શ્રીલેખા યાજ્ઞિક
સ્વાદિષ્ટ પૌષ્ટિક્તાથી ભરપૂર આહાર માનવીના જીવન માટે અત્યંત આવશ્યક છે. આયુર્વેદ અનુસાર આહાર એવો હોવો જોઈએ કે જે વ્યક્તિની ભૂખ સંતોષવાની સાથે તેનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવામાં મદદ કરે. મોસમ પ્રમાણે આહાર લેવાથી તન-મન આનંદિત બની જાય છે. તો ચાલો આજે આપણે એક એવા આહાર વિશે જાણકારી મેળવીએ જેની ખ્યાતિ તેના પોષક ગુણોને લીધે દેશ-વિદેશમાં ફેલાઈ ગઈ છે. જેને નાચણી કે રાગી તરીકે ઓળખવામાં આવે છે.
રાગીની શરૂઆત આફ્રિકાથી થઈ છે તેવી માહિતી મળે છે. તેનો પાક યુગાન્ડા, ઈથોપિયામાં હજારો વર્ષ પહેલાં થતો હતો. ભારતમાં તેની ખેતી લગભગ 4000 હજાર વર્ષ પહેલાં થતી હતી. હડપ્પન સભ્યતાના અવશેષો મેળવવાં જે ખોદકામ થયું તેમાં રાગીનો પાક લેવાતો હશે તેવા સંકેત મળ્યા હતા. રાગી એક સમયે અત્યંત લોકપ્રિય કડધાન્ય ગણાતું. ધીમે ધીમે લોકોના આહારમાંથી તે વિસરાતું ગયું. વર્તમાનમાં નિષ્ણાત આહાર તજજ્ઞો દ્વારા તેની પૌષ્ટિક્તા વિશે જાણકારી મળવા લાગી છે. જેને કારણે હાલમાં તેનો ઉપયોગ યુવાનો દ્વારા મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે.
નાચણીના દાણા દેખાવમાં એકદમ નાના રાઈ જેવા હોય છે. જેનો રંગ લાલ હોય છે. રાગીનો પાક પ્રત્યેક મોસમમાં ઓછા પાણીએ મળે છે. રણ પ્રદેશમાં પણ રાગી સરળતાથી પાકે છે. દેખાવમાં તેનો લોટ થોડો કાળાશ પડતો હોય છે, પરંતુ તેમાં થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી કૉમ્પલેક્સની ભરપૂર માત્રા સમાયેલી હોય છે. જે પાચનક્રિયાની સાથે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે.
રાગીમાં ફાઈબર, કૅલ્શ્યિમ, આયર્ન, મૈગ્નેશ્યિમ જેવા અતિ-આવશ્યક ખનીજ તત્ત્વો સમાયેલાં છે. જેથી અનેક આહાર પ્રત્યે સજાગ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. ગ્લૂટેન મુક્ત આહાર હોવાથી સીલિએક રોગની સમસ્યા હોય તેવાં વ્યક્તિ માટે ગુણકારી ગણાય છે. પિત્તદોષની પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ અથવા તો ગરમીમાં શરીરને શીતલતા મળી રહે તે માટે રાગીનો ઉપયોગ કરવો જોઈએ. પાચનક્રિયા વખતે પિત્તને કારણે ગરમી તથા ખાટા ઓડકારથી બચાવે છે.
આયુર્વેદિક ગ્રંથ ચરકસંહિતામાં રાગીના લાભ વિશે અનેક સકારાત્મક વાતો લખાયેલી છે. સંતુલિત આહારને કારણે તંદુરસ્ત સ્વાસ્થ્ય મેળવવામાં પડતી સરળતાનો ઉલ્લેખ જોવા મળે છે. આયુષ્ય વધારનાર અનાજ તરીકે તે ઓળખાય છે. રાગીને વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે જેમ કે સંસ્કૃતમાં મધૂલિકા કે નર્તક, હિન્દીમાં મંડુઆ મકરા, અંગ્રેજીમાં ફિંગર મિલેટ, ગુજરાતીમાં પાગલી, નાવતોનાગલી જે હવે નાચણી તરીકે ઓળખાવા લાગી છે. પંજાબીમાં ચાલોડરા કે કોદા, મરાઠીમાં નાચણી કે નચીરી, રાજસ્થાનમાં રાગી, આસામીમાં મરૂબા ધાન.
રાગીના મૂઠિયા
1 કપ રાગીનો તાજો લોટ, 1 કપ ઘઉંનો જાડો લોટ અથવા 1 કપ રવો, 1 મોટી વાટકી મેથીની ભાજી, 1 નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર, 1 વાટકી દહીં, 1 નાની ચમચી તલ, 2 ચમચી ખાંડ, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી હિંગ, 1 નાની ચમચી હળદર, 2 નાની ચમચી ધાણાજીરું, 2 ચમચી વાટેલાં આદું-મરચાં-લસણ, 2 મોટી ચમચી તેલ મોણ માટે, 2 મોટી ચમચી તેલ વઘાર માટે, વધાર માટે રાઈ, મીઠો લીમડો, હિંગ, તલ તથા સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત: સૌ પ્રથમ રાગીનો લોટ તથા ઘઉંનો જાડો લોટ એક કથરોટમાં લેવો. તેમાં 2 ચમચી તેલનું મોણ ઉમેરવું. ત્યારબાદ તેમાં આદું-મરચાં-લસણ, સ્વાદાનુસાર મીઠું, ખાંડ, હળદર, ધાણાજીરું, હિંગ ભેળવીને હલાવી લેવું. ત્યારબાદ તેમાં મેથીની ભાજી, ઝીણી સમારેલી કોથમીર ભેળવીને આવશ્યક્તા મુજબ દહીંથી લોટ થોડો ઢીલો બાંધવો. તેના ગોળા વાળી લેવાં, પ્રેશરકુકરમાં 3 સિટી વગાડવી. ગરમાગરમ મૂઠિયાને વઘારીને ઉપરથી કોથમીર-તલથી સજાવીને લીલી ચટણી સાથે પીરસવા.
રાગીના આરોગ્યવર્ધક ગુણો
વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી: રાગીમાં ટ્રિપ્ટોફૈન એમિનો એસિડ ભૂખ ઘટાડવામાં ઉપયોગી ગણાય છે. મેટાબોલિઝમને સુધારવામાં રાગીમાં સમાયેલું ફાઈબર મદદ કરે છે. રાગીમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. જેથી તેનો આહારમાં ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે. જેને કારણે વારંવાર ખાઈને કૅલેરી વધારવાની આવશ્યક્તા રહેતી નથી. જેમને વારંવાર કાંઈને કાઈ ખાવાની આદત હોય કે પછી ફાસ્ટફૂડની દિવાનગી હોય તેમને માટે રાગીનો વિકલ્પ શ્રેષ્ઠ પર્યાય બની શકે છે.
હાડકાં મજબૂત બનાવવામાં ગુણકારી : હાડકાંની તંદુરસ્તી જાળવવામાં મુખ્ય ભૂમિકા કૅલ્શ્યિમની હોય છે. રાગીમાં કૅલ્શ્યિમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. રાગીનું વિવિધ રીતે નિયમિત સેવન હાડકાંને બરડ બનતાં અટકાવે છે. 100 ગ્રામ રાગીમાં 344 મિલીગ્રામ કૅલ્શ્યિમ સમાયેલું હોય છે. જે હાડકાંના ઘનત્વને જાળવી રાખવામાં મદદ કરે છે. રાગીના સ્વાસ્થ્ય લાભ વિશે પૂરતાં વૈજ્ઞાનિક પ્રમાણ હોવાની સાથે આયુર્વેદના સિદ્ધાંતોની સાથે તેનો મેળ બેસે છે.
કબજિયાતથી રાહત: રાગીમાં ડાયેટરી ફાઈબરની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. 100 ગ્રામ રાગીની રોટીમાં 11.5 ગ્રામ ડાયેટરી ફાઈબર સમાયેલું હોય છે.જેથી રાગીની રોટી કે રાગીનો ઢોંસો ખાવાથી તેનું પાચન સરળતાથી કરી શકાય છે. જેને કારણે લાંબા સમયથી ચાલી આવતી કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે. માનસિક તાણ કે ઉજાગરાને કારણે કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે રાગીનો આહારમાં ઉપયોગ વધુ કરવો જોઈએ.
બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં લાભકારી: વૈજ્ઞાનિક શોધ દ્વારા એવું જાણવા મળે છે કે રાગીમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાથી તેના રેચક ગુણો રક્તવાહિનીને બંધ થતાં કે લોહી ગંઠાઈ જતાં રોકવામાં મદદ કરે છે. જેને કારણે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ઍનિમિયાની તકલીફમાં ઉપયોગી : રાગી આયર્નથી સમૃદ્ધ ધાન ગણાય છે. 100 ગ્રામ રાગીમાં 3.2 મિલિગ્રામ આયર્ન સમાયેલું હોય છે. ઍનિમિયાનું મુખ્ય કારણ શરીરમાં આયર્નની ઊણપ ગણાય છે. થોડું કામ કરવાથી અશક્તિ આવી જવી કે શરીર સફેદ બની જવું જેવી સમસ્યા હોય તેમણે લોહીમાં આયર્નની માત્રા અચૂક તપાસ કરાવવી જોઈએ. રાગીનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવાથી ઍનિમિયાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
ત્વચાને મુલાયમ રાખવામાં મદદરૂપ : રાગીમાં મેથિઓનિન, ટ્રિપ્ટોફૈન તથા લાઈસિન જેવા એમિનો એસિડ સમાયેલાં છે. જે ત્વચાના ટીસ્યૂને નુકસાન થતાં બચાવે છે. ત્વચાના કૉલેજનને વધારવામાં મદદ કરે છે. જેને કારણે ત્વચાની મુલાયમતા જળવાઈ રહે છે. અનેક વખત વય વધવાની સાથે કે ત્વચા સૂકી પડી જવાને કારણે ત્વચા ઉપર કરચલી દેખાવા લાગે છે. જે રાગીનો આહારમાં ઉપયોગ કરવાથી ટાળી શકાય છે.
બાળકો માટે લાભદાયી : રાગીમાં કૅલ્શ્યિમનું પ્રમાણ વધુ હોવાથી બાળકોના સંપૂર્ણ વિકાસ માટે આવશ્યક ખનીજ ગણાય છે. જે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે લાભકારક ગણાય છે. હાડકાંને મજબૂત બનાવવાની સાથે રાગીમાં સમાયેલું પ્રોટીન કુપોષણની અસર ધરાવતાં બાળકો માટે અત્યંત આવશ્યક આહાર ગણાવી શકાય.
ડાયાબિટીસમાં લાભકારી : રાગીની રોટલી કે રાગી ઢોસો ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન ગણાવી શકાય. રાગીમાં ફાઈબરની ઉચ્ચ માત્રા હોવાથી તે લોહીમાં શર્કરાની માત્રા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વળી કૅલ્શ્યિમ, ઍન્ટિ-ઓક્સિડન્ટ, ફાઈટોકેમિકલનું પ્રમાણ ભરપૂર સમાયેલું હોય છે. જે પાચનમાં ધીમું ગણાય છે. જેને કારણે લોહીમાં રક્ત-શર્કરાની માત્રા લાંબા સમય સ્થિર રાખવામાં મદદ કરે છે. રાગીનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો છે. તેનો અર્થ એવો થાય છે કે રાગીનું સેવન કર્યા બાદ લોહીમાં શર્કરાની માત્રા ધીમે-ધીમે છોડે છે, જેને કારણે ઍનર્જી લેવલ જળવાઈ રહે છે. કારણે બ્લડશુગરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. તેથી જ મધુમેહના દર્દીઓને માટે રાગીનો આહારમાં ઉપયોગ આવશ્યક તથા ગુણકારી ગણાય છે.
રાગીનું સેવન કઈ રીતે કરી શકાય : રાગીનો આહારમાં સમાવેશ વિવિધ રીતે કરી શકાય છે. જેમ કે રાગી દલિયા: રાગીના દલિયા એટલે કે રાગીને રાત્રે પાણીમાં પલાળીને તેને સવારે બાફી લેવાં. તેમાં દૂધ-ખાંડ ભેળવીને ખાઈ શકાય. ઘીમાં જીરું-મીઠો લીમડો હિંગનો વઘાર કરીને સ્વાદાનુસાર મીઠું-વાટેલાં આદું-મરચાં ભેળવીને કોથમીરથી સજાવીને ઉપયોગમાં લઈ શકાય. દહીં સાથે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
રાગીના ઢોંસા કે રોટલી : રાગીના લોટને નવશેકા પાણીથી બાંધીને શુદ્ધ ઘી 1 ચમચી ભેળવીને બરાબર કેળવીને ગરમાગરમ રોટલી બનાવીને ખાઈ શકાય. રાગીના ઢોંસા બનાવીને તેનો આનંદ માણી શકાય. રાગીનો ઉપમા, રાગીની ઈડલી વગેરે બની શકે છે.
રાગીનું પીણું : રાગીના લોટને થોડો શેકીને તેમાં દૂધ કે પાણી ભેળવીને તેનું પીણું બનાવીને પીવું જોઈએ. જે નાના-મોટા પ્રત્યેક વ્યક્તિને માટે પૌષ્ટિકતાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
રાગી લાડુ: રાગીના લોટને શેકીને તેમાં સૂકોમેવો અધકચરો વાટીને ગોળના લાડુ બનાવીને ખાવાનો એક હટકે આનંદ છે.
મિક્સ રાગી-બાજરો-ચોખા-મગની દાળ: રાગીની સાથે વિવિધ કડધાન્ય જેવાં કે બાજરો-મગની દાળ-જુવાર-ચોખા પ્રત્યેકને 3-4 કલાક પલાળીને તેની સ્વાદિષ્ટ ખીચડી બનાવીને એક સમતોલ આહાર ગ્રહણ કર્યાનો સંતોષ મેળવી શકાય છે.
રાગીના મૂઠિયાં, રાગીની સેવ, રાગીની ગોળપાપડી વગેરે બનાવી શકાય છે. બજારમાં રાગીના ખાખરા સરળતાથી મળી રહે છે.