પુરુષ

બહુ જાગી લીધું જીવનમાં…હવે થોડું ઊંઘીએ!

ભૂલભરેલી જીવનશૈલીને લીધે અધૂરી-ઓછી ઊંઘ આપણી વૈરી બની છે એને તાત્કાલિક નહીં સુધારીએ તો સદાયને લીધે ‘પોઢી’ જવાનો સમય આવી જશે!

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પર ચર્ચા’ કરી ત્યારે એમણે દેશના વિદ્યાર્થીઓને અનેક બાબતોએ ટકોર કરી. એમાંની એક વાત પુરુષોને પણ લાગુ પડે એવી છે. એમણે કહ્યું કે હાલનું મોડર્ન મેડિકલ સાયન્સ ઊંઘને અત્યંત મહત્ત્વ આપે છે. મોદીજીએ આ વાત ‘ઈન્સ્ટાગ્રામ’ રિલ્સના સંદર્ભમાં કહી હતી કે ‘ઈન્સ્ટાગ્રામ’ રિલ્સ વિદ્યાર્થીઓની ઊંઘ પર અત્યંત ઘેરી અસરો પાડી રહી છે. પુરુષોને આ વાત લાગુ પડે છે. વળી, એ બધા કંઈ માત્ર ‘ઈન્સ્ટાગ્રામ’ રિલ્સને કારણે જ પોતાની ઊંઘ દાવ પર નથી લગાડતા, પણ એ કામને ટાળતા રહેવાને કારણે, એમના વ્યસનોને કારણે, મોડી રાત સુધી બહાર ગપ્પા મારતા રહેવાને કારણે કે પછી પોતાની અમસ્તા મોડે સુધી ટીવી કે સિરીઝ જોતા રહેવાને કારણે એમની ઊઘને અસર પહોંચાડતા રહે છે.

પુરુષનો ઊંઘવાનો સમય ભલે એના પોતાના હાથમાં હોય, પરંતુ એમનો ઊઠવાનો સમય તો એની જવાબદારીઓને કે એનાં કામને આધીન જ હોય છે. એટલે દિવસના એ મોડો ઊઠે તો યે એની ઊંઘ તો તે પૂરી નથી જ કરી શકતો, જેની શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની અસર પુરુષના સ્વાસ્થ્ય પર પડતી હોય છે. સૌથી પહેલી ચિંતા તો એ જ હોય છે કે જે ઓછું ઊંઘે છે, એમની રોગપ્રતિકારકતમાં સમયાંતરે ઘટાડો થવા માંડે છે . એક સમય એવો આવે છે, જ્યારે પુરુષ રોગપ્રતિકારકતાના અભાવને કારણે કેટલીક બીમારીઓનો ભોગ બને છે.

જાણકારો તો એમ પણ કહે છે કે પુરુષોમાં હ્દયને લગતા જે પ્રશ્ર્નો ઊભા થાય છે એ પાછળ છ કલાકથી ઓછી ઊંઘ પણ જવાબદાર છે. યુરોપિયન હાર્ટ જર્નલ આ વિશે કહે છે કે જે પુરુષ એમની પૂરતી ઊંઘને અવગણે છે એને ચાળીસી પછી હ્રદય રોગનો હુમલો આવવાની શક્યતાઓ અત્યંત વધી જાય છે!

ઓછી ઉંઘનું બીજું સૌથી મોટું રિસ્ક છે એકાગ્રતા અને માનસિક સ્વસ્થતાને… અનેક રિસર્ચ કહે છે કે અપૂરતી ઉંઘ લેતો માણસ અત્યંત ભૂલકણો થઈ જાય છે. તેમજ આવા લોકોનો આત્મવિશ્વાસ પણ અત્યંત ડગમગી જાય છે. આવા લોકો નાનાં નાનાં નિર્ણયો લેવાથી લઈ મોટી જવાબદારીઓ ઉપાડવામાં ગોથા ખાતા હોય છે, જેને કારણે એમનું પરફોર્મન્સ- કામગીરી અત્યંત નબળી થઈ જાય છે.

આ ઉપરાંત પણ પૂરતી ઊંઘ ન લેવાથી શું શું તકલીફો થઈ શકે એ વિશે અહીં ઘણું ઘણું કહી શકાય એમ છે, પરંતુ જો દેશના વડા પ્રધાન સુદ્ધાં અપૂરતી ઊંઘ વિશે ટકોર કરતા હોય તો અપૂરતી ઊંઘ અને એ ઊંઘને કારણે થતી આડઅસરો વિશે હવે સજાગ થવું જ રહ્યું. આ લેખ પુરુષોને કેન્દ્રમાં રાખીને લખાયો છે, પરંતુ આ વાત પુરુષ-સ્ત્રીને એકસરખી રીતે લાગુ પડે છે. અને આ કિસ્સામાં ‘અમે કંઈ શું કરીએ કામ જ એટલું હોય મુંબઈની લાઈફસ્ટાઈલ જ એવી છે…’ એવી મીડિયોકર-ચીલાચાલુ દલીલો કરવાની થતી નથી.

જરા ધીરજપૂર્વક આત્મમંથન કરશો અને પોતાની પ્રવૃત્તિઓને ધ્યાનપૂર્વક ચકાસશો તો તમને ખ્યાલ આવશે કે મુંબઈના જે ટ્રાફિકને, ટ્રેનોની જે ભીડને, તમારા કામની વ્યસ્તતાને કે પછી મુંબઈની લાઈફસ્ટાઈલને તમે જવબદાર ઠેરવો છો એના કરતાં તમારા દ્વારા થયેલા લઘરાવેડા, સમયનો વેડફાટ કે આળસાઈ તમારા ખરાબ રૂટિન માટે વધુ જવાબદાર હશે. ઘણાને તો પાછા પોતે બિઝી છે’ એવું બતાવતા રહેવાનો દંભ પણ હોય, કારણ કે માણસ જેટલો બિઝી એટલો મોટો એવી ભ્રામકતા પણ આપણા જ સમાજમાં છેને?!

-પણ ભાઈ, એ બધું છોડો. જરાક સરખું રૂટિન જીવતા થાવ ને અત્યંત નિયમિત બનો. આપોઆપ તમને આઠ કલાક જેટલી ઊંઘ મળતી થઈ જશે. નિયમિતા તમને ચોકસાઈ તરફ પણ દોરી જશે અને આપોઆપ તમારો અમુક સ્ટ્રેસ-માનસિક દબાણ પણ જતા રહેશે પરિણામે પણ તમને સરખી ઊંઘ મળતી થશે! આખરે આજે આપણે સૌને માટે સાઉન્ડ સ્લિપ એ અત્યંત દુર્લભ જણસ બની ગઈ છે. હવે તો આપણે ઊંઘીએ છીએ ત્યારે પણ અમુક સપનાં એવાં આવતા રહેતા હોય છે.જે થોડા થોડા સમયે આપણી ઊંઘ ઉડી જતી હોય છે!

આમ એ ટુકડે ટુકડે કે પછી ઓછી લેવાતી ઊંઘ જ આપણી આજની અનેક સમસ્યાઓના મૂળમાં હશે. આજે આપણે સૌ કોઈ ને કોઈ લાઈફ સ્ટાઈલ ડિસઑર્ડર્સથી-ભૂલભરેલે જીવનશૈલીથી પીડાઈએ છીએ. આપણને કોઈકને ડાયાબિટીઝ છે, કોઈકને સોરાયસિસ જેવા સ્કિન ડિસિઝ છે, કોઈકને મેદસ્વીપણું- કોઈને હાયપર ટેન્શન- તો કોઈ કારણ વિના નિરાશાથી પીડાય છે…

જરા જોજો, શાંતિથી વિચારજો. પાછલા થોડા વર્ષોમાં આપણે ઉંઘ પ્રત્યે અત્યંત બેદરકાર છીએ. એટલે જ આપણા શરીરમાં અને આપણા જીવનમાં આપણને ન જોઈતી-અણગમતી એવી વાત ઘૂસી ગઈ છે એટલે જ આપણે માટે હવે જાગવાનો નહીં, ઊંઘવાનો સમય આવી ગયો છે! ઊંઘવાને લઈને આપણે ગંભીર બનીએ અને આપણી ઉંઘ સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ તો પછી જોજો, કેવા કેવા ચમત્કાર થાય છે આપણે જીવનમાં. પહેલાં આપણો સ્વભાવ બદલાશે, પછી આપણું શરીર બદલાશે અને છેલ્લે આપણું જીવન બદલાશે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…