બાળકો માગે એ થોડું અપાય …

કૌશિક મહેતા
ડિયર હની,
દરેક ઘરમાં એક ચર્ચા જરૂર છે કે, એમના સંતાનો એમનું માનતા નથી. કોઈને કોઈ ચીજ માટે જીદ પકડે છે. સ્વચ્છંદી બનતા જાય છે. અમારા હાથમાં રહ્યા નથી, વિગેરે વિગેરે … વાત સવા ખોટી પણ નથી, પણ આ જે લક્ષણ બતાવ્યાં એનું કારણ શું છે અને નિવારણ શું છે? એ દિશામાં મા-બાપ ઓછું વિચારે છે.
જાણીતા લેખિકા, સાંસદ અને સૌથી વિશેષ તો મજાના સ્ટોરીટેલર સુધા મૂર્તિએ પાંચ દાયકાની લેખન કારકિર્દીમાં તેમનું 50મું પુસ્તક બહાર પાડ્યું એ પ્રસંગે કેટલીક વાતો કરી એ કાને ધરવા જેવી છે.
એ કહે છે, તમારે તમારાં બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવો જોઈએ. વળી, આજના બાળકોમાં ધીરજ હોતી નથી. તેમને ત્વરિત સંતોષ જોઈએ છે અને માતા-પિતા તેમને જે જોઈએ તે દરેક બાબતમાં સંમત થઈ જાય છે. તે જે પણ માગે તે તે તરત જ આપશો નહીં, નહીં તો ત્વરિત સંતોષની તે આદત વધી જશે.
આપણ વાચો: પ. પૂ. પિતાજી સંતાનોના કહ્યામાં નથી એટલે…!
એ સાઈકલ માગશે અને તમે તેમને કાર આપશો. તે સાધારણ કાર માગશે અને તમે તેમને મર્સિડીઝ બેન્ઝ આપશો. …ના, આવું ન કરો. એમની અપેક્ષાઓ પર હંમેશાં કાબૂ રાખો. જ્યારે સંતાન કંઈક માગે, ત્યારે કહો: `આપણે લઈશું પણ ચાલો એક વર્ષ પછી જોઈએ…’ તેમને ધીરજ શીખવવાનો આ બીજો રસ્તો છે.
આ સંદર્ભે તને એક હળવી વાત કરું. મારા એક મિત્ર જયારે પણ એના મોટાભાઈ પાસે કોઈ ડીમાંડ કરે તો મોટાભાઈ કહે આવતી દિવાળીએ લઈશું.’ મારી મિત્ર કહે:નવું, સ્માર્ટ ટીવી લઈએ..’ તો મોટાભાઈ એમ જ કહે કે, આવતી દિવાળીએ વાત…’ મિત્ર એમ કહે કે, આપણી કાર જૂની છે હવે એસ યુવી લઈએ. બધા સાથે જઈ શકીએ.
મોટાભાઈનો જવાબ નક્કી જ હોય:આવતીદિવાળીએ…’ પણ એ કઈ દિવાળી એનો ખુલાસો કરતા નહીં. કદાચ આ જવાબમાં પણ સુધા મૂર્તિ જેવો અર્થ છે.
આજે મા-બાપ બાળક જીદ કરે એટલે એ તુરંત લઇ દે છે. ઘણીવાર તો આર્થિક રીતે એ પોસાય એમ ના હોય તો પણ લઇ દે છે.
તને યાદ હશે કે, આપણી દીકરીએ મોબાઈલ ફોન માટે જીદ કરી હતી, પણ મેં કહેલું કે, હમણાં નહીં. ધોરણ બાર પાસ કર્યું પછી જ એને મોબાઈલ અપાવ્યો હતો.
આપણ વાચો: કરિશ્માનાં સંતાનોને પહેલેથી 1900 કરોડ મળી ગયા છે હવે કેટલા? જાણો કોર્ટમાં કોણે કેવા દાવા કર્યા
આજે તો પાંચમા સાતમા ધોરણમાં ભણતા છોકરા કે છોકરી પાસે લેટેસ્ટ મોબાઈલ હોય છે. એના પર ગેમ રમવામાં ઝાઝો સમય વિતાવે છે. ધનવાન મા- બાપ હોય તો મોંઘા ગેઝેટ અપાવે છે. પછી બાળક બગડે છે અને પછી એ જ મા- બાપ ફરિયાદ કરે છે કે, બાળક કહ્યામાં નથી.
બીજું કે, મા-બાપ બાળકો પર દબાણ બહુ લાવે છે. સુધા મૂર્તિ કહે છે, જો બાળકનો પહેલો નંબર ન આવે, તો દુનિયાનો અંત નથી આવી જતો. બીજા રેન્ક સાથે પણ લોકો જીવી શકે છે. કોઈ રેન્ક વિના પણ માણસ જીવી શકે છે.
માતા-પિતાએ સમજવું જોઈએ કે બાળકે સારું પ્રદર્શન કેમ નથી કર્યું. બાળકને તે વિષયમાં રસ ન પણ હોય, બાળક તે વિષય શીખવા માટે સક્ષમ ન પણ હોય અથવા શિક્ષક અસરકારક ન હોય, વગેરે.
મા-બાપે બાળકમાં આત્મવિશ્વાસ લાવવાની કોશિશ કરવી જોઈએ. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પણ આપણે તેનાથી હારી શકીએ નહીં. આ એવા પાઠ છે જે આપણે બાળકોને આપવા જોઈએ પણ ઘણીવાર નથી આપતા. આ વાત સાવ સાચી છે. ફરી દીકરીનો કિસ્સો યાદ આવે છે. એને ધોરણ 12માં અપેક્ષા પ્રમાણે માર્ક્સ નહોતા આવ્યા.
ત્યારે ય અમે કહેલું કે, બેટા, ચિંતા નહિ. હવે આગળ શું કરવું છે એ નક્કી કર. અને સીએ માટે એને પ્રયત્ન કરવો હતો. એના ક્લાસ શરૂ કર્યા. પહેલી પરીક્ષા આપી અને નાપાસ થઇ. મેં કહેલું કે, હજુ એક ટ્રાય દેવી હોય આપ. એ રડતી હતી. આખરે એણે નક્કી કર્યું કે, સીએ નથી કરવું. ઇન્ટિરીયર ડિઝાઈનિંગ કરવું છે અને મેં હા ભણી. અને એ સારા માર્ક્સ સાથે પાસ થઇ.
બાળક શું ઈચ્છે છે એ એને ય ખબર નથી હોતી. એનામાં કઈ બાબતે પેશન છે. ક્યા ક્ષેત્રમાં એ સારો દેખાવ કરી શકશે એની દિશા એને આપવી પડે છે. બીજાએ આ કર્યું કે બીજાએ આ લીધું એટલે એ જ કરવું એવી બાળકોની જીદ સંતોષવી ના જોઈએ.
એમાંથી જ સમસ્યા પેદા થાય છે. બાળક પછી નિષ્ફળ જાય કે અમુક ચીજોની આદત પડી જાય પછી મા- બાપ જ એની ફરિયાદ કરવા લાગે છે. મોટાભાઈનો દીકરો બહાર ભણતો હતો. એની ફીની વ્યવસ્થા કઈ રીતે થતી હતી એ એને ખબર ન્હોતી.
કોલેજમાં એના કોઈ મિત્રે મોંઘું બાઈક લીધું અને ભત્રીજાને પણ એ લેવાનું મન થયું. એણે ભાઈને વાત કરી અને ભાઈએ મને વાત કરી ત્યારે મારે ભત્રીજાને કહેવું પડ્યું કે, ભાઈ અત્યારે એ બાઈક ખરીદવાની તારી ઉંમર નથી અને જરૂરિયાત પણ નથી.
તને ખબર છે કે, તારા પિતા તારી ફીનો બંદોબસ્ત કઈ રીતે કરે છે? પછી ભત્રીજો માની ગયો હતો. આ રીતે બાળકને સમજાવવું જોઈએ … એ માગે એ આપી દેવાનું બંધ કરવું જોઈએ.
તારો બન્ની



