બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની 23મી મેચ ગઈ કાલે બુધવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને લખનઉ સુપર જાયન્ટ(LSG) વચ્ચે રમાઈ. RCBએ 5 વિકેટે શાનદાર જીત મેળવી, જેમાં સ્ટાર ખેલાડીએ વિરાટ કોહલી મહત્વની ભૂમિકા ભજવી. વિરાટે 34 બોલમાં 49 રન બનાવ્યા, મેચ બાદ વિરાટે જણાવ્યું કે તે મેચ રમવા માટે સંપૂર્ણપણે ફીટ ન હતો.
વિરાટને પાછલી મેચમાં ઈજા થઇ હતી, ત્યાર બાદ એવી શંકા હતી કે તે LSG સામેની મેચમાં નહીં રમી શકે. LSG સમેની મેચમાં વિરાટ કોહલી એમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો, જેનો લાભ RCBને થયો. વિરાટ 34 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 49 રન બનાવીને આઉટ થયો. વિરાટની બેટિંગ જોઈને લાગી રહ્યું હતું કે ઈજામાંથી સ્વસ્થ થઇ ગયો છે અને સંપૂર્ણપણે ફિટ છે. જોકે, મેચ સમાપ્ત થયા બાદ વિરાટે જણાવ્યું કે તે આ મેચમાં રમવા માટે 100% ફિટ ન હતો.
બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતા વિરાટે કહ્યું, "હું છેલ્લી મેચ કરતાં સારું અનુભવી રહ્યો છું. હું હજુ પણ 100% ફિટ નથી. છેલ્લી મેચમાં મને ઘૂંટણમાં થોડો દુખાવો થયો હતો. છેલ્લા ચાર-પાંચ દિવસથી હું થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યો છું. હાલ હું મારીપહેલા જેવી લયમાં પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજે મારી શરૂઆત સારી રહી."
ગઈ કાલની ઇનિંગ સાથે વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર પહોંચી ગયો છે, તેણે પાંચ મેચમાં 228 રણ બનાવ્યા છે.