પુરુષ

રોજનો એ ‘ગોલ્ડન’ એક કલાક

વિશ્ર્વની પાંચ વિખ્યાત વ્યક્તિની વિશેષ સફળતાનું રહસ્ય તમારે જાણવું છે ? આ વાંચી જાવ…

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

આમ જુઓ તો સફળતાનું કોઈ ખાસ કારણ હોતું નથી ને તેમ જુઓ તો સફળતાનાં અનેક કારણ હોય છે..આમાંનું એક વિશેષ કારણ એ છે કે જે કાર્ય કરો એ એકધારું કરો ને એને નિષ્ઠાપૂર્વક વળગી રહો.

આજે જાણીતી છે-સફ્ળ છે એવી કેટલીક વ્યક્તિઓની આદત-લત અથવા કહો તો કાર્યપદ્ભતિ વિશે થોડા સમય પહેલાં એક બહુ જ વ્યવસ્થિત રીતે રસપ્રદ પૃથક્કરણ થયું છે. એ બધાની સફળતા પાછળ પ્રત્યક્ષ- પરોક્ષ રીતે એક નિયમ સચોટ રીતે કામ કરતો રહ્યો છે. એ નિયમ છે: ફાઈવ અવર ગોલ્ડન રુલ.

હકીકતમાં આ રુલ-નિયમની સૌથી પહેલાં પરિભાષા-વ્યાખ્યા બાંધી ‘ઈમ્પેક્ટ’ ગ્રુપના સર્વેસર્વા એવા માઈકલ સિમોન્સે. એમનું ગ્રુપ યુવા વેપાર સાહસિકોને પોતાના વ્યવસાય – ધંધામાં કેમ સફળ થવું એનું વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે.

અનેક સફળ વ્યક્તિઓના એના ધંધા-વ્યવસાય -એમની રોજિંદી રહેણી-કહેણી-ખૂબી-ખામી-આદત, ઈત્યાદિ વિશે સંશોધન કરી -એનું પૃથક્કરણ કરીને માઈકલે સફળતાનો આ ‘ફાઈવ અવર ગોલ્ડન રુલ’ તૈયાર કર્યો છે.

‘હકીકતમાં આ રુલ છે શું?’ એની સરળ સમજ આપતા માઈકલ સિમોન્સ કહે છે કે રોજનો એક કલાક એટલે કે અઠવાડિયાના પાંચ કલાક તમારે નિયત સમયે રોજ તમને ગમતી એક પ્રવૃત્તિ કરવાની એટલે કરવાની -પછી એ તમારી હોબી હોય કે ધંધા -વ્યવસાયને લગતી હોય.

સૌથી સફળ રોકાણકાર વોરેન બફેટ-શ્રેષ્ઠ દાનવીર બીલ ગેટસ-નામાંકિત ટેલિવિઝન -શો સંચાલક ઑપ્રા વિનફ્રે કે પછી આજે વિશ્ર્વના પ્રથમ પાંચ શ્રીમંતની યાદીમાં છે જેમનાં નામ છે એવા ઈલોન મસ્ક અને જેફ બેઝોસ,ઈત્યાદિની કાર્યનીતિ-રીતિમાં પ્રત્યેક કે પરોક્ષ રીતે એક ‘ફાઈવ અવર’ રુલ સંકળાયેલો છે.

આ રોજનો એક એવા અઠવાડિયાના પાંચ કલાક દરમિયાન એ બધા એક નિશ્ર્ચિત -અગાઉથી નક્કી કરેલાં કાર્યમાં જ ઓતપ્રોત રહે છે. અહીં જેમનો ઉલ્લેખ કર્યો છે એમાંના મોટાભાગના રોજ એક ક્લાક વાંચન અચૂક કરે છે. આ બધાની સફળતા પાછળ એક વાત સ્પષ્ટ ફલિત એ થઈ કે રોજનું ઓછામાં ઓછું એકાદ કલાકનું વાંચન બહુ જરૂરી છે,પણ વોરેન બફેટ તો વાંચનના રાજા છે. એ રોજ દિવસના પાંચથી છ કલાક પાંચ છાપાં અક્ષરે અક્ષર વાંચે ઉપરાંત જેમાં એમને રોકાણ કરવું હોય એ કંપનીઓના વાર્ષિક રિપોર્ટ્સ (૫૦૦ પાનાં!) સુધ્ધાં ઉથલાવી મારે..!
ઑપ્રા વિનફ્રેને રોજનાં અખબારો-મેગેજિનો કરતાં સતત પુસ્તકો વાંચવાની વેણ ઊપડે છે. જેમ એક પછી એક એમ સતત સિગારેટ પીનારાને આપણે ‘ચેન સ્મોકર’ કહીએ છીએ તેમ ઑપ્રા ‘ચેન રિડર’ છે.એક પછી એક એ પુસ્તક વાંચ્યા જ કરે..એણે પોતાના જેવા પુસ્તકપ્રેમીઓની એક ખાસ બૂક્-ક્લબ શરૂ કરી છે.

બીલ ગેટ્સે વર્ષ દરમિયાન પોતે ચૂંટેલાં ૫૦ પુસ્તક વાંચવા જ એવો નિયમ બનાવ્યો છે. આમાંનાં પાંચ-પાંચ પુસ્તકો વિશે એ સમયાંતરે અખબાર – મેગેઝિનમાં લખીને ચર્ચા પણ કરે.

આપણને ફેસબુક તથા વ્હોટ્સ ઍપની લપ લગાડી આપણી વાંચવાની આદતની વાટ લગાડનારા માર્ક ઝુકરબર્ગ દર પખવાડિયે એટલે કે ૧૫ દિવસે ઓછામાં ઓછું ૧ પુસ્તક તો વાંચે જ છે.

અત્યારે વિશ્ર્વનો શ્રીમંત નંબર- ટુ છે એ ઉદ્યોગ સાહસિક ઈલોન મસ્ક તો એની યુવાનીમાં એવો પુસ્તકરસિયો હતો કે એ એક દિવસમાં ફટાફ્ટ બે બુક વાંચી જતો હતો..પણ હવે અતિ વ્યસ્ત રહેવાને કારણે એની વાંચન સ્પીડ ઘટી ગઈ છે. એ હવે મહિનામાં એકાદ પુસ્તક એ માંડ એકાદ વાંચે છે.

આ બધી સફળ વ્યક્તિઓ વચ્ચે સ્પોર્ટસ શૂઝની વર્લ્ડ વિખ્યાત બ્રાંડ ‘નાઈકી’ના માલિક ફિલ નાઈટ તો એનાં ઘરના વિશાળ પુસ્તકાલયને એવો આદર આપે છે કે એમાં પ્રવેશનારાએ પોતાના શૂઝ બહાર કાઢી – અંદર જઈ પુસ્તકોને નત મસ્તક પ્રણામ કરવા પડે!

બીજી તરફ, સફળ નીવડેલી ૨૦૦ જેટલી વ્યક્તિ વિશે સંશોધન કરી એનાં તારણ પર રીચ હેબિટ્સ ઑફ વેલ્ધી.. નામના પુસ્તકના લેખક થોમસ કોર્લી કહે છે કે એ ૨૦૦માંથી ૮૬ % ટીવી જોવાનું ટાળીને પુસ્તકો અને બ્લોગ્સ વાંચે છે- ઑડિઓ બૂક ને પોડકાસ્ટ
સાંભળે છે.

આમ સફળતાના ફાઈવ અવર રુલમાં એક નિયમ નિયમિત વાંચનનો છે અઠવાડિયાના બાકીના ચાર કલાક માટે દરેક સફળ વ્યક્તિએ પોતપોતાની રીતે ગોલ્ડન રુલ બનાવ્યા છે. કોઈ સપ્તાહમાં એક કલાક મનને શાંત રાખવા મેડિટેશન કરે-ધ્યાન ધરે તો કેટલાક આગલા દિવસે કે પછી આગલા અઠ્વાડિયે ધંધા-વ્યવસાયમાં ક્યાં ભૂલ કરી-એને હવે કંઈ રીતે સુધારવી એના ઉપાય વિચારે એક કલાક માટે..

એ જ રીતે અમુક વ્યક્તિ ધંધા માટે આગામી યોજનાનું પ્લાનિંગ કરે,જેમાં ખતરો હોય એવા અખતરા પણ વિચારે તો કોઈ અંગત જીવન માટે ભાવિ યોજના પણ ઘડે. આમ પ્રત્યેક સફળ વ્યક્તિ સપ્તાહનો રોજનો એક એમ પાંચ ગોલ્ડન અવર્સ અલગ તારવી લેતી હોય છે..

આ બધા વચ્ચે સફળ વ્યક્તિ ‘ફાઈવ અવર ગોલ્ડન રુલ’ ઉપરાંત પોતાની આગવી આવડતથી બીજા કરતાં અલગ પણ તરી આવે છે,જેમકે ‘એમેઝોન’ના જેફ બેઝોસ પોતાના એક પુસ્તક ‘ઈન્વેન્ટ એન્ડ વોન્ડર’માં કહે છે કે કામનું ગમે તેટલું ટેન્શન હોય તો પણ રાતે પૂરા આઠ કલાકની ઊંઘ તો હું અચૂક લઉં ! એમાં કોઈ બાંધછોડ હું નથી કરતો.એ પછી ઑફિસે જઈ લંચ લેતા પહેલાં રોજ ત્રણ અગત્યની મિટિંગ કરીને મહત્ત્વના નિર્ણય લેવાના. આવી કોઈ મિટિંગ લાંબી ચાલે તોય લંચ પછી મહત્ત્વનો નિર્ણય નહીં લેવાનો..એ બીજા દિવસે લંચ પહેલાં લઈ લેવાનો! બની શકે, જેફ બેઝોસ કદાચ એવું માનતા હશે કે ભૂખ્યા પેટે લીધેલા નિર્ણય ભૂલભરેલા નીવડી શકે!

જો કે, જગતભરની આવી બધી સફળ વ્યક્તિઓ વિશે વાંચીએ- જાણીએ ત્યારે એવું પણ થાય ખરું કે વિશ્ર્વફલક પર વેપાર – ઉદ્યોગ ક્ષેત્રે આપણા પણ ઘણા એવા નામેરી છે, જેના વિશે આપણે ખાસ જાણતા પણ નથી. રતન તાતા-મુકેશ અંબાણી- અઝિમ પ્રેમજી- ગૌતમ અદાણી – દિલિપ સંઘવી- શિવ નાદર-લક્ષ્મી મિત્તલ,વગેરે,વગેરનાં નામ જાણીતા,પણ એમની સફળતા પાછળની રોજિંદી કાર્યશૈલી વિશે ખાસ લખાયું નથી એટલે આપણી યુવા પેઢીને એમની સફળતાની ‘ટૂલકિટ’ વિશે નહીવત્ ખબર છે.
તમને નથી લાગતું આ દિશામાં પણ કંઈક વધુ થવું જોઈએ-વધુ લખાવું જોઈએ? !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…