મુખ્બિરે ઈસ્લામઃ નહોતી ખબર કે રૂહમાં ખુશ્બૂ હોય છે, મરી ગયા પછી શરીર ગંધાય છે

- અનવર વલિયાણી
સમયે જબરદસ્ત કરવટ બદલી છે. દુનિયાનો કોઈ પણ દેશ, સમાજ લઈ લો! બીજાના સુખે સુખી થવાની પ્રણાલી ભૂતકાળ બની ગઈ છે. ‘મારું મારા બાપનું, તારામાં મારો અડધો ભાગ’ જાણે નિયમ બની ગયો છે. પરિણામે ગરીબોની, હાલબેહાલ લોકોની સંખ્યા ન કલ્પી શકાય તેટલી વધી રહી છે. એમાં પશ્ર્ચિમના કહેવાતા પ્રગતિકર્તા દેશો પણ બાકાત રહેવા પામ્યા નથી. કાગડા બધે કાળા જ.
- ઉકરડા પર બેસતા કાગડા મોરના પંખ લગાવી પોતાને મોર સમજી રહ્યા છે.
- દંભ, * દેખાવ, * વિલાસિતા જેવા
- અવગુણ એટલા બધાં વધતાં જઈ રહ્યા છે કે આર્થિક રીતે મોંઘા જીવનધોરણને નિભાવી રાખવા માટે ખોટા-અપ્રમાણિક માર્ગો યુવા પેઢી અપનાવતી થઈ ગઈ છે.
આ વાતાવરણની દૂષિત અસર દરેક ઘર-કુટુંબમાં ફેલાવા લાગી છે, એટલે વડીલોને, વાલીઓને, માવિત્રોને અરે, સમાજના મોવડીઓને પણ જોઈએ કે સ્વચ્છ વાતાવરણ સ્થાપવા કયા માર્ગો, કે જે ઈસ્લામી સંસ્કૃતિને ઉજાગર કરતા હોય તે અપનાવવામાં આવે! સમય આવી ગયો છે કે આની શરૂઆત ઘરથી કરવામાં આવે. મા-બાપ, પરિવારજનો કરકસર અને સાદગીભર્યું જીવન અપનાવશે તો ભાવિ પેઢી પણ સ્વચ્છ મનોવૃત્તિવાળી થશે.
દીને ઈસ્લામે તેની ઉમ્મત (અનુયાયી)ને કરકસર અને સાદાઈથી જીવન બસર કરવાની આજ્ઞા આપી છે અને પયગંબરો, વલિ ઓલિયાઓ, રાજ્યકર્તા વગેરેનાં સુકૃત્યોને જાણીએ છીએ ત્યારે પ્રેરણા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. આ સંદર્ભમાં ખલીફા (શાસનકર્તા) હઝરત અબુબકર રદ્યિતઆલા અને અન્હો (અર્થ: અલ્લાહતઆલા આપના પર રાજી રહે)નો એક પ્રસંગ બોધ આપનારો બની રહેવા પામશે.
આપ હઝરત ઈસ્લામી શાસનના ખલીફા હોવા છતાં પોતાના અંગત ખર્ચ માટે રાજ્યના ખજાનામાંથી માત્ર બે દિહરમ (તે સમયના નાણાં) લેતા હતા. એથી અત્યંત કષ્ટ વેઠતાં આપનાં પત્નીએ કંટાળી જઈને કહ્યું, ‘રોજે રોજ તો જાડા અને લુખાં રોટલાં ખાતાં કંટાળો આવે છે. કોઈક દિવસ મીઠું ખાવા મળે એવી વ્યવસ્થા કરો…!’
હઝરત અબુબકર (રદિ્. અન્હો)એ બીબીને સમજ પાડી કે, ‘કરકસર કરીને એ પોતે જ મીઠી વાનગીનો બંદોબસ્ત કરી શકે છે!’
આથી બીબીએ થોડું થોડું બચાવીને એક દિવસ મીઠી વાનગી બનાવી અને ગર્વપૂર્વક હઝરત અબુબકર (રદિ્. અન્હો)ને પીરસી.
આપે મિષ્ટાન આરોગતા કહ્યું, ‘આનો અર્થ તો એ થયો કે બે દિરહમ કરતાં પણ ઓછા ખર્ચથી આપણે ઘર ચલાવી શકીએ છીએ!’
- અને કહેવાની જરૂર નથી કે ખલીફા હઝરત અબુબકર (રદિ્. અન્હો)એ રાજ્યના ખજાનામાંથી બે દિરહમને બદલે દોઢ દિરહમ જ લેવાની શરૂઆત કરી.
આજે સમય બદલાયો છે. સંજોગ પહેલા જેવા રહ્યાં નથી. આમ છતાં જોઈતાં સુધારા પણ જરૂરી તો છેજ. આ સુધારાની શરૂઆત આપણાં ઘરથી જ થવી જોઈએ.
- ઘરથી જ સુધારાની, આદર્શની શરૂઆત થતાં એની અસર સમાજને પહોંચશે.
- સમાજનો પ્રભાવ દેશ પર પડશે.
- પહેલ કરવા માટે કોઈની પ્રતીક્ષા કરવાની જરૂર નથી.
- આરંભ અને અમલ ઘરઆંગણેથી થવો જોઈએ.
- આ પહેલની અસર પહેલાં પડોશમાં થશે.
- સુધારાની અસરકારકતાનો વ્યાપ એટલો બધો વધતો જશે કે કુટુંબ, સમાજ અને દેશ માટે તે ફાયદેમંદ સાબિત થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
-વ્હાલા વાચક મિત્રો! એક નિર્વિવાદ સચ્ચાઈને સમજી લેવી ઘટે કે, સમય ઝડપથી કરવટ (પડખું) બદલી રહ્યા છે. * સમાજના હોદ્દેદારો, મુલ્લા-મૌલવીઓ, ટ્રસ્ટીઓ સામે, દેશના નેતાઓ અને હુકૂમતજાદાઓ સામે ફરિયાદ કરવા કે કરતાં રહેવાના દિવસો હવે ભૂતકાળ બની રહ્યાં છે. આપણે આપણા દિલ પર હાથ મૂકી, ઘડીભર વિચારી લેવું જોઈએ કે આ પરિસ્થિતિ ઊભી કરવા માટે ક્યાંક આપણે તો દોષી નથી ને? અપરાધી ઠરતા નથી ને?
- આપણા પગ નીચેના રેલાની વાત પ્રથમ જુઓ.
- જીવનમાં પૈસો જ કાંઈ આદર્શ નથી.
- ગમે તે ભોગે મેળવેલ પૈસાએ જિંદગી દુ:ખી બનાવી છે.
- વધુ પડતાં પૈસા આવવાથી માથા પર એકબોજ આવી ગયા હોવાનો અહેસાસ થાય છે.
- ભૌતિક સુખે રાતની નિંદ અને દિવસનો ચેન છીનવી લીધો છે.
- હાજતમંદોની એક ટંક ભોજનના પણ વાંધા છે.
- જરૂરતમંદોની આર્થિક સ્થિતિ એટલી બધી બેહાલ બની ગઈ છે, કે કુદરત પોતાની નારાજગી બતાવી રહી છે. કુદરત ઈન્સાન જાતથી રૂઠી ગઈ છે.
- પૈસાની લાલસા એવી છે કે એમાંથી જીવનની સરિતાના મીઠાં ફળ સૂકાઈ જાય છે અને સૂકાય નહીં તો ખારાં તો થઈ જ જાય છે.
- પૈસા જેવું શોષણખોર આ દુનિયામાં કોઈ ન હોય ને પરિશ્રમ, ઈમાનદારીથી મેળવેલ પૈસો સચ્ચાઈના માર્ગે ખર્ચ કરો, અલ્લાહના માર્ગમાં તેણે આપેલી અમાનત (હાજતમંદોને) એવી રીતે આપો, કામધંધે લગાડો કે કાલે તેઓ પણ સ્વાવલંબી બની બીજાને મદદ કરતા થઈ જાય.
‘સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયે તો મિલકર બોજ ઉઠાના’ પંક્તિને જીવંત કરવાનો હકીકત – વાસ્તવિક જામો પહેરાવવાનો સામય આવી ગયો છે.
પ્રેરણાસ્ત્રોત:
ઈસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબ ખુત્બા, ધાર્મિક પ્રવચનમાં હિદાયત, ધર્મની સાચી સમજ (બોધ, ઉપદેશ, નસિહત)માં વખતો વખત ફરમાવતા હતા કે ‘અય અલ્લાહના બંદાઓ! પરહેઝગારી (સંયમ) ઈખ્તિયાર (ધારણ) કરો. અલ્લાહની સમીપ રહેવાની એ એક મજબૂત રસ્સી છે તથા મૌતને તેના આવ્યા અગાઉ યાદ રાખો કારણ કે તે યકીની (નિશ્ચિત) છે, અગર તમે તેનાથી ભાગો અથવા કોઈ ગુફામાં છુપાઈ જાઓ તો પણ…!
‘મોમિન બંદાની મિસાલ (ઉદાહરણ) એક મુસાફીર જેવી છે જે થોડા જ સમયમાં સફર પૂરી કરી નાખે છે માટે તૌબા (પ્રાયશ્ચિત્ત) કરી લો, તે ગુનાહની, જે આગળ થઈ ચૂક્યા છે અને અલ્લાહ તમારા પર કરમ અને કૃપા-મહેરબાની કરવાવાળો છે. તમારા થોડા અમલને (આચરણને) કબૂલ રાખશે તથા ઘણા બધા ગુનાહોને માફ કરશે, પરંતુ એ શર્તે કે એક વખત જે ગુનાહની સાચી તૌબા કરી લીધા પછી ફરીથી તેનું આચરણ હરગીઝ થવું જોઈએ નહીં અને તોજ અલ્લાહ દરેક બદી તથા બુરાઈને છુપાવી દેશે અને તમને એવી જન્નત (સ્વર્ગ)માં દાખલ કરશે કે જેની નીચે નહેર વહે છે!’
અલ્લાહતઆલાએ તેના મહેબૂબને ઉદ્દેશીને ફરમાવ્યું છે કે -‘અય રસૂલ! તમે મારા બંદાઓને કહો કે જેણે તેના નફસ (મનેચ્છા) પર ઈસરાફ અર્થાત્ જબરદસ્તી કરી હોય તેણે અલ્લાહની રહમત (દયા)થી નિરાશ થવાની જરૂર નથી, બેશક! તમારો અલ્લાહ ગુનાહોને બક્ષવાવાળો (ક્ષમા પ્રદાન કરનારો) છે કારણ કે તેની સિફત (વિશેષતા) જ ગફરૂર્ર રહીમ (દયા કરનાર ઈશ્ર્વર) છે…!
આ લખનારે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે, કે દુનિયાનું જીવન કાયમ નથી, મૃત્યુ નિશ્ચિત છે અને મૌતનો ડર નથી પરંતુ ચિંતા ફક્ત એ વાતની છે કે માથે જવાબદારી ઘણી છે, દીકરી હજુ પરણાવવાની છે, દીકરો નાનો છે, પત્નીની તબિયત નાદુરસ્ત રહે છે વગેરે વગેરે… આમ મૌતના ડરને નવા વાઘા પહેરાવીને, સંજોગો આગળ મૂકી પોતે જો હયાત ન રહે તો આ કાર્ય કઈ રીતે પાર પડે? તો અહીં પ્રશ્ર્ન એ પૂછવાનું મન થાય છે કે શું સંતાનો અને પત્નીનો ખુદા નથી? શું પોતે જ સરપ્રસ્ત છે? આ તેનો નર્યો ભ્રમ છે. ખરું પૂછો તો મૌતનો જ તેને ભય છે. બહાના કાઢી પોતાની જાતને તે છેતરી રહ્યો છે.
મૃત્યુ એક આનંદપ્રદ-સુખદ અનુભવ છે એવું માનવાને પ્રેરતી પવિત્ર કુરાનની એક આયત (શ્ર્લોક)માં અલ્લાહતઆલા ફરમાવે છે કે -‘કુલ્લો નફસીન ઝાએકતુલ મવ્ત…!’ અર્થાત્: દરેક જીવ મૌતની મજા માણશે!
પરહેઝગાર આલીમો અર્થાત્ સંયમ પાળનારા જાણકાર, વિદ્વાનોના કિસ્સા ત્વારીખે ઈસ્લામમાં તથા આજના જમાનામાં પણ જોવા-જાણવા મળે છે. આવા જ્ઞાની સૂફી-સંતો મૃત્યુને આનંદમય સમજે છે. દુનિયાની પેલે પાર જે જીવન છે તેજ ખરું અને સુખી જીવન છે એટલે તેઓ મૌતને અવસર સમજી બેબાકળા બની જતા નથી. આ પંક્તિ મુજબ ‘નહોતી ખબર રૂહમાં’ ખુશ્બૂ હોય છે, મરી ગયા પછી શરીર ગંધાય છે…!’
સાપ્તાહિક સંદેશ:
સારા કાર્ય આરંભનારને તેનું પુણ્ય આલોક અને પરલોક (મૃત્યુ પછીનું જીવન) બંનેમાં મળશે.- હઝરત ઈમામ હુસૈન (અલૈયહિ સલ્લામ)
આપણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ બંધુત્વની બુનિયાદ પર રચાયો ઈસ્લામ: ચાલો, દિવાળીને વધુ રોશન બનાવીએ



