નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા થોડા સમયથી ચર્ચામાં છે. પંજાબની આમ આદમી પાર્ટી સરકારે રાઘવ ચઢ્ઢાની સિક્યોરિટી પરત લઈ લીધી છે, જે બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઝેડ સિક્યોરિટી આપવામાં આવી છે. દિલ્હી અને પંજાબમાં રાઘવ ચઢ્ઢાને ઝેડ સિક્યોકિટી મળશે, જ્યારે અન્ય જગ્યાએ વાય પ્લસ સિક્યોરિટી મેળશે. સૂત્રો મુજબ આઈબીના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જ રાજ્યસભમાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવ્યા હતા અને ગૃહમાં બોલવા પર પણ રોક લગાવાઈ હતી. તેના સ્થાને આમ આદમી પાર્ટીએ અશોક મિત્તલને રાજ્યસભામાં પક્ષના ઉપનેતા બનાવ્યા હતા.
ઝેડ સિક્યોરિટીમાં કેટલા જવાન તૈનાત હોય છે
રાઘવ ચઢ્ઢાને ઝેડ સિક્યોરિટી મળ્યાની ચર્ચા છે. જેમાં સરકાર દ્વારા 22 સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવે છે. તેમાં 4 થી 6 નેશનલ સિક્યોરિટી ગાર્ડ કમાન્ડો હોય છે. ઉપરાંત દિલ્હી પોલીસી, આઈટીબીપી કે સીઆરપીએફના જવાન અને સ્થાનિક પોલીસકર્મી પણ સામેલ હોય છે. આ એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા કવચ છે.
ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી વચ્ચે ઘણા લાંબા સમયથી અંતર વધી રહ્યું હતું. જે બાદ પક્ષ દ્વારા તેને સોંપવામાં આવેલી જવાબદારી પરત લેવામાં આવી હતી. પોતાના પર થઈ રહેલા આરોપોને તેમણે વીડિયો દ્વારા જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં તેમને બોલતા અટકાવવા પર કહ્યું હતું કે, મને ચૂપ કરાવી શકાય છે પરંતુ હરાવી નહીં શકાય.
અરવિંજ કેજરીવાલ, સંજય સિંહ જેવા પક્ષના મોટા નેતાઓ જેલમાં ગયા બાદ રાઘવ ચઢ્ઢાએ આ મુદ્દે કોઈ વાત કરી નહોતી. તેમનું અકળ મૌન પક્ષને ખૂંચ્યું હતું. જોકે તેમણે તે સમયે આંખની સારવાર માટે વિદેશ ગયા હોવાનું જણાવ્યું હતું.