પ્રજામત

પ્રજામત

દ્વિશતાબ્દીની ખૂબ ખૂબ મંગલ કામના!

ખૂબ ખૂબ અભિનંદન. ભાગ્યે જ કોઈ વર્તમાનપત્રએ આવી દ્વિશતાબ્દી ઉજવી હોય. મુંબઈ સમાચાર ખૂબ ભાગ્યશાળી વર્તમાનપત્ર છે. અમે વર્ષોથી આ જ પેપર વાંચીએ છીએ ને આપ જે પૂર્તિ આપો છો તે ખૂબ સુંદર હોય છે. આવા સુંદર લેખો જમા કરી વર્ધા મારી સહેલીને મોકલું છું. તે પણ આ લેખો વાંચી ખૂબ ખુશ થાય છે. વિશેષ વ્યક્તિનો મોબાઈલ નંબર કે સરનામું આપો તો સમાજ સેવા કરનારની સાંકળ બંધાય ને કામ વિસ્તરે. આમ આ સૂચનને ધ્યાનમાં રાખી યોગ્ય કરવા વિનંતી.
૧૪ જૂનનો પ્રોગામ ખૂબ માણ્યો. કામાસાહેબ સારા માણસ પારખું છે. મોદીના વડા પ્રધાન બનવા અગેની તેમની ભવિષ્યવાણી સાચી પડી. આ પ્રસંગે મોદીજીએ ઉપસ્થિત રહી ‘મુંબઈ સમાચાર’નું ગૌરવ વધાર્યું. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. શોભિત દેસાઈએ ખૂબ સુંદર સંચાલન કર્યું, અભિનંદન.
– મધુકાન્તા દોશી, સાંતાક્રૂઝ (વેસ્ટ)
જન્મદિવસની શુભકામના
“મુંબઈ સમાચારના ૨૦૦મા જન્મદિવસે આપને, આપના તમામ સાથીદારો તથા તમામ વાચકવર્ગને હાર્દિક અભિનંદન! એશિયાના સૌથી જૂના વર્તમાનપત્ર માટે સમસ્ત ગૌરવ ગુર્જરી પરિવાર ગૌરવ અનુભવે છે. ધન્યવાદ!
– વસંત ઉપાધ્યાય, પ્રમુખ- ગૌરવ ગુર્જરી, મુંબઇ.
——–
૨૦૦ વરસ-ડબલ સેન્ચુરી

જુગ જુગ જીઓ “મુંબઈ સમાચાર
૧લી જુલાઇ એટલે “મુંબઈ સમાચારઅખબારની જન્મજયંતી અને અષાઢી બીજ એટલે કચ્છીઓનું ‘નૂતન વરસ’ આ બન્ને પ્રસંગોની ઉજવણીરૂપે “મુંબઈ સમાચાર અખબારના માલિકો-ટ્રસ્ટીઓ-તંત્રીઓ તેમ જ કામગારો અને વાચકોને ભદ્રા-વસંત ગડાના જજા જજા જુવાર (ખીર છે).
અખબારી આલમમાં દીવા સ્વપ્ન જેવી લાગતી વાત શહેનશાહોના શહેનશાહ “મુંબઈ સમાચારપત્રએ આજે પૂરી કરી છે એ માટે ખોબલે-ખોબલે અભિનંદન.
વરસોથી સમાચાર પત્રોની હરીફાઇનાં ચડતી-પડતીના વ્હેણમાંથી બહાર નીકળી સમાચારોમાંથી કયા સમાચારને અગત્યતા આપી તાજામાં તાજા સમાચારથી વાચકના દિલમાં ઉતરવું સહેલું નથી, પરંતુ સમ્રાટોના સમ્રાટ એવા ‘મુંબઈ સમાચાર’ ૨૦૦ વરસ સુધી વાચકોને જકડી રાખી આ કામ કરતું આવ્યું છે.
આવા અખબારી આલમનાં મુરબ્બી ‘મુંબઈ સમાચાર’ માટે એટલું જ કહીશું કે “તુમ્હે ઔર કયા દું મૈં દિલકે સિવાય, કે તુમ કો હમારી ઉમર લગ જાયે.
– વસંતલાલ એન. ગડા (ભેલપુરી)
– ભદ્રાબેન વસંતલાલ ગડા
કાંદિવલી (વેસ્ટ).
જન્મ દિવસ મુબારક
અત્યારે ૭૩ વર્ષનો છું. જ્યારથી અખબાર વાંચવાની શરૂઆત કરી છે. ‘મુંબઈ સમાચાર’ની આદત પડી ગઇ છે. હૈદરાબાદ રહું છું એટલે ફિઝિક્લ પેપર મળતું નથી. ઇ પેપરથી ચલાવવું પડે છે. ફરી એકવાર અભિનંદન.
– જિતેન્દ્ર શાહ, હૈદરાબાદ.
——–

૨૦૦માં વર્ષે લાખ લાખ અભિનંદન

જમ્યા પછી ઓડકાર આવે એમ સવારમાં ‘મુંબઈ સમાચાર’ હાથમાં ન આવે તો છાપાવાળાનું આવી બને. સવારમાં પુરુષોને ઊઠતાંવેંત ચા-ભલે અડધો કપ મળે પણ ચા પ્રથમ જોઇએ અને કપથી ગરમ ગરમ ચા પીતાં પીતાં હાથમાં ‘મુંબઈ સમાચાર’ હોય જ. આવી ‘મુંબઈ સમાચાર’ એક ખાસ આદત પડી ગઇ છે.
આજે ‘મુંબઈ સમાચાર’ ૨૦૦મી જન્મજયંતી પ્રસંગે ખોબલેખોબલે અભિનંદન. મને આજે ૮૧મું વર્ષ ચાલે છે. લગભગ હું ૩૦/ ૩૨ વર્ષનો હતો ત્યારથી ‘મુંબઈ સમાચાર’ વાંચતો. ૧૯૬૫ મારો પ્રથમ લેખ “એક હતો રાજા વિભાગમાં “કહેવતની સાઠમારી આવી અને મને પ્રોત્સાહન મળ્યું લખવાનું. આજે ભલે હું મોટો લેખક નથી પણ થોડું ઘણું લખાણ-વાર્તા-ટુચકા લખી શકું છું. જે ‘મુંબઈ સમાચાર’, ગુ ડ્ઢ સ, તેમ જ અમારાં “ઘોઘારી જૈન દર્પણમાં આવે છે જેના પાયામાં ‘મુંબઈ સમાચાર’ છે.
‘મુંબઈ સમાચાર’ ખૂબ ખૂબ પ્રગતિ કરે. સૌ પ્રથમ ‘મુંબઈ સમાચાર’ જે ૩૦ / ૩૫ વર્ષ પહેલાં આવતું એ તાજાં સમાચારને જ મહત્ત્વ હતું. આજે તો કલરવાળાં લેખો-અનેક દેશ-વિદેશનાં ફોટાઓ, દુનિયાની અનેક જાણકારી ‘મુંબઈ સમાચાર’ પીરસી રહ્યું છે. સોમથી રવિવાર રોજ અલગ અલગ વિભાગો આવતાં થઇ ગયા. આ બધો જ યશ ‘મુંબઈ સમાચાર’ના માલિકો-તંત્રી વિભાગને જાય છે. એને મળે છે નાના મોટાં અનેક કાર્યકરો-દરેક વિભાગના સંપાદકો સૌ અભિનંદનને પાત્ર છે. હજી ‘મુંબઈ સમાચાર’ ખૂબ ખૂબ પ્રગતિ કરે એજ પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના.
– જયસુખલાલ ચંપકલાલ વોરા, અંધેરી (ઇસ્ટ).
———
ચિત્તળે ઉદ્યોગ તરફથી શુભેચ્છા

આઝાદી પૂર્વના સમયથી આપ ‘મુંબઈ સમાચાર’ના માધ્યમ દ્વારા સામાજિક માર્ગદર્શન કરો છો. આ માધ્યમ દ્વારા દેશના વિકાસ કાર્યમાં ‘મુંબઈ સમાચાર’નું યોગદાન અમૂલ્ય છે. આપના ૨૦૧મા જન્મદિવસે ચિત્તળે ઉદ્યોગ સમૂહ તરફથી હાર્દિક શુભેચ્છા.
– ગિરીશ ચિત્તળે
પાર્ટનર, ચિત્તળે ઉદ્યોગ સમૂહ
ભારતીય મહિલા ક્રિકેટ જગતની દેવી
મિતાલી રાજ. નામ તો સાંભળ્યું જ હશે. ભારતીય મહિલા ક્રિકેટનો ચહેરો કાયમ માટે બદલી નાખનાર એટલે મિતાલી રાજ. ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં ૨૩ વર્ષ સુધી એકચક્રી નામ પ્રમાણે રાજ કરનારી મિતાલીએ ઘણી ચડતી પડતી જોઇ છે એની કારકિર્દીમાં. દેશની યુવા છોકરીઓને ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવાની પ્રેરણામૂર્તિ બનીને ભારતીય મહિલા ક્રિકેટનો ચહેરો કાયમને માટે બદલી નાખ્યો.
આજથી ૨૩ વર્ષ પહેલાં એક મહિલા ક્રિકેટ જગતમાં પ્રવેશ કરે એ આપણા ભારત દેશમાં સૌથી આશ્ર્ચર્ય જગાડનારું પગલું હતું. જ્યારે પુરુષ ક્રિકેટ આજે અને ત્યારે પણ એટલું જ લોકપ્રિય હતું. ૨૩ વર્ષ પહેલાં કોઇએ ભારતીય મહિલા ક્રિકેટનું ભવિષ્ય આટલું ઉજજવળ થશે એવું નોતું માન્યું. એનો શ્રેય કેવળ મિતાલી રાજને જ જાય છે. મિતાલી રાજના ક્રિકેટ જગતના ત્રણેય ફોર્મેટના આંકડા જોતા એને તો એક જ પદવી આપવી ઘટે ‘લેડી તેન્ડુલકર.’
– રાજેશ બી. ઝવેરી
દાદીશેઠ અગિયારી લેન, મુંબઇ-૪૦૦૦૦૨.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.