હેન્રી શાસ્ત્રી
ચોવીસ વર્ષે બાપુજી બોલ્યા
બાર બાર વર્ષ સુધી ગુફામાં ગોંધાઈ રહેલો બાવો મૌન પાળતો હોવાથી કશું ન બોલે, પણ જે દિવસે બોલે ત્યારે `જા બેટા, દુકાળ પડેગા' એવી અવળવાણી જ બોલે. જોકે, ચીનમાં ચોવીસ વર્ષના વિયોગ પછી અણધાર્યો મિલન યોગ થયો ત્યારે બાપુજીના મોઢામાંથી સવળવાણી - હરખવાણી નીકળી કે `હાઆઆ... આ જ છે મારો દીકરો.' ચીની અખબાર `સાઉથ મોર્નિંગ પોસ્ટ'માં જણાવ્યા અનુસાર જોન્ગ યાનપંગ ચાર વર્ષનો હતો ત્યારે રેલવે સ્ટેશન પર આઈસક્રીમ ખરીદતી વખતે અચાનક ખોવાઈ ગયો હતો.
થોડા સમય પછી કોઈ ભલા માણસનું ધ્યાન પડતા એને બાળ કેન્દ્રને સોંપી દીધો. અહીં એનું નવું નામ પાડવામાં આવ્યું અને ચારેક વર્ષ પછી કેનેડિયન યુગલે એને દત્તક લીધો. જોકે, ત્રણ મહિના પછી જ યુગલના છૂટાછેડા થયા અને બેમાંથી કોઈ ચીની બાળકની જવાબદારી લેવા તૈયાર નહોતું. જોન્ગને ખ્યાલ આવી ગયો કે `અપના હાથ જગન્નાથ' સૂત્ર સાથે જીવ્યા વિના છૂટકો નથી. પગભર થયા પછી અને જીવનમાં સ્થિરતા આવ્યા બાદ ગયા વર્ષે કેનેડામાં રહેતા યુવાન જોન્ગને જન્મ આપનારા માત-પિતાને ખોળી કાઢવાની અદમ્ય ઈચ્છા થઈ.
સોશ્યલ મીડિયામાં રીયુનિયન-પુનર્મિલનની કહાણીઓ વાંચ્યા પછી તો તેણે ગાંઠ વાળી લીધી. બાળક-પરિવારનું પુનર્મિલન કરાવી આપતી એક સંસ્થાની સહાયથી ચીનમાં જોન્ગના ડેડી રહેતા હોવાની જાણકારી મળી. ખાતરી કરવા જોન્ગનું ડીએનએ સેમ્પલ મંગાવવામાં આવ્યું અને પરીક્ષણ પરથી અનુમાન ખાતરીમાં પરિવર્તન થયું. ચીનમાં રહેતા પિતાશ્રીને 28 વર્ષના પુત્રનો ફોટો દેખાડવામાં આવતા `અરે, મારો દીકરો!' એવી હરખવાણી નીકળી અને 24 વર્ષે પિતા - પુત્રનો ફરી મેળાપ થયો.
કેમલની બ્યુટી કોન્ટેસ્ટમાં ચીટિગ
આરબ દેશોમાં બ્યુટી પાર્લરની દુકાન જો શરૂ થાય તો એને બહુ જલદી તાળાં લાગી જાય. કેમ? કેમ કે આરબ સન્નારીઓમાં જન્મજાત સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભર્યું હોય છે. એકવીસમી સદીના આગમન સુધી આરબ દેશોમાં બ્યુટી કોન્ટેસ્ટ નહોતી થતી. એક તો રૂઢિચુસ્ત માનસ અને બીજું કારણ રૂપરૂપના અંબારમાંથી વિજેતા નક્કી કરવું એ હંસલાની વસતિમાંથી સફેદ દૂધ જેવું પક્ષી શોધી કાઢવાની વાત જેવું છે.
જોકે, ઊંટની સૌંદર્ય સ્પર્ધા આરબ દેશોની આગવી પરંપરા રહી છે. સદીઓથી આયોજાતી `કેમલ બ્યુટી કોન્ટેસ્ટ'માં માલિકો પોતપોતાના ઊંટને ચમકતા કોટ પહેરાવી, આંખોને આયલેશથી સુંદર દેખાડવાની કોશિશ સાથે એની ખૂંધ સ્નાયુબદ્ધ અને ગરદન સુડોળ અને લાંબી દેખાય એ અંગે બનતા પ્રયત્નો કરતા હોય છે. તાજેતરના વર્ષોમાં ઊંટનું સૌંદર્ય નિખારવા કોસ્મેટિક્સની મદદ લેવાનું ચલણ વધી રહ્યું છે.
આ વર્ષે બોટોક્સ, લિપ ફીલર્સ, સિલિકોન રીશેપિંગ અને કૃત્રિમ રીતે ખૂંધ ભરાવદાર બનાવી દેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ અતિરેક ધ્યાનમાં આવતા 20 ઊંટને સૌંદર્ય સ્પર્ધા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. સવાલ સાત કરોડનો એ છે કે ઊંટને રૂપાળા દેખાડવા કોસ્મેટિક્સની મદદ શું કામ લેવાતી હશે? જવાબ એમ છે કે બ્યુટી કોન્ટેસ્ટમાં વિજેતા ઊંટને બક્ષિસમાં તગડી રકમ મળે છે. સાથે સાથે એ ઊંટના વેચાણ કે બ્રિડીંગ રાઈટ્સ (એનાથી જન્મતા બચ્ચાની સોંપણી) બાબત પણ સારી કમાણી કરાવી આપે છે. એટલે `માં ઊંટ સૌથી રૂપાળું' એવું ઠસાવવા સૌંદર્ય સ્પર્ધામાં ચીટિગનું પ્રમાણ વધી રહ્યું છે. કવિ દલપતરામ જો આ બધું જુએ તો `ઊંટ કહે આ સભામાં' કાવ્યની નવેસરથી રચના કરે કે નહીં?
રસ્તે રખડતી વાર્તા
`હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા' કેવળ 65 વર્ષ પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ `મહેંદી રંગ લાગ્યો'નું લતા મંગેશકરના સ્વરમાં અવિનાશ વ્યાસ રચિત ભાવનાત્મક ગુજરાતી ગીત નથી. આ ગીત સમાજમાં નિરાધાર નારીની વેદના, સમાજની ક્રૂરતા અને પુષ પ્રધાન વ્યવસ્થામાં સ્ત્રીના શોષણને વાચા આપે છે. જોકે, યુએસના ટેનેસી રાજ્યમાં રહેતો બાવીસ વર્ષનો સેથ નામનો યુવાન સ્વેચ્છાએ `રસ્તે રખડતી વાર્તા' જેવું જીવન જીવી રહ્યો છે.
અલબત્ત, અહીં રખડપટ્ટીનો અર્થ વિહાર કે ભ્રમણ એવો પોઝિટિવ કરવાનો છે. સેથને રખડપટ્ટી નો જબરો શોખ, પણ ન્યુયોર્ક ખર્ચાળ શહેર હોવાથી આખર તારીખને બે-ચાર દિવસની વાર હોય ત્યાં આંખો પહેલી તારીખને કેટલી વાર છે એ શોધવા લાગતી. એટલે નાઈન ટુ ફાઈવ જોબ અને રોજની હડિયાપાટીના જીવનને તિલાંજલિ આપી, `ઘર બસાકે દેખો' સપનાની ગાંસડી વાળી સેથએ એક ટ્રકમાં જ ઘર બનાવી લીધું છે. ભાડાના મોંઘા ઘરની જંજાળમાંથી છૂટેલો સેથ હવે આઝાદ અને રોમાંચક જીવન જીવી રહ્યો છે.
લેટેસ્ટ સર્વે અનુસાર યુએસમાં પાંચ લાખ લોકો ચાર પૈડાંવાળા ઘર (આરવી - રિક્રિયેશનલ વ્હિકલ) માં જીવનનો આનંદ માણી રહ્યા છે. આવી ઈચ્છા વડીલોમાં તો છે જ, હવે યુવાનોમાં વધી રહી છે. જાણકારી અનુસાર 18થી 34 વર્ષના 22 ટકા આરવી માલિક એમાં સામેલ છે. બ્રેકફાસ્ટ બોરીવલી (ન્યુયોર્ક)માં, લંચ સુરત (ન્યુ જર્સી)માં અને ડિનર અમદાવાદ (ફિલાડેલ્ફિયા)માં એવા દિવસનું આયોજન પૈડાંવાળા ઘરને કારણે સેથ માટે શક્ય બન્યું છે.
પડતરમાં ઘડતર: શ્રીમાન કાયાની કાયાપલટ
આજની તારીખમાં સિક્સ્ટી પ્લસની ઉંમર ધરાવતો પુષ વર્ગ એની યુવાનીમાં ટર્કીશ ટોવેલ વાપરી ગર્વ અનુભવતો, કારણ કે એ ટર્કીના એ સુતરાઉ ટોવેલ ટકાઉ અને મોંઘા હતા. ટર્કી, તુર્કી કે તુર્કીયે તરીકે ઓળખાતા અને એશિયા-યુરોપમાં ભૌગોલિક સ્થાન ધરાવતો દેશ તાજેતર ની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને કારણે ખાસ્સો ચર્ચામાં છે. હેરત થાય એવી વાત એ પણ છે કે આ દેશના હિકમત કાયા નામના નિવૃત્ત વન્ય અધિકારીનું નામ પણ ગાજી રહ્યું છે. તેમની 41 વર્ષની મહેનત શબ્દશ: ઊગી નીકળી છે.
એમના પ્રયાસોને કારણે દેશની પચીસ હજાર એકર પડતર જમીનમાં ઘડતર થયું છે અને સૂકી ભઠ જમીને લીલીછમ ચાદર ઓઢી લીધી છે. સોશ્યલ મીડિયા પર શ્રીમાન હિકમત કાયાની એક તસવીર વાયરલ થઈ છે જેમાં તે 1978ના ફોટોગ્રાફ સાથે દેખાઈ રહ્યા છે. એમાં ઉજ્જડ, વેરાન પ્રદેશ દેખાઈ રહ્યો છે અને આજે એ જ જગ્યા પર લીલુડી ધરતી આંખ અને હૈયાને ટાઢક આપતી નજરે પડે છે.
વન વિભાગની નોકરી દરમિયાન હિકમત કાયાએ સાથી કર્મચારી અને ખાસ તો આસપાસના ગામડાના રહેવાસીઓની મદદથી વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કર્યો. સુંદર સાથ-સહકાર મળવાથી વીસેક વર્ષમાં ત્રણ કરોડ રોપા લગાવ્યા. નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ તરીકે આ જ કામ ચાલુ રાખ્યું. જનતા આજે વનરાજીને ગૌરવ ગણી એની જાળવણી કરે છે. વિસ્તારની કાયાપલટ કરી દેનારા હિકમત કાયા મેળવેલી સિદ્ધિના ગુણગાન ગાવાને બદલે આ હરિયાળી ભાવિ પેઢીની છે એમાં સંતોષ માને છે.
લ્યો કરો વાત
ગુજરાતીઓ પત્નીને વાવઝોડા તરીકે ઓળખવા માટે જાણીતા છે. ન હોય ત્યારે શાંતિ અને આવે એટલે ધમાચકડી એવું સાચું-ખોટું આળ પત્નીના માથે મૂકવામાં આવતું હોય છે. વિદેશમાં કુદરતી વાવાઝોડા સાથે સેલિબ્રિટીનાં નામ જોડવાની મજેદાર પ્રથા છે.યુકેમાં આવતા વાવાઝોડા માટે વેધશાળા સમક્ષ ઈલોન ગસ્ટ (અબજોપતિ ઈલોન મસ્ક પરથી) અને જુડી ડ્રેન્ચ (જેમ્સ બોન્ડની ફિલ્મોમાં `એમ'- બ્રિટિશ સિક્રેટ સર્વિસના ચીફ) સહિત કેટલાંક નામ જનતાએ રજૂ કર્યા છે.
મસ્કનું અત્યાર સુધીનું પરફોર્મન્સ વાવાઝોડાના વિશેષણને સાર્થક કરે એવું પણ છે. 2015થી જનતાને પસંદગીનું નામ સૂચિત કરવાની તક અપાય છે જેમાંથી 20 નામ પસંદ કરવામાં આવે છે. સિવાય બ્રિટિશ વડા પ્રધાનના નામ પરથી `કીર સ્ટોર્મર', રાજવી પરિવારના પ્રિન્સ એન્ડ્રુ પરથી `સ્ટોર્મ પ્રિન્સ એન્ડ્રુ', સુપરહિટ ફિલ્મ `ફિફટી શેડ્સ ઓફ ગ્રે' પરથી `ફિફટી શેડ્સ ઓફ રેઈન' વગેરેનો સમાવેશ થાય છે.