Mon May 25 2026

Logo
IPL 2026:

ધોનીએ બૅટ પર ઑટોગ્રાફ આપ્યો, પણ સૅમસને ચોખ્ખી ના પાડી દીધી! જાણો, કેમ આવું કર્યું...

2 months ago
Author: Ajay Motiwala
Article Image

ચેન્નઈઃ ભારતનો સ્ટાર ઓપનિંગ બૅટ્સમૅન તાજેતરમાં ભારતને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવ્યા પછી હવે દેશને આ ફૉર્મેટનું સૌપ્રથમ ટાઇટલ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની સાથે બે મહિના આઇપીએલની મોજ તો માણશે જ તેમ જ તેની સાથે ડ્રેસિંગ-રૂમ શૅર કરીને તેની પાસેથી ઘણું નવું શીખશે પણ ખરો, પરંતુ એ પહેલાં જ સૅમસને ધોનીને એવું સન્માન આપ્યું છે જે બદલ અસંખ્ય ક્રિકેટચાહકોએ સોશ્યલ મીડિયામાં સૅમસનને બિરદાવ્યો છે.

સૅમસન હવે રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ની ટીમમાં નહીં, પણ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં આવી ગયો છે. સીએસકેની ટીમે 28મી માર્ચે શરૂ થનારી આઇપીએલની 19મી સીઝન માટે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે અને શનિવારે એવા જ એક પ્રૅક્ટિસ સેશનના દિવસે સૅમસને (Samson) મહાન ખેલાડી ધોનીની કદર કરતો એક અભિગમ અપનાવ્યો હતો.

એક ઇવેન્ટમાં એમએસ ધોનીએ એક બૅટ પર ઑટોગ્રાફ આપ્યો ત્યાર બાદ ઇવેન્ટના આયોજકોએ સૅમસનને પણ ઑટોગ્રાફ માટે વિનંતી કરી હતી. જોકે સૅમસને વિનમ્રતાથી ના પાડી દીધી હતી. સૅમસનનો ઇરાદો એવો હતો કે એ બૅટ પર સીએસકેના લેજન્ડનો એકલાનો જ ઑટોગ્રાફ શોભે. જોકે પછીથી ધોનીએ એ બૅટ પર સૅમસનનો ઑટોગ્રાફ અપાવ્યો હતો. સૅમસને કચવાતા મનથી ઑટોગ્રાફ આપ્યો હતો અને એ બૅટ પર ધોની સાથે પોતાનો પણ ઑટોગ્રાફ હોવા બદલ ગૌરવ અનુભવ્યું હતું.

સૅમસને તાજેતરમાં જ કહ્યું હતું કે તે ધોની સાથે સીએસકે વતી રમીને તેમ જ ડ્રેસિંગ-રૂમમાં તેની પાસેથી ઘણું નવું શીખશે.