ફોકસઃ મીઠું-મધુર સ્મિત ન હોય તો તમારા પોષાકની કોઈ કિંમત નથી | મુંબઈ સમાચાર
પુરુષલાડકી

ફોકસઃ મીઠું-મધુર સ્મિત ન હોય તો તમારા પોષાકની કોઈ કિંમત નથી

  • ઝુબૈદા વલિયાણી

સ્ત્રી હોય કે પુરુષ, પરિણીત હોય કે અપરિણીત બાલીગ હોય કે નાબાલીગ! હસ્તું મુખડું કોને ન ગમે?

-ગાંધીજી ઘણીવાર ગંભીર વાતો કરતા, પરંતુ હાસ્યના પણ એટલા જ શોખીન હતા. આશ્રમનો એમનો ઓરડો હાસ્યનાં અવાજોથી ગૂંજી ઊઠતો. દેશના જટિલ પ્રશ્નો ઉકેલવાનો જેના પર બોજો હોય છતાં આવું મુક્ત હાસ્ય કરી શકે એજ તો મહાત્મા કહેવાયને?

મારી લાડકી બહેનો! આજે સ્ત્રીઓ અનેક પ્રકારની તાણ અને દીન-દુન્યવી સમસ્યાઓ હેઠળ જીવન જીવી રહી છે ત્યારે એ સનાતન સત્યને કદી પણ ભૂલશો નહીં કે, હાસ્ય એ મહામૂલું ઔષધ છે. હસતા હસતા કામ કરો અને કામ કરતા કરતા હસો આવી પ્રથાથી કામનો ભાર જરૂર ઓછો લાગે છે.

-દરેક વ્યક્તિમાં ‘સેન્સ ઑફ હ્યુમર’ તો હોવી જ જોઈએ. તેનાથી પોતાને અને બીજાઓને આનંદ આપી શકાય છે.
-જીવનમાં ગંભીર રહેવું મુશ્કેલ નથી, પરંતુ હસતાં રહેવું અને હળવાશથી જીવવું કઠીન છે.
-કેટલાક લોકોનો સ્વભાવ કાયમી ગુસ્સાવાળો અને ફટકું હોય છે. કેમ જાણે માથે મુસીબતના પહાડ તૂટી પડ્યા હોય તેવું સોગીયું મોઢું રાખીને ફરતા હોય છે. તેઓને ભૂલે ચૂકે કોઈ પ્રશ્ન પૂછો એટલે સીધો જવાબ આપવાને બદલે તમારા અંગ પર આવશે અર્થાત્ આડો જ જવાબ આપશે અને હવે તો સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી બનતી જાય છે.
-હસવાના ફાયદાઓ-લાભો વિશે અમેરિકાના વિખ્યાત પત્રકાર નોર્મન કઝિન્સે ઘણા પુસ્તકો લખ્યા છે. તેઓ લખે છે કે, ઈન્સાને રોગથી બચવા માટે કમ સે કમ દિવસમાં ત્રણ વખત ખડખડાટ-નિર્દોષતાથી હસવું જોઈએ…બહેનો કહેશે કે એવા કોઈ પ્રસંગ વગર હાસ્ય કેમ આવે?

-કઝિન્સ કહે છે કે, તમે અરીસા-દર્પણની સામે ઊભા રહી તમારી જાત પર હશો, અને બહેનો તો દર્પણની શોખીન હોય છે.
-હાસ્યથી વ્યક્તિત્વ આકર્ષક બને છે.
-તંદુરસ્ત આરોગ્ય મેળવી શકાય છે.
-જો કે વર્તમાન જમાનો હસવાને બદલે રડવાનો છે. આમ છતાં હસવાનો જાદુ જુદો જ છે, અનોખો છે.
-હસવાથી આત્મવિશ્વાસ જાગૃત થાય છે.

-તમે ગમે તેટલો સ્વચ્છ, સુઘડ, મોંઘો અને ભપકાદાર પોષાક પહેર્યો હોય, પરંતુ તમારા ચહેરા પર મીઠું-મધુર સ્મિત ન હોય તો તમારા પોષાકની કોઈ કિંમત નથી. આપણું સ્મિત બધાને આકર્ષે છે, કોઈને દિવેલ પીધા જેવું મોઢું ગમતું હોતું નથી.

-સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઈ…!
-સુખમાં મનુષ્ય માત્ર હસી શકે છે.
-દુ:ખમાં પણ હસી લેતા સીખી જવું જોઈએ.

  • અને જ્યારે આજના લેખના હાસ્યના વિષયની વાત કરી જ રહ્યા છીએ ત્યારે આપણે પણ થોડું હસી લઈએ.
    હસે તેનું ઘર વસે
    -પતિ: તેં કદી કોઈ એવું કામ કર્યું છે, જેનાથી કોઈને લાભ થયો હોય?
    *પત્નિ: કેમ નહીં? તમારી સાથે લગ્ન જે કર્યા છે!

-છગન: (હજામ પાસે વાળ કપાવતા) કેમ યાર! તેં કદી ગધેડાની હજામત કરી છે ખરી?
*હજામ: ના, યાર, આ પ્રથમ જ પ્રસંગ છે!

-અમેરિકાની એક સિનેતારીકાએ જ્યોર્જ બર્નાડ શૉને એમના પુસ્તકની પ્રશંસા કરતો પત્ર લખ્યો: ‘આપનું પુસ્તક મને ખૂબ જ ગમ્યું. એ માટે અભિનંદન, પણ એ પુસ્તક આપે કોઈ પાસે લખાવ્યું છે?’

  • શૉએ જવાબમાં લખ્યું- ‘પુસ્તકની પ્રશંસા માટે ધન્યવાદ! મેં પુસ્તક કોઈ પાસે લખાવ્યું એ નથી જાણતો, પરંતુ આપે એ પુસ્તક કોની પાસે વંચાવ્યું છે એ આપ જણાવશો?

-તમારા જીવનમાં કોઈ દુર્ઘટના રસ્તા પર થઈ છે?
*જી હા. બહુ મોટી. મારી પત્નિની પહેલી મુલાકાત રસ્તે ચાલતા થઈ હતી.
પ્રેરણા સ્રોત:
મુક્ત હાસ્ય એ જીવનનું ખરું ટોનિક છે, તેમ ક્રોધ-ગુસ્સાના ગેરલાભ વિશે આવતા અંકમાં બોધ મેળવીશું.

આપણ વાંચો:  લગ્ન વર્ષગાંઠની અનોખી ઉજવણી...

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button