ગ્રે ડિવોર્સ …મોટી ઉંમરે છૂટાછેડા! | મુંબઈ સમાચાર
પુરુષ

ગ્રે ડિવોર્સ …મોટી ઉંમરે છૂટાછેડા!

કૌશિક મહેતા

ડિયર હની,
છૂટાછેડા…
આ શબ્દથી માત્ર પતિ પત્ની છુટ્ટા પડે છે એવું નથી. ક્યારેક આખો પરિવાર છુટ્ટો પડતો હોય છે. એનાં સારાં પરિણામ કરતાં ખરાબ પરિણામ આપણે વધુ જોયા છે. જોકે, હવે છૂટાછેડા નવાઈની વાત રહી નથી. અને પશ્ચિમના દેશોમાં તો મોટી ઉંમરે છૂટાછેડા લેવાનું પ્રમાણ વધ્યું છે. આવા છૂટાછેડાને `ગ્રે ડિવોર્સ’ કહેવામાં આવે છે.

એક અહેવાલ મુજબ અમેરિકા જેવા દેશોના આંકડા દર્શાવે છે કે 50 અને તેથી વધુ ઉંમરના લોકોમાં છૂટાછેડાનો દર છેલ્લા કેટલાક દાયકાઓમાં લગભગ બમણો થઈ ગયો છે. ગ્રે ડિવોર્સ એ 50 કે તેથી વધુ ઉંમરના યુગલો વચ્ચે થતા છૂટાછેડા માટે વપરાતો એક અનૌપચારિક શબ્દ છે.

મને એ સમજાતું નથી કે, 40 -50 વર્ષના લગ્નજીવન બાદ પતિ પત્ની વચ્ચે એવી તો કઈ ગાંઠ પડે છે કે જે ઉકેલી શકાતી નથી અને વાત છૂટાછેડા સુધી પહોચી જાય છે? આટલાં વર્ષોમાં તો સંતાનો પણ મોટા થઇ જાય છે.

હા, એ સમજી શકાય છે કે, પતિ કે પત્નીનું અવસાન થઇ જાય અને મોટી ઉંમરે કોઈ ફરી લગ્ન કરે. જીવનસાથી શોધે. જીવનનાં બાકીના વર્ષો એની સાથે વિતાવે. જેમ કે, અમેરિકામાં રહેતા નટવર ગાંધી અને પન્ના નાયક. બંને સાહિત્યકાર છે અને બંને જીવનનાં આઠમા દાયકામાં એકબીજાનાં જીવનસાથી બન્યાં, પણ આવા કિસ્સા કેટલા?

મોટી ઉંમરે છૂટાછેડા વધવાનાં મુખ્ય કારણો તપાસીએ તો વધી રહેલી આર્થિક સ્વતંત્રતા એક મોટું કારણ છે. આજના યુગમાં મહિલાઓ વધુ શિક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર છે, જેના કારણે તેઓ અસંતુષ્ટ લગ્નને લાંબા સમય સુધી સહન કરવા તૈયાર નથી અને છૂટાછેડા લેવાનો નિર્ણય લેવા સક્ષમ છે. ઉપરાંત, લોકો હવે પહેલા કરતાં વધુ લાંબુ જીવે છે. 50 કે 60 વર્ષની ઉંમરે, લોકોને લાગે છે કે એમની પાસે હજી 20-30 વર્ષનું જીવન બાકી છે, અને આ વર્ષો ખુશીથી જીવવા માટે જીવનસાથી બદલવાનું પસંદ કરે છે.

બાળકો મોટા થાય, સેટલ થઇ જાય અને એ ઘર છોડે પછી યુગલોને એમનાં લગ્નજીવનનું મૂલ્યાંકન કરવાની તક મળે છે. જો લગ્નનું બંધન માત્ર બાળકો માટે જ ટકાવવામાં આવ્યું હોય તો બાળકો ગયા પછી અલગ થવાનો નિર્ણય સરળ બની જાય છે.

આધુનિક યુગમાં લોકો પોતાના વ્યક્તિગત સુખ અને સંતોષને વધુ મહત્વ આપે છે. જો લાંબા સમયથી ચાલી આવતા લગ્નમાં સંતોષ ન હોય, તો એ ફેરફાર લાવવા માંગે છે. ભારતમાં પણ શહેરી વિસ્તારો અને શિક્ષિત વર્ગોમાં આ વલણ જોવા છે. સુખી સંપન્ન લોકો અને સેલિબ્રિટીમાં તો આવા કિસ્સાઓ બહુ જોવા મળે છે, જેમ કે, આમિર ખાન અને કિરણ રાવ. આમીરના જીવનમાં તો આ બીજો બનાવ છે. અને ત્રીજીવાર એ લગ્ન કરે એવી શક્યતા છે.

કિરણ રાવ સાથે 15 વર્ષના લગ્નજીવન પછી જુલાઈ 2021માં છૂટાછેડાની જાહેરાત કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. બંનેએ સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે એ બન્ને એમના જીવનમાં નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છે અને બાળક માટે સહ-પાલક તરીકે સાથે રહેશે.

અભિનેતા કમલ હાસન અને સારિકાના સંબંધો લગભગ બે દાયકા સુધી ચાલ્યા, જેમાં એમણે લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં બાદ લગ્ન કર્યાં હતાં. 2004માં એમણે છૂટાછેડા લીધા હતા. મલાઇકા અરોરા અને અરબાઝ ખાન, સોહેલ ખાન અને સીમા સજદેહ, ધનૂષ અને ઐશ્વર્યા રજનીકાંત, રિતિક-સુસાન…. આ યાદી લાંબી બની શકે છે.

બાળકો પુખ્ત થઇ ગયા હોય, પણ એમના માટે માતા-પિતાનું આટલાં વર્ષો પછી અલગ થવું ભાવનાત્મક આઘાત સમાન હોય શકે છે. સંતાનો માટે એય ધર્મસંકટ થાય છે કે કોના પક્ષે રહેવું, મા પક્ષે કે પિતા પક્ષે? માતા-પિતા સાથે સમાન સંબંધ જાળવી રાખવો મુશ્કેલ બની જાય છે.

માતા-પિતાના લાંબા સમયના લગ્નનો અંત જોઈને પુખ્ત બાળકોને પોતાના અંગત સંબંધ વિશે શંકા કે ડર પેદા થઈ શકે છે.
અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે, સંતાન એવુંય વિચારી શકે કે `જો મારા માતા-પિતા આટલા વર્ષો પછી સફળ ન થયાં, તો હું કેવી રીતે સફળ થઈ શકીશ?’
હા, ઘણીવાર લગ્નજીવનમાં એવું બનતું હોય છે કે, થોડાં વર્ષો પછી લગ્નમાં પ્રેમ રહેતો નથી એ માત્ર જવાબદારી બની જાય છે.

આપણે કેટલાક કિસ્સાઓમાં આવું જોઈએ છીએ. અને એમાં સ્ત્રીને વધુ ભોગવવું પડે છે. અને એમાંય કોઈનો કોઈ સાથે અફેર હોય તો બંને છુટા પડતી વેળા રાજીખુશીથી અલગ થતા નથી. બંને વચ્ચે લગ્નની શરૂઆતમાં જે મીઠાશ હતી એ ખટાશમાં ફેરવાઈ જાય છે.

ઘણીવાર આવા કિસ્સામાં નાની મોટી ગેરસમજ પણ કામ કરી જાય છે. એને એ જો કોઈ દૂર કરી દે તો લગ્ન જીવન ફરી મહેકી ઉઠે છે, પણ એવી ગેરસમજ દૂર કરનારા લોકોની સંખ્યા ઘટતી જાય છે એ આજના યુગની કમનસીબી છે… તું શું કહે છે?
તારો બન્ની

આ પણ વાંચો…સંતાનને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button