Sat May 02 2026

Logo

કોણ બનશે અમદાવાદના નવા મેયર? ભાજપની ભવ્ય જીત બાદ આ નામો છે ચર્ચામાં

2 days ago
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદારોએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્યો હતો. 192માંથી 160 સીટ પર ભગવો લહેરાયો હતો. ભાજપને સતત પાંચમી વાર બહુમતી પ્રાપ્ત થઈ હતી. ભાજપ દ્વારા જીતવામાં આવેલી 9 નવી રચાયેલી સંસ્થાઓ સહિત કુલ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મેયર અને અન્ય પદાધિકારીઓના નામ નક્કી કરવા માટે આ સપ્તાહના અંતમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. અમદાવાદમાં, આ ટર્મ માટે મેયરનું પદ OBC ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે, જેના કારણે સ્પર્ધા વધુ તીવ્ર બની છે.

આ નામો છે મેયરની રેસમાં

થલતેજ વોર્ડમાંથી ચૂંટાયેલા સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન હિતેશ બારોટ આ રેસમાં મોખરે છે. બોડકદેવ વોર્ડના કાઉન્સિલર અને સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન દેવાંગ દાણી પણ અન્ય એક મજબૂત દાવેદાર છે. ફરીથી નામાંકિત થયેલા જસુ ઠાકોર પણ આ સ્પર્ધામાં સામેલ છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે હજુ પણ કોઈ 'સરપ્રાઈઝ' ઉમેદવારની શક્યતા નકારી શકાય નહીં.

ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ થશે નક્કી

શહેર ભાજપ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને ચીફ વ્હિપ માટે સંભવિત નામોની યાદી સુપરત કરશે. પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે અને આવતા અઠવાડિયાની શરૂઆતમાં સામાન્ય સભાની બેઠકમાં નામોની જાહેરાત કરવામાં આવશે.

જ્ઞાતિના સમીકરણો અને સંગઠનને રખાશે ધ્યાનમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પશ્ચિમ વિસ્તારમાંથી મેયરની પસંદગી કરવામાં આવશે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પૂર્વ વિસ્તારના કાઉન્સિલરને મળવાની શક્યતા છે. મેયરનું પદ અનામત હોવાથી, સ્ટેન્ડિંગ કમિટીનું પદ પાટીદાર ઉમેદવારને ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે.

ઘાટલોડિયા વોર્ડના પ્રવીણ પટેલ અને પાલડીના કાઉન્સિલર જૈનિક વકીલ બંને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની રેસમાં છે. જૈનિક વકીલ વિશે ભાજપના એક નેતાએ કહ્યું, કોઈપણ સંજોગોમાં તેમને મહત્વની સમિતિ સોંપવામાં આવશે.

કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા માટેની દોડ

AMCમાં 32 બેઠકો જીતીને કોંગ્રેસે સત્તાવાર વિરોધ પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. હવે વિરોધ પક્ષના નેતા બનવા માટે શહઝાદખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે જંગ છે. આ બંને પ્રમાણમાં યુવાન નેતાઓ છે અને મોટા માર્જિનથી જીત્યા છે. કોંગ્રેસ નેતૃત્વ ટૂંક સમયમાં બેઠક યોજી આ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે.

અમદાવાદમાં ભાજપની જીતનું કારણ

ભાજપ નેતાગીરીએ 60 વર્ષના અને 3 ટર્મ થઈ ગઈ હોય તેવા જૂના કોર્પોરેટરોના સ્થાને નવા ચહેરાને તક આપી હતી. કાર્યકરોની નારાજગી છતાં મોટાભાગના શહેરી મતદારોએ ભાજપમાં જ વિશ્વાસ વ્યક્ત કરી ભાજપના ઉમેદવારોને મત આપ્યા હતા. તેના પરિણામે  ભાજપને બે બિનહરીફ બેઠક સહિત ફરી 160 બેઠક મળી હતી. ભાજપ નેતાગીરીને આ વખતની મ્યુનિ. ચૂંટણીમાં 165 થી 170 બેઠક જીતવાની આશા હતી, પરંતુ ખાડિયા, બાપુનગર અને સરસપુરમાં કુલ મળીને છ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.

ભાજપે તમામ સ્તરે 50% મતો મેળવ્યા

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે તમામ શ્રેણીઓમાં 50 ટકા કે તેથી વધુ વોટ શેર મેળવ્યો છે. રવિવારે યોજાયેલી 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9,986 બેઠકો પર સત્તાધારી પક્ષે મેળવેલી ભવ્ય જીતના એક દિવસ બાદ ચૂંટણી પંચે આ આંકડા પ્રસિદ્ધ કર્યા હતા. 

મ્યુનિસિપલ કોર્પોરેશન : ભાજપને 1,19,01,017 અથવા 59.36 ટકા  મત મળ્યા હતા. કોંગ્રેસ 26.46 ટકા (53,05,082 મત) સાથે બીજા ક્રમે રહી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ (AAP) 10.27 ટકા (20,59,332 મત) મેળવ્યા હતા.

84 નગરપાલિકાઓ : ભાજપે 52.51 ટકા મત (33,30,309) મેળવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસને 30.68 ટકા (19,46,075 મત) મળ્યા હતા. અપક્ષોના ફાળે 9.33 ટકા મત ગયા, જ્યારે AAPને 4.89 ટકા મત મળ્યા હતા

જિલ્લા પંચાયતો : ભાજપે 52.23 ટકા મત (89,71,028) અને કોંગ્રેસે 33.7 ટકા (57,87,715 મત) મળ્યા હતા.

260 તાલુકા પંચાયતો : 5,228 બેઠકો ધરાવતી તાલુકા પંચાયતોમાં ભાજપે 51 ટકા મત મેળવ્યા હતા, જે 86,46,005 મત થાય છે. કોંગ્રેસને  32.89 ટકા મત (55,76,285) પ્રાપ્ત થયા હતા.