મુખ્બિરે ઈસ્લામઃ સેતાન કરતાં પણ વધુ બેશરમ લોકો દુનિયામાં મૌજૂદ | મુંબઈ સમાચાર
પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ સેતાન કરતાં પણ વધુ બેશરમ લોકો દુનિયામાં મૌજૂદ

અનવર વલિયાણી

હઝરત જુનૈદ બગદાદી રહમતુલ્લાહે અલયહે (વલી-ઓલિયા માટે વપરાતા આ માનવાચક શબ્દસમૂહનો અર્થ થાય છે, આપ પર અલ્લાહની કૃપા-શુભેચ્છા રહે)નો જન્મ હિજરી સન 215માં બગદાદમાં થયો હતો અને રહેઠાણ પણ બગદાદ જ હતું.

આપ મહાન, ગંભીર, વિચારશીલ અને તત્ત્વજ્ઞાની હતા. શરિયત (ઈસ્લામી નિયમો, કાયદા – કાનૂન)ના પૂરા જાણકાર અને પાબંદ હતા. આપ હઝરતે કરેલા શરિયતના નિર્ણય સર્વમાન્ય રહેતા. આ બધા ગુણોને લીધે તે સમયના વિદ્વાન, જ્ઞાનીઓમાં આપ અગ્રેસર હતા.

હઝરત જુનૈદ તેમના મામા હઝરત સીર્રીસકતી (રહ. અલયહે)ના મુરાદ (શિષ્ય) હતા. બંનેના મઝાર બગદાદ શરીફમાં એક જ છત નીચે છે. હઝરત જુનૈદ નાનપણથી જ તત્ત્વજ્ઞાન અને તસવ્વુફ (વાક્યનું અર્થઘટન)ના જાણકાર હતા. આપ જ્યારે સાત વર્ષના હતા ત્યારે મામા સાથે મક્કા શરીફ હજ (ધાર્મિકયાત્રા) કરવા ગયા.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : જેવો આહાર તેવો ઓડકાર, જેવી નિયત તેવી બરકત: નેક માર્ગે કમાયેલી દૌલત ઈબાદતનો જ એક ભાગ

એક દિવસ હરમ શરીફમાં ચારસો ઉલમા (ધર્મના વિદ્વાનો) વચ્ચે શુક્રગુઝારી એટલે શું તેની ચર્ચા થવા લાગી. આલિમ (જાણકાર) પોતાની સમજ પ્રમાણે વ્યાખ્યા કરતા હતા. મામાએ બાળ જુનૈદને કંઈ કહેવા ઈશારો કર્યો. જુનૈદ થોડીવાર રહીને અદબથી બોલ્યા-‘ખુદાએ આપણને જે નેઅમત (ઈશ્વરની દેણગી) અને દૌલત આપી છે તેનો દુરુપયોગ કરીને ગુનેગાર ન થઈએ પણ તેનો સદોપયોગ કરીને અલ્લાહનો ઉપકાર માનીએ તેનું નામ શુક્રગુઝારી (આભાર પ્રદર્શિત)!’

હઝરત જુનૈદનો આ જવાબ સાંભળી બધા જ ઉલમા એક અવાજે બોલી ઊઠ્યા, તારી વ્યાખ્યા ઉત્તમ છે. આવું સરસ અર્થઘટન કોઈ ન કરી શક્યું.

મામાએ પૂછ્યું, ક્યાંથી શીખ્યો?
જુનૈદ બોલ્યા, આપની સોબતથી!
સોબત તેવી અસર.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : સ્વાર્થ ઈન્સાનમાં રહેલી પશુવૃત્તિ: ઉન આંખો કા હસના ભી કયા, જિન આંખો મેં પાની ના હો

એક સમયની વાત છે. હઝરત જુનૈદ તેમના પીરોમુર્શિદ (ગુરૂ, આધ્યાત્મનો ઉપદેશ આપનાર)ની ખાનકાહ પાસે એક ઓરડીમાં ઈબાદતમાં પરોવાયેલા હતા. તેઓ સવારની નમાઝ અદા કરી રહ્યા હતા. આ અને આવી બીજી આકરી ઈબાદત કરી ચાલીસ વર્ષ પસાર કર્યાં. આ જ જગ્યા પર તેઓ મુરીદોને ઉપદેશ પણ આપતા હતા. કેટલાક વિરોધીઓને સહન ન થતાં વિવાદ કરવા લાગ્યા. લોકોએ પૂછ્યું કે –

‘ઉપદેશ કેમ આપો છો?’

આપ હઝરતે કહ્યું, ‘હું સારો નથી તેથી ઉપદેશ આપીને સારા થવા પ્રયત્ન કરું છું!’

કોઈએ પૂછ્યું, ‘તમે ફકીરી લીબાસ (વસ્ત્રો) કેમ પહેરતા નથી?’

આપે જવાબ આપ્યો કે, ‘ફકીરી પોષાકથી સિદ્ધિ ન મળે, પણ મારું દિલ તો કહે છે, કે પોષાકનો ભરોસો ન કરીશ!’

કોઈએ ખલીફા (શાસનકર્તા)ને જૂઠી ફરિયાદ કરી. ખલીફાનું ચરિત્ર સારું ન હતું તેણે હઝરત જુનૈદને નીચું દેખાડવા માટે એક ખૂબસૂરત દાસીને હઝરત જુનૈદ તરફ મોકલી. તેની સાથે એક નોકરને મોકલ્યો. દાસીએ જુનૈદ રહમતુલ્લાહે અલયહે સામે પોતાનો બુરખો ખોલી નાખ્યો. આપે એક નજર નાખી અને ‘યા અલ્લાહ…!’ કહીને ઊભા થઈ ગયા. એજ ક્ષણે દાસી મડદું થઈ ગઈ.

નોકરે ખલીફાને વાત કરી.

ખલીફા ખૂબ જ પસ્તાયો અને આપ હઝરત સમક્ષ રૂબરૂ હાજર થયો અને માફી માગવા લાગ્યો.

હઝરત જુનૈદે ખલીફાને કહ્યું, ‘ઈસ્લામના સંરક્ષણ ખલીફા! મારી ચાળીસ વર્ષની તપસ્યા ભંગ કરવાની ઈચ્છા તમને કેમ થઈ ગઈ? કર્તાહર્તા તો ખુદા જ છે. આપ રોષ ન કરશો…!’

આપ રહમતુલ્લાહે અલયહેને એકવાર સેતાન નામે ઈબ્લીસને જોવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ.

સેતાન મસ્જિદની બહાર વૃદ્ધના વેષમાં મળ્યો.

આપે તેને પૂછ્યું, ‘તેં આદમ અલયહિ સ્સલામ (અ.સ.)ને સજદો (નમન) કેમ ન કર્યો?’

‘આપ જ કહો કે, ગયરૂલ્લાહ (માટીના બનેલા)ને સજદો હોય?’

આપ વિચારવિમર્શ થઈ ગયા.

તરત જ ગૈબમાંથી અવાજ સંભળાયો, ‘સેતાનને સજા નાફરમાનીની છે. ન કે અલ્લાહના હુકમની અવગણનાની!

આપ હઝરત ખુશ થઈ ગયા.

એકવાર સેતાનને આપે ખ્વાબ (સપના)માં નગ્ન જોયો. આપે પૂછ્યું, ‘તને શરમ નથી આવતી?’

સેતાને કહ્યું, ‘દુનિયામાં મારા કરતાં પણ બેશરમ લોકો હયાત (મૈજૂદ) છે. ખૂબ જ શરમવાળા કબરમાં પોઢી ગયા.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : હાથો કી લકિર પે ન જા ‘ગાલિબ’, કિસ્મત ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહીં હોતે!

એકવાર ત્યાંના ખલીફા (રાજકર્તા)એ દરબારમાં એક અમીરને ઈનામ રૂપે ખિરકો (મોટો ઝભ્ભો) ભેટ આપ્યો. અમીરે ખિરકાની બાંયથી નાક સાફ કરી. ખલીફા ગુસ્સે થયો. તેણે અમીરને આપેલો ખિરકો પાછો લઈ લીધો અને તેને બરતરફ કરી દીધો.

આ જોઈ ત્યાં ઉપસ્થિત હઝરત જુનૈદ બોલ્યા, ‘અલ્લાહની નેઅમત (ઈશ્ર્વરની દેણગી)ની પણ કદર નહીં કરો, તો તેનો જલાલ તમને બરબાદ કરી નાખશે…!’ અમીર ભોઠો પડી ગયો.

એક દોલતમંદે આપ હઝરતને 500 દિનાર (તે સમયનાં નાણાં) ગરીબોમાં વહેંચવા માટે આપ્યા.

જુનૈદ સાહેબે તે માલદાર શખસને પૂછ્યું, ‘આપની પાસે બીજા દિનાર છે?’

એ અમીરે કહ્યું, ‘ઘણાં છે…!’

આપે ફરી પૂછ્યું કે, ‘હજુ કમાવવાની તમન્ના (ઈચ્છા) છે?’

તેણે કહ્યું, ‘જરૂર છે…!’

હઝરત જુનૈદે તેને બે વાર પૂછ્યું. બન્ને વાર તેણે એજ પ્રમાણે જવાબ આપ્યો કે ઘણાં છે. આથી હઝરત જુનૈદે તેને નાણાં પાછાં આપતાં કહ્યું કે, ‘બીજા કરતા વધારે જરૂરમતમંદ તમે છો…!

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : જાલિમ બાદશાહે ખ્વાબમાં શું જોયું?: ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા

ઈલ્મો જ્ઞાનમાં માહીર – નિપૂણ અને તેમાંય પાછા વલીએ અલ્લાહની વાતોમાં, તેમના વર્તન – વ્યવહારમાં ખૂબ જ નિરાલાપણું હોય છે. માણસની સામાન્ય સમજ – અક્કલથી તે પર હોય છે.

એક ચોરને ફાંસીની સજા થઈ અને તેની લાશ જાહેરમાં ઝાડની ડાળીએ લટકતી હતી. હઝરત જુનૈદે તેના પગોને ચૂંબન કર્યું. જુનૈદ બોલ્યા, ‘ભલે તું ચોર હતો પણ તેં તારા કામને અંત સુધી પહોંચાડવા પોતાના પ્રાણની પણ પરવાહ ન કરી!

એક ભૂખ્યો, ગરીબ મુફલીસ હઝરત જુનૈદ પાસે યાચના કરવા લાગ્યો. આપે કહ્યું, ‘ખુશ થઈ જા. ખુદા જેના પર ખુશ અને મહેરબાન હોય છે તેને તંગદસ્ત રાખે છે. તું નસીબદાર, કિસ્મતવાળો છે…!’

એક નવજવાન મુરીદે (શિષ્ય) હઝરત જુનૈદને કહ્યું, ‘ખુદાની કુરબત (સમીપતા) જોઈએ છે…!’

આપ હઝરતે કહ્યું, ‘તારી પૂરી મિલકત વેચી દે…!’

મુરીદ મિલકત વેચી હજાર દિનાર લઈ આપની પાસે આવ્યો, ‘આપે કહ્યું, ‘બધા જ દિનાર દજલા નદીમાં નાખી દે…!’

યુવાન દજલા નદીને કિનારે બેસી ગયો અને એક એક દિનાર નદીમાં નાખવા લાગ્યો. હજાર દિનાર પૂરા કરીને હઝરત જુનૈદ સા’બ પાસે ગયો.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : એક બાદશાહ, બે ફરિયાદી: સતયુગનો લા’જવાબ કિસ્સો

આપે તે નવજવાનને જોતાં જ કહ્યું કે, ‘જે જગ્યા પર એક જ પગલે પહોંચવાનું હતું તેના બદલે તે એક હજાર પગલાં ભર્યાં. તારી ધનલાલસા હજુ ગઈ નથી. ધર્મમાં તુ હિસાબ કરીશ તો ખુદાની નીકટ પહોંચીશ કયારે?

‘જા દુકાને બેસ અને બેઠાં બેઠાં પૈસા ગણ…!’

અંતવેળા આપ હઝરતે કહેલા છેલ્લા શબ્દો પણ યાદ રાખવા જેવા છે:

  • બંદો પોતાને મખલૂક (ઉમ્મતી) કહે છે, પણ ખાલિક (રોજી આપનાર જગતકર્તા)થી તો દૂર જ રહે છે. * બધી કિતાબોમાં કુરાન મજીદ અને હદીસ શરીફ શ્રેષ્ઠ છે. * એકવાર ઘૂંટણના દર્દની (શફા) તંદુરસ્તી મળે તે માટે અલ-હમ્દો પઢતો અવાજ આવ્યો કે, ‘શરમ કરો. તમારા સ્વાર્થ માટે અમારો કલમો પઢવા માટે…!’
  • હર હાલમાં મેં શુક્રગુઝારી (અલ્લાહનો આભાર) પસંદ કરી છે. * માલિક મને જન્નતમાં નાખે કે દોઝખમાં! હું શુક્રગુઝાર જ રહીશ.

-આપ છેક છેલ્લા સમયમાં વારંવાર અલ્લાહનું નામ જ લેતા હતા. વારંવાર અલ્લાહ, અલ્લાહનું રટણ કરતા રહેતા હતા.

વહાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! હઝરત જુનૈદ બગદાદી રહમતુલ્લાહે અલયહેના ઉપદેશ આજે પણ અમલમાં મૂકવા જેવા છે. આપ ફરમાવતા કે * આપણે પેદા થયા તે વખતે જેવા હતા, તેવા જ જીવનભર રહેવું તેનું નામ અલ્લાહતઆલાનું અવલંબન. * બીજાના બોજ ન બનવું અને સતત દાન કરતા રહેવું તેનું નામ મર્દાનગી. * ઈશ્ક એટલે એકાંતિક. તેની સરખામણી ન હોય.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : અમન-શાંતિનો ધર્મ ઈસ્લામ

સાપ્તાહિક સંદેશ:
આંખો સે તુને અપની,
કિત્ને જનાઝે દેખે
હાથોં સે અપને તુને,
દફનાએ કિત્ને મુરદે
અંજામ સે તું અપને,
ક્યું ઈતના બેખબર હય
દુનિયા કે અય મુસાફિર,
મંઝિલ તેરી કબર હય.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button