Sun May 03 2026

Logo

સુરતમાં ટ્રેક્ટર ઉછળતા બાળકનું મોત, જામ ખંભાળિયામાં આખલાએ કિશોરનો જીવ લીધો

3 hours ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સુરતમાં અક્સમાતની એક હચમચાવી દેતી ઘટના ઘટી હતી. અહીં પિતા ટ્રેક્ટર ચલાવતા હતા અને તેમાં બેસેલું 3 વર્ષનું બાળક ઉછળી રસ્તા પર પટકાતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. તો બીજી બાજુ જામ ખંભાળીયામાં એક રખડતા આખલાએ 13 વર્ષના કિશોરને મારી નાખવાની ઘટના ઘટી હતી.

ઘટનાની મળતી વિગતો અનુસાર સુરતમાં પાલનપુર જકાતનાકા પાસે સુરેશભાઈ ડામોર અને તેમનો પરિવાર રહે છે. આ શ્રમિક પરિવાર મૂળ દાહોદના વતની છે. સુરેશભાઈ ટ્રેક્ટર પણ ચલાવતા હોવાથી તેઓ પત્ની અને ત્રણ બાળકને ટ્રેક્ટરમાં બેસાડી કેનાલ રોડથી પાલનપુર તરફ જતા હતા. ટ્રેક્ટર જ્યારે મોગાભાગળ બોટનિકલ ગાર્ડન પાસેના વૉક-વે રોડ પરથી પસાર થયું ત્યારે એકાએક સ્પીડ બ્રેકર આવતા ટ્રેકટર ઉછળ્યું હતું અને તેમાં બેસેલો તેમનો ત્રણ વર્ષનો પુત્ર આકાશ પણ ઉછળ્યો હતો અને રસ્તા પર પટકાતા તે ટ્રેક્ટરના વ્હીલ નીચે આવી ગયો હતો. તેને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ અહીં તેનું મોત નિપજ્યું હતું. 

બીજી બાજુ જામ ખંભાળીયામાં સાહિલ મહેન્દ્રભાઈ નકુમ નામના 13 વર્ષીય બાળકનો આખલાએ જીવ લીધો હતો. સાહિલ સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર ઊભેલા એક આખલાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો અને તે સાયકલ પરથી પટકાયો હતો. અહીં હાજર લોકોના જણાવ્યા અનુસાર આખલાનું શિંગડુ સાહિલની છાતીમાં ભરાઈ ગયું હતું. આસપાસના લોકો તેની મદદે દોડ્યા હતા અને તેને હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ કમનસીબે તેનું મોત નિપજ્યું હતું.