Fri Apr 17 2026

Logo

ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાયા અનેક ભારતીય સેલેબ્સ, કોણ છે જાણો?

2026-03-02 17:23:49
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ફાળ પડી છે. આ સૈન્ય સંઘર્ષની અસર હવે મનોરંજન જગત પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને પર્યટન અને કામ અર્થે વિદેશ ગયેલા બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો આ સંકટમાં ફસાઈ ગયા છે. હવાઈ સેવાઓ ખોરવાઈ જવાથી અનેક સેલેબ્સ એરપોર્ટ પર અટવાયા છે, તો કેટલાક કલાકારો સુરક્ષિત સ્થળે રહીને પોતાની સલામતી અને માનસિક સ્થિતિ વિશે સોશિયલ મીડિયા પર ફેન્સને અપડેટ આપી રહ્યા છે.

'રોકસ્ટાર' ફેમ અભિનેત્રી નરગિસ ફાખરી હાલમાં તેના પતિ ટોની બેગ સાથે દુબઈમાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે ડ્રોન અને મિસાઇલ હુમલાના જોખમ વચ્ચે તે ખૂબ જ ડરેલી છે. નરગિસના જણાવ્યા અનુસાર, અનિશ્ચિતતાના કારણે તેનું મગજ સતત 'હાઈ એલર્ટ' પર રહે છે અને તે છેલ્લા બે દિવસથી બરાબર ઊંઘી પણ શકી નથી. સતત ચિંતા અને ભયની લાગણી વચ્ચે તે અત્યારે કોઈ પણ ક્ષણે શું થશે તે વિચારીને અસ્વસ્થ અનુભવી રહી છે.

માત્ર બોલીવુડ જ નહીં, પરંતુ બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી સુભાશ્રી ગાંગુલી પણ તેના પુત્ર સાથે દુબઈમાં ફસાઈ ગઈ છે. સુભાશ્રીના પતિ અને ધારાસભ્ય રાજ ચક્રવર્તીએ કોલકાતામાં મીડિયાને જણાવ્યું કે, જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે સુભાશ્રી વેકેશન માણી રહી હતી. હાલમાં તે હોટલમાં સુરક્ષિત છે, પરંતુ હવાઈ સેવાઓ બંધ હોવાથી તે ભારત પરત ફરી શકી નથી. સુભાશ્રી બંગાળી ફિલ્મ ઉદ્યોગની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાંની એક છે, જેણે 'ચલેન્જ' જેવી અનેક હિટ ફિલ્મો આપી છે.

બીજી બાજું અભિનેત્રી ઈશા ગુપ્તા અને સોનલ ચૌહાણ પણ તે હજારો મુસાફરોની યાદીમાં સામેલ છે જેમના પરત ફરવાના માર્ગમાં ફ્લાઈટ્સ રદ થવાથી અવરોધ આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્તારમાં 700થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. જોકે, ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું કે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં, અધિકારીઓ મુસાફરોને ખાવા-પીવાની અને રહેવાની સુવિધા પૂરી પાડીને સ્થિતિને ખૂબ જ શાંતિથી સંભાળી રહ્યા છે.