સંધ્યા છાયાઃ વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ પણ થવું જોઈએ | મુંબઈ સમાચાર
પુરુષ

સંધ્યા છાયાઃ વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ પણ થવું જોઈએ

નીલા સંઘવી

જીવન સંધ્યાએ સંધ્યા-છાયાનો અનુભવ કરવો હોય તો વધતી ઉંમર સાથે પોતે પોતાની જાતમાં બદલાવ લાવવો જરૂરી છે. પરિવર્તન સમયની માગ છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે.

આપણાં સમયમાં જેવો માહોલ હતો તેવો માહોલ અત્યારે ન જ હોય. આપણાં વડીલોને પણ એવું જ લાગતું હતું કે જમાનો બદલાઈ ગયો છે, અમારે જૂની આંખે નવા તમાશા જોવાના છે. જે વાત આપણાં વડીલો કરતા હતા તે જ વાત આજે આપણે કરી રહ્યા છીએ. આજની પેઢીની રહેણીકરણી જોઈને આપણને પણ જૂની આંખે નવા તમાશા જોતા હોઈએ એવું લાગે છે.

જો કે એ બધાં સાથે વૃદ્ધાવસ્થામાં એડજસ્ટ થવું જરૂરી છે. જો એડજસ્ટ ન થઈએ તો પછી વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. વૃદ્ધો જો પોતાનો જ કક્કો ખરો કરવાની જીદ પકડી રાખે તો કોઈ સામે પણ નહીં જુએ. આજની પેઢીને એ વડીલો `ડસ્ટબીન’ જેવાં લાગવા માંડશે..

આવી જીવનની ઢળતી સાંજે જો થોડીક સાવધાની રાખીને વર્તન કરવામાં આવે તો સંતાનોના દિલમાં જગા બનાવીને જીવન સંધ્યાએ પણ શીળા છાંયડાનો અનુભવ કરી શકાય. આ માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: જીવનસંધ્યાએ કોઈનું અશક્ય સપનું પૂરું કરવાનું પુણ્ય…

આવો, વિચારીએ શું કરવું જોઈએ?
ઉંમર થાય એટલે બોલવાનું ઓછું કરી નાખવાનું. આખો દિવસ બડબડ નહીં કરવાનું. લૂલી વશમાં રાખવાની. આજની પેઢી એટલી વ્યસ્ત અને સ્ટે્રસ્ડ છે કે ઘરમાં જો વડીલો કારણ વગર વાતો કર્યા કરે તો એમને બડબડ કરતા હોય તેવું લાગે છે. તેથી જરૂર પડતું જ બોલવું. મૌન સૌથી ઉત્તમ.

ઘણી વાર ઘરના વડીલ એકની એક વાત રિપીટ કરતા હોય છે. એમના જીવનની ઘટના વારંવાર સંભળાવતા હોય છે ત્યારે પરિવારના સભ્યો ત્રાસી જાય છે. વડીલને યાદ ન હોય કે આ વાત તો ઓલરેડી ઘણીવાર કહી દીધી છે તેથી મૌન ધારણ કરી લેવું. મૌન રહેવાથી બીજાને તો સાં લાગશે જ પણ પોતાની જાતને ય સાં લાગશે.

ઉંમર વધતા પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખવી જોઈએ. બહુ મર્યાદિત ચીજ-વસ્તુથી ચલાવતા શીખી જવાનું. `મને આમ તો જોઈશે અને તેમ પણ જોઈશે…’ એવું બધું ચાલવાનું નથી. તમારી જાતજાતની જરૂરિયાતો પૂર્ણ કરવાનો સમય કોઈ પાસે નથી.

આ પણ વાંચો: દર વખતે વાંક ફક્ત સંતાનનો?

તમે કહેશો કેમ એવું? એ નાના હતા ત્યારે આપણે એમની ભાતભાતની ફરમાઈશ પૂર્ણ કરતા હતા ને? ત્યારે આપણી પાસે પણ સમય ન હતો, તો પણ એમની એક એક જરૂરિયાત પૂર્ણ કરતા હતા તે લોકો કેમ આપણી માટે ન કરે?

ન કરી શકે, કારણ કે એને પોતાનાં બાળકોની ફરમાઈશ પૂરી કરવાની હોય છે. તમારા સમયે તમે પણ તમારા માતા-પિતાની જરૂરિયાત અવગણીને બાળકોની જરૂરિયાતને જ મહત્ત્વ આપ્યું હતું જ ને? આ તો સમયનું ચક્ર છે, જે ફર્યા જ કરે છે. `વારા પછી વારો અને તારા પછી મારો’ એટલે જે આપણે આપણાં માતા-પિતા સાથે કર્યું તે જ આપણાં સંતાનો આપણી સાથે કરે છે. જરૂરિયાતો ઓછી હશે તો જીવન જીવવામાં સરળતા રહે છે.

વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ થવું જરૂરી છે. વયોવૃદ્ધ થતાં બુદ્ધિથી વિચારતા પણ શીખવું જોઈએ. આપણા કારણે કોઈને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો વૃદ્ધો સંતાનોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખશે તો સંતાનો પણ પોતાના વડીલોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખશે. સંતાનો કાંઈ બુદ્ધુ નથી, એમને પણ ખ્યાલ આવી જાય છે કે અમારાં માતા-પિતા અમને તકલીફ આપતા નથી તો અમારે પણ એમને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ગીવ એન્ડ ટેઈક રિલેશનશિપ જેવું છે. અરસપરસ છે.

આ પણ વાંચો: એકલા દાદાનું આ હતું ‘બોલતું’ એકાંત…

વયોવૃદ્ધ થઈએ ત્યારે એક વસ્તુ ગાંઠે બાંધી લેવાની કે `મનનું ધાર્યું થાય તો ઠીક, ન થાય તો ઈશ્વરની ઈચ્છા…’ મનચાહી વસ્તુ મળે તો સાં. ન મળે તો વધારે સાં.

હવે તમે પૂછશો ન મળે તો વધારે સાં કેમ? જો એકવાર મન ચાહી વસ્તુ નહીં મળે અને તમે સમજી જશો કે હવે આ વસ્તુ નહીં મળે તેથી જો સમજ વિકસી હશે તો તમે બીજી વાર એની માગણી નહીં કરો તો એ વધારે સાં જ કહેવાયને?

જીવન સંધ્યાએ જો સંધ્યા-છાયાનો લાભ મેળવવો હોય તો ગુસ્સાને તિલાંજલિ આપી દેવાની. ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સંબંધો માટે તો ઓર હાનિકારક છે. એટલે ગુસ્સો તો કરવાનો જ નહીં. માથા પર બરફની કોથળી મૂકી હોય એટલી ઠંડક રાખવાની. જો તમે ગુસ્સો કરશો તો સંતાનો પણ સામે ગુસ્સે થવાના જ છે.

એ કાંઈ તમારી વાત સાંભળી લેવાના નથી. તો પછી શા માટે નકામું થૂંક ઉડાડવાનું? તમારો ઑફિસમાં વટ હતો, તમારો પડ્યો બોલ ઘરમાં અને ઑફિસમાં ઝીલાતો હતો તે વાત ભૂલી જવાની, કારણ કે સમય બદલાઈ ગયો છે. હવે તમે કોઈને કામના રહ્યા નથી. તેથી વટ કી ઐસી તૈસી કરી નાખવાની. તમે શાંતિથી જીવી શકો, બે ટાઈમ સાં ભોજન ખાઈ શકો, સાજે માંદે સંતાનો તમારી સંભાળ લે એટલું જ પૂરતું છે. એનાથી વધારે અપેક્ષા રાખવાની નહીં. …મગજ શાંત રાખો. શાંતિથી જીવો અને શાંતિથી બીજાને જીવવા દો.

આ પણ વાંચો: સંધ્યા છાયાઃ `મ’ને લગાડો કાનો (મા) પછી ઈશ્વર પણ લાગશે નાનો!

`હમારે જમાને મેં તો…’ એ વાત તો કરતા જ નહીં. આવી વાતો આજે કરવાનો કોઈ અર્થ નથી. તમારો જમાનો અલગ હતો અને આ જમાનો અલગ છે. તેથી ભૂતકાળને વાગોળવો નહીં અને જો વાગોળવો જ હોય તો તમારા હમઉમ્ર મિત્રો સાથે વાગોળવો, સંતાનો સામે હરગીઝ નહીં.

જો તમે પોતે શ્રીમંત હોય તો એનો રૂઆબ સંતાનો પર છાંટવો નહીં. પોતાની ધનસંપત્તિનું અભિમાન, વખાણ કરવા નહીં. સંતાનોને ધન સંપત્તિના રૂઆબમાં, વખાણમાં નહીં ધનસંપત્તિમાં રસ છે. તેથી રૂઆબ કરવાને બદલે સમયે સમયે સંતાનોને, પુત્રવધૂઓને, જમાઈઓને, પૌત્ર-પૌત્રીઓને ઈત્યાદિ સ્વજનોને ભેટ સોગાદ આપતા રહેવાની. એને કારણે એ બધા ખુશ રહેશે. વાતોથી નહીં વર્તનથી એમને ખુશી મળશે.

તો, આજના લેખ માટે આટલું બધું પૂરતું છે, વધારાની વાત હવે પછી…..

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button