નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટ સંકટ અંગે ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવા પર ભાર મૂક્યો છે. ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસની સપ્લાય પર અસર પડી છે. વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં જણાવ્યું કે, આ સમસ્યાનો ઉકેલ કૂટનીતિ દ્વારા શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તા. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2600થી વધુ લોકોનાં મોત થયા છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવું જરૂરી છે
બન્ને રાષ્ટ્રના વડાએ એ વાત કબૂલી હતી કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવું અનિવાર્ય છે. ભારતમાં રહેલા અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ અંગેની જાણકારી આપી હતી. ટ્રમ્પે ઈરાનના વીજળી અને પાણીના આંતરમાળખા પર હુમલો કરવાની વાતને અમલ થતી અટકાવી દીધી હતી. હવે અમરિકા પાંચ દિવસ સુધી કોઈ પ્રકારનો હુમલો નહીં કરે. અમેરિકાએ કહ્યું કે, અમારી ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે. યુદ્ધને ખતમ કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ઈરાને વાતચીત કરવાનો હાલ ઈન્કાર કરી દીધો છે. ઈરાનનું એવું કહેવું છે કે, ટ્રમ્પ હવે ખોટું બોલી રહ્યા છે. ઈરાન યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા દુનિયાના 20 ટકા ક્રૂડ અને ગેસનો સ્ટોક અટકી ગયો છે.
મિડલ ઈસ્ટ પર વડાપ્રધાન મોદીની વાત
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મિડલ ઈસ્ટ સંકટ અંગે સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે, યુદ્ધની વચ્ચે ભારત પ્રયત્ન કરી રહ્યું છે કે જહાજો સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે. તેના માટે ભારત વાતચીતનો માર્ગ અપનાવી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થયું છે, તેથી સરકાર દરેક જગ્યાથી તેલ અને ગેસ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભારત ઈચ્છે છે કે, તણાવ ઓછો થાય અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહે. ભારતની કોશિશ છે કે બધા દેશો પરસ્પર વાતચીત કરીને શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવે. તેમણે વધુમાં જણાવ્યું કે શાંતિ જળવાઈ રહે તે માટે ભારત ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે સતત સંપર્કમાં છે.
2600થી વધારે લોકોના મૃત્યું
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીથી થઈ હતી. આ કારણે મિડલ ઈસ્ટના અનેક દેશમાં સ્થિતિ તણાવગ્રસ્ત થઈ ગઈ હતી. આ યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. ઈરાને વળતા હુમલામાં અનેક મિડલ ઈસ્ટના દેશ પર હુમલા કર્યા હતા. ઈરાને પછી સ્પષ્ટતા કરી હતી કે, અખાતી દેશ પર હુમલો કરવાનો ઈરાદો નથી પણ અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય ઠેકાણાને નષ્ટ કરવાનો છે. આ યુદ્ધમાં ઈરાનમાં આશરે 1500 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે લેબનનમાં 1000 લોકોના મોત થયા છે, જ્યારે ઈઝરાયલમાં 16 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 13 અમેરિકના સૈનિકો પણ માર્યા ગયા છે.