Thu Apr 23 2026

Logo

જ્ઞાનમ્ મનુજસ્ય તૃતીય નેત્રમ્ આવતીકાલે ‘વિશ્વ પુસ્તક દિવસ’ છે ત્યારે આવો, આજે પુસ્તકો વિશે વાત કરીએ...

2026-04-22 16:26:53
Author: વિઠ્ઠલ વઘાસિયા
Article Image

મગજ મંથન - વિઠ્ઠલ વઘાસિયા

ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર - નિબંધ લેખક મણિલાલ દ્વિવેદી સન 1898માં સ્વધામ સિધાવ્યા. એ પહેલાં તેમણે લખેલા એક નિબંધ ‘વાચન’માં પોતાની મનોવ્યથા આ રીતે ઠાલવી છે:     

‘આજકાલ સમાજમાં લોકો વાંચતા નથી, વાંચે છે તો ઉપરછલ્લું. બસમાં, રેલવેમાં સમય પસાર કરવાના હેતુથી છાપાં કે ચોપાનિયાં જેવું સાહિત્ય વાંચે છે. ક્યારેક સંક્ષિપ્ત પ્રકારનું સાહિત્ય વાંચી સંતોષ માને છે. ગ્રંથો-મહાગ્રંથો તો વાંચવાની વાત જ દૂર રહી! આમ આજનો સમાજ પલ્લવગ્રાહી પાંડિત્યથી વિશેષ કશું મેળવતો નથી...’

સવા શતાબ્દી પૂર્વે કહેલી આ વાતના સર્જક આજે હયાત હોત અને આજની વાચન દરિદ્રતા જોત તો કેવા દુ:ખી થાત ?

 ગ્રંથનો પંથ તો ખૂબ જ ગૌરવવંતો છે. તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વ વિખ્યાત વિદ્યાલયોમાં એવાં વિશાળ અને સમૃદ્ધ ગ્રંથાલયો હતાં કે એમાંના મૂલ્યવાન ગ્રંથોની ખ્યાતિ સમગ્ર એશિયામાં ફેલાઈ હતી. દૂર દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓ અને જ્ઞાન પિપાસુ ત્યાં અભ્યાસ માટે જતાં. મુદ્રણ યુગની શરૂઆત પહેલાં પ્રાચીન ભારતની વિદ્યાપીઠોમાંથી અમૂલ્ય ગ્રંથોની નકલ ઉતારવા માટે કેટલાક ચીની વિદ્વાનો ભારતમાં આવેલા. આ બધા બૌદ્ધ સાધુઓએ વર્ષો સુધી મહેનત કરીને કેટલાક ઉત્તમ ગ્રંથોની નકલ કરી હતી. જ્યારે પાછા ફરતા હતા ત્યારે દરિયો પાર કરતી વખતે તોફાન ઉપડે છે. ગ્રંથ ભંડારના ભારને લીધે વહાણ ડૂબી જવાનો ભય ઊભો થાય છે. બે જ વિકલ્પ બચે છે: ગ્રંથોનો ભંડાર દરિયામાં ફેંકવો અથવા પ્રવાસીઓનો બોજ ઓછો કરવો. કહેવાય છે કે જ્ઞાનના ભંડાર સમા ગ્રંથો દરિયામાં ફગાવી દેવાને બદલે આ બૌદ્ધ સાધુઓએ જળસમાધી લેવાનું પસંદ કર્યું હતું... આ પુસ્તક પ્રેમની ઈતિહાસે સુવર્ણ અક્ષરે નોંધ લીધી છે. 

  સદ્ગ્રંથ વાચન એ જીવન ઘડતરની પારાશીશી છે. એનું વાંચન માણસને શિક્ષિત અને દીક્ષિત બનાવે છે. ગાંધીજી આફ્રિકામાં હતા ત્યારે તેમણે રસ્કીનનું પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ વાંચીને તેમાંથી સર્વોદયની પ્રેરણા મેળવેલી તો વળી ગાંધીજીનો આધ્યાત્મિક અભિગમ ટોલ્સટોય રચિત ‘કિંગડમ ઓફ ગોડ ઈસ વિધિન ધાય સેલ્ફ’ અર્થાત્ ‘વૈકુંઠ તારા હૃદયમાં છે.’ વાંચીને કેળવાયો હતો. ભગવદ્ ગીતા વાંચીને ગાંધીજીએ કહેલું કે, ‘આ અમૂલ્ય ગ્રંથ છે. મારા નિરાશાના સમયે આ તત્ત્વજ્ઞાનના ગ્રંથે મને ખૂબ મદદ કરી છે.’

કહેવાય છે કે નેપોલિયનનો પુસ્તક પ્રેમ અદ્ભુત હતો. તે જ્યારે યુદ્ધમાં જતો ત્યારે પુસ્તકોને પણ સાથે રાખતો. યુદ્ધવિરામ વખતે પુસ્તકો વાંચીને વિરામ મેળવતો. નેપોલિયન કહે છે કે,‘યુદ્ધની વચ્ચે અડગ રહેવાનું મનોબળ અને અશક્ય શબ્દ જ ન હોવાની સમજણ પુસ્તકોમાંથી મળી છે.’

  એસિગિલિયોને જ્યારે મુસોલીની દ્વારા જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે કેદમાં પણ થોડાં પુસ્તકો વાંચવા મળે તેવી વિનંતી કરેલી. તેમણે પાતંજલ યોગસૂત્રોનું પુસ્તક વાંચી હર્ષ પામી નોંધ લખેલી કે, ‘આ અતિ ઉમદા ગ્રંથ છે. જેનું નામ લેતા મરણ સુધરે એવા મહર્ષિ પતંજલિ છે. જીવનને પ્રતિપળ જીવંત બનાવે તેવું આ પુસ્તક છે.’

  ભારતીય જીવન પ્રણાલીમાં ગ્રંથોનો મહિમા અનેરો છે. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહૈમ વ્યાકરણ તૈયાર કરી તેની પોથીને હાથી ઉપર સોનાની અંબાડીમાં મૂકીને પાટણમાં ફેરવેલી. જ્ઞાનપંચમીના દિવસે પોથીનું પૂજન કરેલું. માનવ સમાજ પર પ્રભાવ પાડવાની પુસ્તકોની શક્તિ પ્રબળ છે. કાર્લ માર્કસના પુસ્તક ‘દાસ કેપિટલ’ને કારણે જ જગતભરમાં સામ્યવાદની વિચારણા ફેલાયેલી. સરસ્વતીચંદ્ર ગ્રંથમાં પંડિત યુગના ગુજરાત - ભારતનું જીવનચરિત્ર છે. તેના દ્વારા લેખકનો આશય ભારતની પ્રજાને ઉત્થાન માર્ગે લઈ જવાનો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર થવા માટે જ્યારે વિલાયત ગયેલા, ત્યારે ત્યાં તેઓ પોતાના રહેણાંકથી બાર માઈલ દૂર ચાલીને પુસ્તકાલય જતા. પુસ્તકાલય બંધ થવાના સમયની જાણ ત્યાંનો પટાવાળો કરતો ત્યારે તે ઘેર જતા.

અરબસ્તાનનો લોરેન્સ નામનો માણસ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના પુસ્તકાલયના પચાસ હજાર પુસ્તકો છ વર્ષમાં વાંચી ગયેલો. પ્રાધ્યાપક ઓર્નોલ્ડ બેનોટ (ઓર્ટલેન્ડ) દર ચોવીસ મિનિટે એક નવલકથા વાંચી શકતા. રજાના દિવસે છ નવલકથા વાંચી જતા. મેકોલે જમવાના સમય સિવાય ભાગ્યે જ કોઈ સાથે વાત કરતા. 1836માં ભારત આવ્યા એ પહેલાં તેમણે એ ગ્રીક, ઈટાલિયન, સ્પેનિશ, લેટિન, ફ્રેન્ચ, અંગ્રેજી જેવી તમામ ભાષાના તમામ પુસ્તકો વાંચી લીધાં હતાં.

વૈજ્ઞાનિક માઈકલ ફેરેડ એક ગરીબ કુટુંબમાં જન્મેલાં. એક બાઈન્ડરને ત્યાં પૂંઠાં ચડાવવાની કામગીરી કરતાં - કરતાં તેમનાં વાચન પ્રેમે તેમનો ભેટો મહાન વૈજ્ઞાનિક હમ્ફી ડેવિડ સાથે કરાવ્યો. હમ્ફી ડેવિડના માર્ગદર્શન વડે જ તેઓ જબરા વૈજ્ઞાનિક બની શક્યા.

સર થોમસ ફિલિપના એક લાખ પુસ્તક સંગ્રહને ખસેડવા માટે 1836માં 103 જેટલા વેગનની જરૂર પડેલી.

આમ, સદ્ગ્રંથ વાચન એ જ્ઞાન પ્રાપ્તિ અને સમસ્યા ઉકેલ માટેનું ઉત્તમ સાધન છે. શબ્દોનો મહાસાગર છે.

ઉપયોગિતાની બોલબાલામાં અટવાયેલો યંત્ર યુગનો આજનો માનવી સમયના અભાવની ફરિયાદ કરે છે. ટી.વી. ફિલ્મ દર્શન અને મોબાઈલ પાછળના કલાકો વેડફાય છે, એની દરકાર નથી. આજનો માનવી પુસ્તક ખરીદીમાં કંજૂસાઈ કરે છે. ભોજનના મેનુ પાછળ સહેજે પાંચસો કે હજાર રૂપિયા ખર્ચવા તેના માટે સામાન્ય છે. અરે નોકરિયાત વર્ગ પોતાના ઈજાફાની રકમ જેટલા પુસ્તકો પણ ખરીદતો નથી.

આપણે સૌ સાથે મળી એક સંકલ્પ લેવા જેવો છે : બહેન રાખડી બાંધે ત્યારે તેમને ભેટ સ્વરૂપે પુસ્તક આપીએ. દીકરીના કરિયાવરમાં પુસ્તકોની એક વધુ બેગ પણ મૂકીએ. સ્વાગત શિષ્ટાચારમાં પુષ્પગુચ્છના સ્થાને પુસ્તક ગુચ્છ આપીને સ્વાગત કરીએ.