Mon May 25 2026

Logo

ગુવાહાટીમાં વરસાદ પછી વૈભવ નામનો વંટોળ, યશસ્વીની પણ ધમાલઃ રાજસ્થાનના 3/150

1 month ago
Author: Ajay Motiwala
Article Image

PTI


ગુવાહાટીઃ અહીં મંગળવારે વરસાદને કારણે મુંબઈ સામેની રમત બે કલાક અને 40 મિનિટ મોડી શરૂ થયા બાદ રાજસ્થાને પ્રથમ બૅટિંગ મળ્યા પછી નિર્ધારિત 11 ઓવરમાં ત્રણ વિકેટે 150 રન કરીને મુંબઈને 151 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. યશસ્વી જયસ્વાલ (77 અણનમ, 32 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) ટૉપ-સ્કોરર હતો.

મુંબઈએ ફીલ્ડિંગ પસંદ કરી હતી અને રાજસ્થાનના બન્ને ઓપનર્સે (વૈભવ અને યશસ્વીએ) મુંબઈ (Mumbai)ના બોલર્સ પર વરસવાનું શરૂ કરી દીધું હતું. તેમની વચ્ચે પાંચ ઓવરમાં 80 રનની ભાગીદારી થઈ હતી. મૅચનો પ્રારંભ થતાં જ પહેલાં તો રાજસ્થાન (Rajasthan)નો યશસ્વી જયસ્વાલ ત્રાટક્યો હતો અને ત્યાર બાદ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી (39 રન, 14 બૉલ, પાંચ સિક્સર, એક ફોર) છવાઈ ગયો હતો, કારણકે તેણે (વૈભવે) મોસ્ટ ડૅન્જરસ બોલર બુમરાહની બોલિંગમાં પહેલા બૉલથી જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. વૈભવ-બુમરાહ વચ્ચે પ્રોફેશનલ ક્રિકેટમાં પહેલી જ વખત ટક્કર થઈ હતી અને એમાં શરૂઆતમાં વૈભવ મેદાન મારી ગયો હતો.

PTI

વૈભવે કરીઅરમાં બુમરાહનો જે પહેલા બૉલનો સામનો કર્યો એમાં તેમ જ ચોથા બૉલમાં સિક્સર ફટકારી હતી અને એ ઓવરમાં 14 રન બન્યા હતા. એ પહેલાં, યશસ્વીએ દીપક ચાહરની મૅચની પહેલી ઓવરમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી કુલ બાવીસ રન કર્યા હતા. યશસ્વીએ ત્રીજા પેસ બોલર ટ્રેન્ટ બૉલ્ટને પણ નહોતો છોડ્યો અને તેના પહેલા ચારમાંથી ત્રણ બૉલમાં સિક્સર ફટકારી હતી. એ ઓવરમાં પણ બાવીસ રન બન્યા હતા. ત્રણ ઓવરને અંતે રાજસ્થાનનો સ્કોર 0/58 હતો. કૅપ્ટન હાર્દિકે ચોથી ઓવર કરી હતી જેમાં રાજસ્થાનના ઓપનર્સને બે્રક લાગી હતી અને ત્રણ રન થયા હતા. જોકે વૈભવે પાંચમી ઓવર કરનાર શાર્દુલના પ્રથમ બૉલમાં છગ્ગો અને બીજા બૉલમાં ચોગ્ગો ફટકારીને બરસાપારા સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. જોકે એ જ ઓવરમાં વૈભવ વધુ એક ચોગ્ગો માર્યા બાદ છેલ્લા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. વૈભવે 278.57ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા. યશસ્વીનો સ્ટ્રાઇક-રેટ 240.62 હતો.

કૅપ્ટન રિયાન પરાગ હોમ-ગ્રાઉન્ડ પર 20 રનનું જ યોગદાન આપી શક્યો હતો. જોકે એમાં તેની બે સિક્સર અને એક ફોર સામેલ હતી. જુરેલ બે રન કરીને આઉટ થયો હતો અને હેટમાયરના સાત બૉલમાં અણનમ છ રન હતા. મુંબઈના છ બોલરમાંથી અફઘાની સ્પિનર ગઝનફરને બે તથા શાર્દુલને એક વિકેટ મળી હતી. બુમરાહ, બૉલ્ટ, હાર્દિક અને ચાહર વિકેટ વિનાના રહ્યા હતા.