બાળક બીમાર પડે ત્યારે…

કૌશિક મહેતા
ડિયર હની,
દંપતી વચ્ચે એક મજબૂત નાતો બનાવે છે એમનાં સંતાન. અને એમને કઈ પણ થાય તો બંને ચિંતિત થઇ જાય છે. ઘણીવાર ઘણી બધી સંભાળ રાખવા છતાં બાળકો બીમાર પડે છે. આપણી જિંદગીમાં પણ એવા ઘણા પ્રસંગ આવ્યા છે. પણ એક પ્રસંગ આજે ય મને બરાબર યાદ છે. અને એ છે આપણા દીકરાનો.
રોજ સવારે તું કપડા સૂકવવા અગાસીએ જતી. અને રોજ દીકરો તારી સાથે આવતો. ત્યારે એની ઉંમર હશે પાંચ છ વર્ષની અને અગાસીએ જવાની સીડી જરા વિચિત્ર હતી, પણ ક્યારેય કોઈ દુર્ઘટના બની નહોતી. જોકે, એક સવારે તું કપડા સૂકવવા ગઈ અને સાથે દીકરો પણ હતો. કપડા સુકાઈ ગયા અને બંને નીચે ઊતરતા હતા. દીકરો આગળ હતો અને એ પગથિયું ચુક્યો અને સીધો પડ્યો પોર્ચમાં. મોટો ધડાકો થયો હોય એવો અવાજ આવ્યો. ઘરના બીજા સભ્યો અને આસપાસ રહેતા પડોશીઓ પણ ચોંકી ઉઠ્યા કે ‘થયું શું?’ પછી ખબર પડી કે, દીકરો નીચે પછડાયો છે….
તારો મને ફોન આવ્યો, હું તો ઓફિસે ગયો હતો. અને તે કહ્યું, ‘દીકરો પડી ગયો છે. જલદી આવ.’ તારા અવાજમાં ગભરાટ હતો. મેં પૂછયું: પહેલા શું બન્યું એ કહે… તે બધી વાત કરી. મેં કહ્યું, તું ઘર પાસે ઓર્થોપેડિક સર્જન છે ત્યાં લઇ જા. હું ત્યાં જ સીધો આવું છું. આમાં સમય ના બગાડાય….
થયું એવું કે, પેલા ડોક્ટર આવ્યા નહોતા અને પછી બીજી હોસ્પિટલે આપણે પહોંચ્યા. અને ડોકટરે એક્સરે કરાવ્યો પણ ઈશ્વર કૃપાથી એને કાઈ થયું નહોતું.
તારો ફોન આવ્યો ત્યારે હું ઓફિસમાં હતો. અને મેં તને કહ્યું કે, જલદી હોસ્પિટલે પહોંચ. પછી મને ખ્યાલ આવ્યો કે, પૈસા જોઇશે. મેં ખિસ્સામાંથી વોલેટ કાઢીને જોયું કે, એમાં તો બહુ પૈસા હતા નહિ. સ્ટાફના એક મિત્ર પાસે હું ગયો અને એની પાસેથી પૈસા લઈને હું નીકળ્યો….પણ બહુ ખર્ચ ના થયો. દીકરા માથેથી જાણે એક ઘાત ગઈ.
એકવાર દીકરી પણ બહુ બીમાર પડી હતી. એ કાઈ ખાતી-પીતી નહોતી. અને ડોકટરે રિપોર્ટ બતાવ્યા બાદ જણાયું કે એને ટાઈફોઈડની અસર છે. આ કારણે દીકરીને અમુક જ વસ્તુ આપી શકાય એવી ડોકટરે સૂચના આપી હતી. આ સૂચનાનું પાલન કરવું આસાન નથી હોતું. એ ના પાળીએ તો રોગમાંથી બહાર આવવાનું મુશ્કેલ બની જાય છે. અને ત્યારે મા-બાપની ખરી કસોટી થાય છે.
દવા નિયમિત અપાય એ આવશ્યક બની જાય છે અને સાથે એને ખોરાક પણ મળતો રહે એ જોવું પડે છે. એને સમજાવી સમજાવીને ખવડાવવું પડે છે. આ સ્થિતિમાં બાળક ઘણીવાર ચીડચીડિયું બની જતું હોય છે. મા-બાપે ધીરજ રાખીને કામ લેવું પડે છે. આપણે એ લીધું હતું. અને રાત ઉજાગરા પણ કરવા પડ્યા હતા. પણ એ રાત ઉજાગરાનો થાક ત્યારે ઊતરી ગયો હતો જ્યારે એની તબિયત થોડી સારી થઈ અને એના ચહેરા પર હાસ્ય ફરી આવવા લાગ્યું હતું. આ ક્ષણો બહુ મૂલ્યવાન હોય છે.
આજે એમ થાય છે કે, એ ક્ષણોનાં ફોટા પાડી લીધા હોત તો કેવું સારું થાત. અલબત, માનસપટ પર આજે ય એ તસ્વીર અંકિત થયેલી છે. એવું જ દીકરાના કિસ્સામાં બનેલું જ્યારે એને કાઈ થયું નહિ અને આપણે બંને ઘેર પાછા ફર્યા અને દીકરો કાઈ બન્યું નથી એમ રમવા લાગ્યો.
બાળક બીમાર પડે ત્યારે મા-બાપ માટે એ સમય કાઢવો મુશ્કેલ બનતો હોય છે. સંયુક્ત કુટુંબમાં રહેતા હો તો મદદ મળી જાય છે, પણ જ્યારે એકલા રહેતા હો ત્યારે મા-બાપની પરીક્ષા થાય છે. અને એમાં ય મા ઘેર એકલી હોય તો એ મૂંઝાય જાય છે કે કરવું શું? ક્યારેક એમાં સમય નીકળી જતો હોય છે અને ક્યારેક એ નીકળી જતો સમય ભારે પડી જાય છે. આવી સ્થિતિ નિવારવી હોય તો કેટલીક બાબત ધ્યાને રાખવા જેવી છે.
એક તો, ઘરમાં થોડા રોકડા પૈસા રાખવા જરૂરી હોય છે. આજે તો ઓન લાઈન પેમેન્ટ થાય છે પણ ઘણીવાર ક્યાંક એ સવલત ના હોય તો રોકડા પૈસા હોવા જરૂરી હોય છે. બીજું કે, કે કેટલાક નંબર હાથવગા હોવા જરૂરી છે. એમાં ઘરના સભ્યોના તો ખરા xજ સાથે ફેમિલી ડોક્ટરના પણ. તુરંત એમની સલાહ લઇ શકાય અને આગળ શું કરવું એની સમજ પડે. એ સાચું કે, કૈક વણકલ્પ્યું બને ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ , પણ આ વેળા સ્વસ્થતા જાળવો તો યોગ્ય નિર્ણય લેવામાં આસાની રહે છે.
બીજું કે બાળકને કોઈ સમસ્યા હોય ત્યારે લેવાતી, સામાન્ય દવાઓ પણ હાથવગી હોવી જરૂરી છે. આટલું ધ્યાન રાખીએ તો આવી એકાએક બનતી ઘટનામાં તુરંત ઉપાય મળી જાય છે. અને બાળકને યોગ્ય સારવાર સમયસર મળી જાય છે.
તારો બન્ની
આ પણ વાંચો…પત્નીને મદદ તો માતાને કેમ નહીં?



