Sun May 24 2026

Logo

ફિલિપાઇન્સમાં મોટી હોનારત, વાવાઝોડામાં 9 માળની નિર્માણાધીન ઇમારત તૂટી પડતા 30 મજૂરો દટાયા

મનીલા ઇમારત ધરાશાયી   10 hours ago
Author: Vimal Prajapati
Article Image

મનીલાઃ ફિલિપાઇન્સની રાજધાની મનીલામાંથી એક અત્યંત દુઃખદ અને મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. મનીલાના ઉત્તરી ભાગમાં આવેલા એક શહેરમાં રવિવારે વહેલી સવારે એક નિર્માણાધીન ૯ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાયો ત્યારે ઇમારતમાં મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા હતા, જેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા છે.

યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વિસ્તારમાં આવેલા ભયાનક વાવાઝોડાના કારણે આ નિર્માણાધીન ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને રાહત એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અકસ્માત અંગે સત્તાવાર માહિતી આપતા પોલીસ અને વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડિંગ તૂટી પડતાં જ નાસભાગ મચી ગઈ હતી, જેમાં 22 મજૂરો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. આ અકસ્માત મનિલાના ઉત્તરમાં આવેલા પમ્પંગા પ્રાંતના 'એન્જિલ્સ સિટી'માં થયો છે.

100થી વધુ જવાનોની ટીમો બચાવ કામગીરીમાં લાગી

આ મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, કાટમાળ નીચે ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવા માટે પોલીસ અને અન્ય સરકારી વિભાગોના 100થી વધુ જવાનો અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો સતત બચાવ કામગીરીમાં લાગેલી છે. ઇમારતના કાટમાળ નીચે ચોક્કસ કેટલા લોકો દબાયા છે તેની સત્તાવાર સંખ્યા હજી સામે આવી નથી. જોકે, બિલ્ડિંગ તૂટતી વખતે બહાર નીકળી ગયેલા એક બાંધકામ કામદારે આપેલી માહિતી મુજબ હજુ પણ ઓછામાં ઓછા 30 જેટલા મજૂરો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.

હાલમાં ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવવાની અને અંદર ફસાયેલા લોકો સુધી ઓક્સિજન તેમજ રાહત પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. અતિશય કાટમાળ હોવાને કારણે રેસ્ક્યુ ટીમ સભાળપૂર્વક આગળ વધી રહી છે જેથી અંદર જીવિત બચેલા લોકોને કોઈ નુકસાન ન થાય!