મેલ મેટર્સઃ ફાધરહૂડ બ્લૂઝ: પિતા બન્યા પછીનું એ વણકહ્યું મનોમંથન

અંકિત દેસાઈ
સામાન્ય રીતે ઘરમાં બાળક આવવાનું હોય ત્યારે બધી જ ચર્ચા, કાળજી અને સંવેદના, વગેરે માતાની આસપાસ કેન્દ્રિત હોય છે.
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન’ (Postpartum Depression) વિશે આપણે ઘણું સાંભળ્યું છે, જે માતા અનુભવે છે, પરંતુ આ બધાની વચ્ચે એક વ્યક્તિ એવી પણ હોય છે જે બહારથી મક્કમ દેખાય છે પણ અંદરથી એક અજાણ્યા મનોવૈજ્ઞાનિક વંટોળમાંથી પસાર થતી હોય છે અને એ છેપિતા’. પુરૂષોમાં જોવા મળતી આ માનસિક સ્થિતિને મનોવિજ્ઞાનની ભાષામાં ફાધરહુડ બ્લૂઝ' અથવાપેટરનલ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન’ કહેવામાં આવે છે.
બાળકના જન્મ પછી પિતાના જીવનમાં આવતાં પરિવર્તનો માત્ર આર્થિક કે સામાજિક નથી હોતા, તે ઊંડા માનસિક અને જૈવિક પણ હોય છે. પુરૂષ પહેલીવાર પિતા બને છે ત્યારે તેના પર અચાનક પ્રોવાઈડર' (પૂરૂ પાડનાર) અનેપ્રોટેક્ટર’ (રક્ષક) બનવાનું એક અદ્રશ્ય દબાણ આવી જાય છે. સમાજમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે પિતાએ હંમેશાં પહાડ જેવા અડગ રહેવું જોઈએ. આ જ અપેક્ષા તેને પોતાની અનેકવિધ મૂંઝવણ વ્યક્ત કરતા રોકે છે.
ફાધરહુડ બ્લૂઝનાં મુખ્ય કારણોમાં સૌથી મોટું કારણ છે `જીવનશૈલીમાં એકાએક ફેરફાર’….
બાળક આવ્યા પછી ઊંઘની અછત, પત્ની સાથેના સંબંધોમાં આવતો બદલાવ અને અંગત સમયનો અભાવ પુરૂષને માનસિક રીતે થકવી દે છે. પત્નીનું સંપૂર્ણ ધ્યાન હવે બાળક પર હોય છે, જેના કારણે ઘણા પુરૂષ અજાણતા જ પોતાને ઉપેક્ષિત’ અનુભવે છે. તેમને લાગે છે કે તેમની ભૂમિકા હવે માત્ર હોસ્પિટલના બિલ ભરવા કે ઘરની વસ્તુઓ લાવવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. આસેકન્ડરી’ હોવાનો અહેસાસ તેમને માનસિક એકલતા તરફ ધકેલે છે.
બીજું મહત્ત્વનું પાસું આર્થિક જવાબદારીનો બોજ છે. બાળકનું ભવિષ્ય, શિક્ષણ અને વધતા જતા ખર્ચાઓ વિશે વિચારીને નવો બનેલો પિતા સતત ચિંતામાં રહે છે: શું હું મારા પરિવારને શ્રેષ્ઠ સુખ-સુવિધાઓ આપી શકીશ? શું હું એક સારો આદર્શ પિતા બની શકીશ?
આ `પરફોર્મન્સ એન્ઝાઈટી’ તેને સતત તણાવમાં રાખે છે. નવાઈની વાત એ છે કે, સંશોધનો મુજબ પિતા બનતી વખતે પુરૂષોના શરીરમાં પણ હોર્મોનલ ફેરફારો થાય છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવું અને કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) વધવાને કારણે એ ચીડિયાપણું કે ઉદાસી અનુભવે છે.
જોકે સૌથી મોટી કણતા એ છે કે પુષ આ લાગણીઓ કોઈને કહી શકતો નથી. જો તે કહે કે તેને ડર લાગે છે અથવા તે થાકી ગયો છે તો સમાજ તેને `નબળો’ ગણાવે છે. પરિણામે, તે આ બ્લૂઝને છુપાવવા માટે કાં તો કામમાં વધુ પરોવાઈ જાય છે અથવા તો અંતર્મુખી બની જાય છે. ઘણીવાર આ સ્થિતિ ગુસ્સા કે ચીડિયાપણા સ્વરૂપે બહાર આવે છે, જે પરિવારમાં કલેશનું કારણ બને છે.
ફાધરહુડ બ્લૂઝમાંથી બહાર આવવા માટે સૌથી પહેલું પગલું છે સ્વીકાર’. પુરૂષે એ સમજવાની જરૂર છે કે પિતા બન્યા પછી ડર લાગવો કે ગભરામણ થવી એ સાવ સ્વાભાવિક છે. પત્ની અને પરિવારના સભ્યોએ પણ સમજવું જોઈએ કે પિતાને પણ સંવેદનાત્મક ટેકાની જરૂર હોય છે. પિતાએ બાળકની માવજતમાં સક્રિય રીતે જોડાવવું જોઈએ. જ્યારે પિતા બાળકને નવડાવે, ડાયપર બદલે કે રમાડે ત્યારે તેના શરીરમાંઓક્સિટોસિન’ (લવ હોર્મોન) મુક્ત થાય છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
ઈનશોર્ટ, ફાધરહુડ બ્લૂઝ એ કોઈ બીમારી નથી, પણ જીવનના એક નવા અધ્યાયમાં પ્રવેશતા પહેલાંનો આંતરિક સંઘર્ષ છે. આપણે એક એવા સમાજનું નિર્માણ કરવું પડશે જ્યાં પિતા માત્ર ATM મશીન' કેશિસ્તના આગ્રહી’ તરીકે જ નહીં, પણ એક સંવેદનશીલ મનુષ્ય તરીકે પણ સ્વીકારાય. પિતાનું મૌન તેની મજબૂતી નથી, પણ ક્યારેક તેની અંદર ચાલતી મથામણની નિશાની હોય છે.
જો આપણે માતાના પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિશે વાત કરી શકતા હોઈએ તો પિતાના આ વણ કહ્યા બ્લૂઝ’ વિશે પણ ખુલીને વાત કરવાનો સમય આવી ગયો છે. પિતા પણ માણસ છે, અને તેને પણ કહેવાનો હક છે કે,હા, પિતા બનવું અઘરૂ છે, અને મને પણ –સાથની જરૂર છે.’



