં નહીં રાખી શકાય તમે લઈ જાવ’ એવું અલ્ટિમેટમ આપી દીધું એટલે દીકરાઓ પરાણે ઘેર લાવ્યા.
અત્યારે બા મોટા દીકરાને ઘેર છે, પણ મોટા દીકરા-વહુએ બીજા ભાઈ-બહેનને કહી દીધું છે કે બાને અમે રાખવાના નથી જેને રાખવા હોય તો લઈ જાય. આમ બા ક્યાંય પોષાતા નથી તેથી એમની માટે કોઈ અન્ય વૃદ્ધાશ્રમની શોધ ચાલુ છે.
આપણ વાંચો: મેલ મેટર્સઃ પુરુષના આરોગ્ય પર અદૃશ્ય આક્રમણ એટલે ઓછી ઊંઘ