Sun May 03 2026

Logo

મુંદ્રા બંદર પર DRIનો સપાટો: ટિસ્યૂ પેપરના નામે મગાવાયેલી ₹20 કરોડની સિગારેટ ઝડપાઈ

1 day ago
Author: MayurKumar Patel
Article Image

ભુજઃ મુંદ્રા બંદર પર અમદાવાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે રૂા. ૧૯.૮૭ કરોડની કિંમતની આયાતી સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ટિસ્યૂ પેપરના નામે આ માલ મગાવીને કરોડો રૂપિયાની ડ્યુટી ચોરીનો ખેલ ખેલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું

સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિંગાપોરથી આવેલા અને દાદરી ઇનલેન્ડ કન્ટેનર ડેપો જઈ રહેલા કન્ટેનર અંગે ડીઆરઆઈને ગુપ્ત બાતમી મળી હતી. જેના આધારે આ કન્ટેનરની તપાસ કરતા દસ્તાવેજોમાં 'ટિસ્યૂ પેપર'નો જથ્થો હોવાનું દર્શાવાયું હતું, પરંતુ વાસ્તવમાં તેમાંથી ૨૨.૮૦ લાખ નંગ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આયાતી સિગારેટ પર ભારતમાં ખૂબ ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટી હોવાથી, આર્થિક ફાયદો મેળવવા માટે માલની ખોટી વિગતો દર્શાવીને આ તસ્કરી કરવામાં આવી હતી.

ડીઆરઆઈ દ્વારા આ જથ્થાને 'નકલી' (ડુપ્લીકેટ ગોલ્ડ ફ્લેક) ગણાવવામાં આવ્યો છે, જે સામે પ્રશ્નો ઊભા થયા છે કે જો ભારતમાં અસલી આયાતી સિગારેટ સરળતાથી ઉપલબ્ધ હોય, તો નકલી માલ કોણ લે? આ બાબતે તપાસનીશી એજન્સી અને આયાતકાર વચ્ચેની ભૂમિકા અંગે પણ શંકાઓ વ્યક્ત થઈ રહી છે.

બીજી તરફ, મુંદ્રા બંદર પર ડ્રાય ખજૂરના ૬૦ થી ૭૦ કન્ટેનરો પણ અટકાવવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાનથી આયાત થતા ખજૂર પર ૨૦૦ ટકા જેટલી માતબર ઈમ્પોર્ટ ડ્યુટી ટાળવા માટે, માલ દુબઈથી આવ્યો હોવાનું દર્શાવીને દાણચોરી કરવાની આ નવી મોડસ ઓપરેન્ડી હોવાની પ્રબળ શક્યતા છે. કન્ટેનરોનું જોડાણ નાપાક પાકિસ્તાન સાથે હોવાની આશંકા વચ્ચે કસ્ટમ અને ડીઆરઆઈ તંત્ર દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા હાલ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)