પત્નીને મદદ તો માતાને કેમ નહીં? | મુંબઈ સમાચાર
પુરુષ

પત્નીને મદદ તો માતાને કેમ નહીં?

કૌશિક મહેતા

ડિયર હની,
યુવાપેઢીમાં કેટલાક ફેરફાર આવ્યા છે એની નોંધ લેવા જેવી છે. ખાસ કરીને શિક્ષિત યુવા પેઢીમાં કેટલાક ફેરફાર દામ્પત્ય જીવનની તસવીર બદલતા જોવા મળે છે, જેમકે પત્નીને ઘરકામમાં કે અન્ય કામોમાં મદદ કરવી. થોડાં વર્ષો પહેલાં આવાં દ્રશ્યો બહુ ઓછાં જોવા મળતાં હતાં. હવે એવાં દ્રશ્યો ઘેર ઘેર જોવા મળી રહ્યાં છે.

આ બદલાવ કેમ આવ્યો? આવો પ્રશ્ન પૂછવા જેવો છે. અને સાથે એ પણ પૂછવું જોઈએ કે, પત્નીને મદદ કરનાર પતિ એની માતાને કામમાં ભાગ્યે જ મદદ કરે છે, આવું કેમ? એક સિક્કાની બે બાજુ જેવા આ પ્રશ્ન છે.

આજે કોઈ યુવક-યુવતી વચ્ચે લગ્ન થાય છે. પછી દામ્પત્ય જીવનની શરૂઆતમાં પતિ પત્નીને મદદ કરવા માટે તત્પર હોય છે. ક્યારેક એમાં ફરજ પણ જોવા મળે છે. પણ પતિ મદદ કરે છે જરૂર. પછી એ રસોડાનું કોઈ કામ હોય કે પછી ઘરનું બીજું કોઈ કામ… પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય એવા દંપતીમાં તો આવો માહોલ અચૂક જોવા મળે છે. આ બહુ સારો બદલાવ છે.

એ વાત સાચી કે, પતિ ઘર માટે કમાય અને પત્ની ઘર સાચવે. એવી પરમ્પરા સદીઓથી ચાલતી આવે છે, પણ હવે એમાં બદલાવ આવ્યો છે તો એનું સ્વાગત થવું જોઈએ. જોકે, આજે ય કેટલાક પતિ એમ જ માને છે કે, રસોડા કે ઘરનાં કોઈ કામકાજ તો પત્નીને જ કરવાના હોય છે અને ત્યારે પતિઓ ભૂલી જાય છે કે, એમને તો રવિવારે કે અન્ય રજાઓ મળે છે, પણ પત્નીને પતિ જેવી આવી ક્યારેય સત્તાવાર રજા મળતી નથી.

એક બીજો પણ બદલાવ જોવા મળી રહ્યો છે. યુવતી સાસરે આવે તો સાસુ-સસરાને મા-પિતા કે મમ્મી કે ડેડી કહેવા લાગે છે, પણ પતિ એના સાસુ-સસરાને મમ્મી ડેડી કહેવામાં સંકોચ કરે છે. આપણા જ એક પરિવારનો કિસ્સો છે. સગાઈ થઇ એ પછી એ યુવાન સાસરે ગયો અને સાસુને આંટી કહી બોલાવ્યાં ત્યારે એની વાગ્દત્તાએ કહ્યું કે, હું તારી મમ્મીને મમ્મી કહું છું, તને મારી મમ્મીને મમ્મી કહેતા કેમ સંકોચ થાય છે? તું નહિ કહે તો હું ય નહિ કહું….! આવું કહ્યા બાદ યુવાનનું વલણ બદલાયું હતું. આ બદલાવ પણ ઇચ્છનીય છે.

તારી- મારી વાત કરું તો હું તને ઘરકામમાં મદદ કરતો આવ્યો છું. પછી શાકભાજી સમારવાની વાત હોય કે, ઘર સાફ કરવાની કે થેપલા ચોળવવાની વાત હોય કે પૂરી તળવાની… પૌવા કે ઉપમા બનાવવાની વાત હોય. મારો સાથ એમાં હોય જ છે. કેટલાક પતિઓ રસોઈ પણ સારી બનાવી જાણે છે. અને એવા પતિની પત્ની પોતાને ભાગ્યશાળી માને છે. પતિની જેમ પત્નીઓ પણ ઓફિસ જતી હોય તો પછી પતિઓ રસોડામાં કેમ ના જઈ શકે? વાત સાવ સીધી સાદી છે, પણ આપણા સમાજમાં હજુ એ સંપૂર્ણપણે સ્વીકાર્ય બની નથી.

હા, આ સાથે એ પ્રશ્નનો જવાબ મેળવવો જોઈએ કે, પત્નીને મદદ કરતો પુરુષ માતાને કે બહેનને ઘરકામમાં કેમ મદદ નથી કરતો…?

મારી વાત કરું તો તને ખબર પણ છે કે, હું મારી બાને ઘણી બધી મદદ કરતો. રસોઈમાં નાની-મોટી મદદ કરું અને જરૂર પડ્યે વાસણો પણ ધોયાં છે. સાચું કહું તો આ બધું મને હું બહાર ભણવા ગયો અને હોસ્ટેલમાં રહેવું પડ્યું ત્યારે બહુ કામ લાગ્યું હતું, પણ બધા યુવાન માતાને મદદ કરતા નથી એ વાસ્તવિકતા છે.

અમે ઘરમાં ત્રણ ભાઈ જ હતા-બહેન નહોતી એટલે પણ હું કદાચ બાને મદદ કરતો હોઈશ એમ પણ માની શકાય, પરંતુ મોટાભાગના યુવાનો માતાને કે બહેનને મદદ કરતા નથી. પરંપરાગત કુટુંબ વ્યવસ્થામાં, માતા અને બહેન જ ઘરના તમામ કામકાજ માટે મુખ્ય જવાબદાર વ્યક્તિઓ ગણાતી.

બીજું કે, દીકરા દ્વારા માતા કે બહેનને ઘરકામમાં મદદ કરવાની સામાજિક કે કૌટુંબિક અપેક્ષા ક્યારેય રાખવામાં નહોતી આવતી. બાળપણમાં ઘરમાં એની ભૂમિકા અલગ હતી એટલે માતા કે બહેનને મદદ કરવાની ટેવ કે સંસ્કૃતિ ઊભી થઈ નહીં. ક્યારેક, સંસ્કૃતિના ભાગ રૂપે દીકરો એવું માને છે કે માતાના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી અથવા તે એમની ભૂમિકાનું અપમાન ગણાશે, ભલે તે મદદ કરવાના ઈરાદે હોય.

આ માનસિકતા બદલાય એ જરૂરી છે. ઘરમાં મહિલા કોઈ પણ હોય એને પુરુષ સભ્યે મદદ કરવી જોઈએ. એનાથી કુટંબ ભાવના પ્રબળ બને છે. મહિલા સભ્યો કામ કરતા જ રહે એવું ક્યાં સુધી ચાલતું રહેશે? આવી ખોટી પરમ્પરા તૂટે એ જરૂરી છે. માતા-પિતા જો દીકરાઓને આ વાત બાળપણથી સમજાવે તો પૂરું દ્રશ્ય બદલાઈ શકે છે.
તારો બન્ની


આ પણ વાંચો…ગ્રે ડિવોર્સ …મોટી ઉંમરે છૂટાછેડા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button