મેલ મેટર્સ: ચોમાસામાં સહ્યાદ્રિની સફર હોય છે મઝાની, પણ…

-અંકિત દેસાઈ
ચોમાસાની ઋતુ આવે એટલે મહારાષ્ટ્રના સહ્યાદ્રિના લીલાછમ પહાડો, ધોધ, અને ઝરણાઓ યુવાનો અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. વીકેન્ડ્સ કે રજાઓમાં સહ્યાદ્રિના ખોળે ટ્રેકિંગ, પિકનિક કે ફોટોગ્રાફી માટે નીકળી પડવું એ ઘણાની ટેવ બની ગઈ છે, પરંતુ ગયા વર્ષે ચોમાસામાં સહ્યાદ્રિમાં થયેલા અકસ્માતો જેવા કે પહાડો પરથી નીચે પડવું, પાણીના પ્રવાહમાં ફસાઈ જવું કે એ પ્રકારની અન્ય દુર્ઘટનાઓ આપણને ચેતવણી આપે છે કે આ મનમોહક ઋતુમાં સાવચેતી અને સંયમ અનિવાર્ય છે.
યાદ રાખો, આ વર્ષે ચોમાસું પણ તોફાની મિજાજમાં છે ત્યારે સહ્યાદ્રિની મુલાકાતે જવું હોય તો શું ધ્યાન રાખવું ને એમાંય સેલ્ફી કે રિલ્સના ઉન્માદને કઈ રીતે નિયંત્રિત કરવો એ સમજવું જરૂરી છે.
સૌથી પહેલાં, ટ્રેકિંગ કે પહાડી સફરનું આયોજન કરતાં પહેલાં હવામાનની આગાહીની ચકાસણી કરવી આવશ્યક છે. ચોમાસામાં સહ્યાદ્રિના વિસ્તારોમાં અચાનક ભારે વરસાદ કે ધુમ્મસ આવી શકે છે, જે વિઝિબિલિટી ઘટાડે છે અને રસ્તાઓ લપસણા બનાવે છે એટલે વરસાદની સંભાવના વધુ હોય તો સફર ટાળવી જ શ્રેયસ્કર છે.
બીજું, ટ્રેકિંગ માટે જાણીતા અને સુરક્ષિત રૂટ જ પસંદ કરો. ઓછા જાણીતા કે જોખમી રસ્તાઓ પર જવાનું ટાળો. સ્થાનિક ટ્રેકિંગ ગ્રૂપ કે ગાઈડની મદદ લેવી એ સલામતીની દૃષ્ટિએ ફાયદાકારક રહેશે. એમની પાસે સ્થાનિક ભૂપ્રદેશ અને હવામાનની ઊંડી સમજ હોય છે, જે અકસ્માતોનું જોખમ ઘટાડે છે.
ટ્રેકિંગ દરમિયાન યોગ્ય સાધનો અને વસ્ત્રોનું પણ ધ્યાન રાખવું જોઈએ. લપસણા રસ્તાઓ પર ટ્રેકિંગ શૂઝ અથવા ગ્રિપવાળા ફૂટવેર પહેરવા. રેઈનકોટ, વોટરપ્રૂફ બેગ, પ્રાથમિક સારવારની કીટ, ટોર્ચ, અને પૂરતું પાણી-ખોરાક સાથે રાખો. ફોનની બેટરી ફુલ ચાર્જ હોય અને ઈમરજન્સી નંબર્સ સાચવેલા હોવા જોઈએ. એકલા ટ્રેકિંગ કરવાને બદલે જૂથમાં જવું વધુ સલામત છે. તમારા ટ્રેકિંગની વિગતો અને અંદાજિત પરત ફરવાનો સમય પરિવાર કે મિત્રોને જણાવી દો.
આ પણ વાંચો…મેલ મેટર્સ : શું હવેના સમયમાં આપણે રિયલ ફૂડ ખાઈએ છીએ ખરા?
આજના સોશિયલ મીડિયાના યુગમાં સેલ્ફી, રિલ્સ, અને ફોટોઝનો ઉન્માદ યુવાનોમાં ખૂબ જોવા મળે છે. સહ્યાદ્રિના મનોહર દૃશ્યો ધોધ, ખીણો, અને પહાડી ટોચો ફોટો કે રિલ્સ માટે લલચાવનારા હોય છે, પરંતુ આ ઉત્સાહમાં ઘણી વખત લોકો સલામતી ભૂલી જાય છે. ધોધની નજીક, ખડકની ધાર પર, કે લપસણા ઢોળાવ પર સેલ્ફી લેવાનો પ્રયાસ ઘણી વખત જીવલેણ બન્યો છે.
ગયા વર્ષે આવી અનેક દુર્ઘટના બની છે માટે જ્યાં સેલ્ફી કે રિલ્સના ચક્કરમાં યુવાનોએ જીવ ગુમાવ્યો એવાં જોખમી સ્થળોએ જવાનું ટાળો. ફોટો લેવા માટે સુરક્ષિત સ્થળ પસંદ કરો અને પગની પકડ મજબૂત હોય એની ખાતરી કરો. સેલ્ફી સ્ટીક કે ટ્રાઈપોડનો ઉપયોગ કરો, જેથી તમારે ખતરનાક સ્થિતિમાં ફોન પકડવાની જરૂર ન પડે. ખાસ કરીને ધોધ કે નદીના પ્રવાહની નજીક જતાં પહેલાં પાણીની ગતિ અને ઊંડાઈનો અંદાજ લો. અચાનક પાણીનો પ્રવાહ વધવાથી ઘણા અકસ્માતો થયા છે.
સોશિયલ મીડિયા પર લાઈક્સ કે ફોલોઅર્સની લાલચમાં જીવનું જોખમ ન લેવું. એક સુંદર ફોટો કે રિલની કિંમત તમારો જીવ નથી. સેલ્ફી કે ફોટો લેતી વખતે આસપાસના વાતાવરણનું ધ્યાન રાખો. જો સ્થળ જોખમી લાગે તો ફોટો લેવાનું મુલતવી રાખો.
બીજાને ઈમ્પ્રેસ કરવા કરતાં પોતાની સલામતીને પ્રાથમિકતા આપો. ટ્રેકિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ઓછો કરો અને પ્રકૃતિનો આનંદ માણો. રિલ્સ બનાવવાની ઉતાવળમાં ટ્રેકનો આનંદ અને સલામતી બંને ગુમાવવાનું જોખમ ન લો.
ટૂકમાં સહ્યાદ્રિની નૈસર્ગિક સુંદરતાને નિહાળવાની સાથે પ્રકૃતિની પણ કદર કરો. કચરો ન ફેલાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખો.
ચોમાસામાં સહ્યાદ્રિની સફર એક અવિસ્મરણીય અનુભવ બની શકે છે. બસ, થોડી સાવચેતી, સંયમ, અને જવાબદારીની જરૂર છે. જસ્ટ, પ્રકૃતિનો આનંદ માણો ને સુંદર યાદો સાથે ઘરે પરત ફરો…
આ પણ વાંચો…મેલ મેટર્સ : ઈન્દોરનો સનસનાટીભર્યો મર્ડર કેસ અહીં જો પાત્રોની અદલાબદલી થઈ ગઈ હોત તો?