પુરુષ

મેલ મેટર્સઃ અબ હમ બોલે તો બોલે ક્યા? કરે તો કરે ક્યા?

  • અંકિત દેસાઈ

આધુનિક કાર્ય સંસ્કૃતિ અને જીવનના હેતુ વિશે વિશ્વના બે મહાન ટેક દિગ્ગજોનાં નિવેદનો એક વિચિત્ર ધ્રુવીકરણ સર્જે છે.જેને કારણે જ આ લેખ લખવાની ફરજ પડી છે.

એક તરફ,`માઇક્રોસોફ્ટ’ના સહ-સ્થાપકબિલ ગેટ્સ છે, જે દલીલ કરે છે કે જીવનનો અંતિમ હેતુ માત્ર નોકરી નથી અને સપ્તાહમાં ત્રણ દિવસની નોકરી પર્યાપ્ત છે, જે બાકીના સમયનો ઉપયોગ સર્જનાત્મકતા,આરામ અને વ્યક્તિગત સંતોષ માટે કરવા દે છે.

બીજી તરફ,`ઇન્ફોસિસ’ના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ છે, જેમણે ભારતીય યુવાનોને રાષ્ટ્રના વિકાસ માટે અઠવાડિયામાં સિત્તેર કલાક (એટલે કે લગભગ સાતેય દિવસ-લાંબા કલાકો) કામ કરવાની હાકલ કરી છે.

એ વાત અલગ છે કે આળસુઓનો એક વર્ગ, જે અઠવાડિયામાં બે દિવસ પણ સરખું કામ નથી કરતા-એ વર્ગ નારાયણ મૂર્તિ પર બરાબરનો બગડ્યો હતો, પરંતુ એનો અર્થ એ પણ નથી કે નારાયણ મૂર્તિની વાતમાં દમ નથી. અને એટલે જ પ્રશ્ન એ થાય છે કે આ બે વિરોધાભાસી દૃષ્ટિકોણ વચ્ચે, આજના પુરૂષો જે કારકિર્દી, પરિવાર અને વ્યક્તિગત ઓળખનાં જટિલ દબાણોનો સામનો કરી રહ્યા છે તેમણે કયો માર્ગ અપનાવવો?

શરૂ કરીએ સુધાપતિ મૂર્તિથી. નારાયણ મૂર્તિનો દૃષ્ટિકોણ મુખ્યત્વે રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક વૃદ્ધિ પર કેન્દ્રિત છે. તેમનો વિચાર ભારત જેવા વિકાસશીલ દેશ માટે એક પ્રકારની કાર્ય નીતિ, વર્ક એથિક તરીકે રજૂ થાય છે. એ માને છે કે જો ભારતે વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધવું હોય તો યુવાનોએ ત્યાગની ભાવનાથી સખત મહેનત કરવી પડશે.

આ વિચાર પરંપરાગત ભારતીય મૂલ્યો અને `સફળતા માત્ર અથાગ પરિશ્રમથી જ મળે છે’ તેવી માન્યતાને સમર્થન આપે છે. આ દૃષ્ટિકોણ પુષોને તેમની પ્રોવાઇડર (Provider) અને સફળતાની નિશાની તરીકેની ભૂમિકાને મજબૂત કરવા પ્રોત્સાહિત કરે છે. તેમના માટે,લાંબા કલાકો કામ કરવું એ માત્ર આવક મેળવવાનો રસ્તો નથી,પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને વ્યક્તિગત મૂલ્યનું માપ છે.

એનાથી વિપરીત, બિલ ગેટ્સનો વિચાર આત્મ-સંતુલન એટલે કે સેલ્ફ બેલેન્સ અને નવીનતા પર ભાર મૂકે છે. તેમનો દૃષ્ટિકોણ પશ્ચિમી, વિકસિત અર્થતંત્રના સંદર્ભમાં વધુ યોગ્ય ગણાય છે, જ્યાં ટેક્નોલોજીએ ઉત્પાદકતાને એટલી હદે વધારી દીધી છે કે ઓછા સમયમાં પણ વધુ કાર્ય થઈ શકે છે.

ગેટ્સ ભારપૂર્વક કહે છે કે જીવનનો હેતુ માત્ર પૈસા કમાવવાનો નથી. બાકીનો સમય એટલે સમય બચાવીને પણ કલા, વિજ્ઞાન, સમાજ સેવા અથવા વ્યક્તિગત વિકાસ માટે ફાળવવાથી જીવન વધુ સમૃદ્ધ બને છે. આ દૃષ્ટિકોણ પુષોને તેમની પરંપરાગત ભૂમિકામાંથી મુક્ત થવા અને જીવનના અન્ય પાસાંઓમાં પણ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેનેકાર્ય-જીવન સંતુલન તરીકે ઓળખવામાં આવે છે.

આ બે આત્યંતિક વિચારો વચ્ચે, આજના પુરૂષ માટેનો શ્રેષ્ઠ માર્ગ ક્યાંક મધ્યમાં આવેલો છે, જેને હેતુ આધારિત ઉત્પાદકતા એટલે કે પર્પઝ ડ્રીવન પ્રોડક્ટિવિટીકહી શકાય.

1) પ્રારંભિક વર્ષોમાં સખત મહેનત:
પુરૂષોએ તેમના 20ના અને 30ના દાયકામાં નારાયણ મૂર્તિના સિદ્ધાંતને અમુક અંશે અપનાવવો જોઈએ. આ સમય કારકિર્દીનો પાયો નાખવાનો, કૌશલ્ય શીખવાનો અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવાનો હોય છે. આ તબક્કે લાંબા કલાકો કામ કરવાથી લાંબા ગાળે આર્થિક સ્વતંત્રતા મળે છે.

2) ઉત્પાદકતા પર ધ્યાન:
કામના કલાકોની સંખ્યા કરતાં કામની ગુણવત્તા અને ઉત્પાદકતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. 70 કલાક કામ કરવા છતાં જો ધ્યાન કેન્દ્રિત ન હોય, તો તે 40 કલાકના ફોકસ્ડ કામ કરતાં ઓછું પરિણામ આપી શકે છે. પુષોએ કાર્યક્ષમતા વધારવા માટે ટેક્નોલોજી અને સ્માર્ટ વર્કિંગ ટેક્નિકનો ઉપયોગ કરવો જોઈએ.

3) સંતુલન જાળવવું:
જેમ જેમ કારકિર્દી આગળ વધે અને સ્થિરતા આવે,તેમ તેમ બિલ ગેટ્સના સિદ્ધાંત તરફ વળવું જોઈએ. કમાણીનો હેતુ જીવનને સુધારવાનો હોવો જોઈએ, તેને માત્ર પૈસા કમાવવાની દોડ સુધી સીમિત ન કરવો જોઈએ. પુરૂષે પારિવારિક જવાબદારીઓ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ સામાજિક જવાબદારીઓને પૂરતો સમય ફાળવવો જોઈએ. `ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી (FIRE) ‘જેવી વિભાવનાઓ પણ આ જ સંતુલન તરફ ઇશારો કરે છે.

4) સામાજિક જવાબદારી:
ભારતીય પુરૂષો પર `બ્રેડવિનર’બનવાનું દબાણ હોય છે. આ દબાણને હળવું કરવા માટે, તેમણે કામના કલાકો ઘટાડવા અને ઘરના કામકાજ તેમજ બાળ ઉછેરમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કરવું જોઈએ. આનાથી કાર્ય-જીવન સંતુલન માત્ર તેમનું નહીં, પણ તેમના જીવનસાથીનું પણ સુધરશે.

ઈનશોર્ટ, પુરૂષોએ કોઈ એક દિગ્ગજની વાતને આંખ બંધ કરીને અનુસરવાને બદલે, બંને સિદ્ધાંતોનું વ્યૂહાત્મક સંમિશ્રણ કરવું જોઈએ. જીવનના પ્રારંભિક તબક્કે નારાયણ મૂર્તિની જેમ સખત મહેનત કરવી અને જ્યારે પાયો મજબૂત થઈ જાય, ત્યારે બિલ ગેટ્સની જેમ કાર્યના કલાકો ઘટાડીને જીવનના અન્ય હેતુઓ અને સ્વ-વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, એ જ આધુનિક પુરૂષ માટે સફળ અને સંતુલિત જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

આપણ વાંચો:  ફોકસઃ શરીરને નિરોગી બનાવતા સરળ યોગાસન થકી સચોટ ઈલાજ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button