આણંદઃ વિધાસભા ચૂંટણીની સેમીફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. મધ્ય ગુજરાતની ચાર મહાનગર પાલિકા, 11 જિલ્લા, 85 તાલુકા પંચાયત અને 28 નગરપાલિકાનું પરિણામ આવી ચૂક્યું છે. ઉમરેઠ નગરપાલિકામાં 28 બેઠકમાંથી 24 બેઠક પર ભાજપને સફળતા મળી છે. આણંદ જિલ્લાને કોંગ્રેસના કદાવર નેતા અમિત ચાવડાનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસ આ ગઢને બચાવી શકી નથી. આણંદ મહાનગર પાલિકામાં કુલ 52માંથી 13 બેઠક પર ભાજપને સફળતા મળી છે.
ભાજપને મોટી સફળતા
જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લા પંચાયતની 40 બેઠકમાંથી 23 પર ભાજપને સફળતા મળી છે, જ્યારે ત્રણ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. નગરપાલિકાની વાત કરવામાં આવે તો બારેજા, વિરમગામ, ધોળકા, ઉમરેઠ અને બોરસદ આ તમામ જગ્યાઓ પર કોંગ્રેસને એક બેઠક પણ મળી નથી. આમ આદમી પાર્ટીને બોરસદમાં એક બેઠક મળી છે. મધ્ય ગુજરાતમાં આવેલી જુદી જુદી નગરપાલિકામાં કોંગ્રેસના ચિત્ર પર ફોક્સ કરીએ તો 144 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે જ્યારે ભાજપને કુલ 507 બેઠક પર સફળતા પ્રાપ્ત થઈ છે. આમ મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો એક સમયે જે દબદબો હતો એ હવે ઓસરી રહ્યો છે.
એક દિવસ પહેલા જ સંવેદનશીલ માહોલ
કરમસદ અને આસોદરમાંથી મતદાનના આગલા દિવેસ ધીંગાણું થયું હતું. મારામારી અને હિંસાની ઘટનાને કારણે આણંદની આસપાસના વિસ્તારમાં મતદાન પહેલા જ સ્થિતિ સંવેદનશીલ બની ગઈ હતી. આની અસર ક્યાંય થઈ હોવાનું રાજકીય નિષ્ણાંતો માને છે. આણંદમાં જ્યારે નગરપાલિકા હતી એ સમયે પણ ભાજપનું પલડું ભારે રહ્યું હતું. મતદારોનો મૂડ આ વખતે ચોક્કસથી બદલાયેલો જોવા મળ્યો છે. એવું પણ જાણવા મળ્યું હતું કે, કોંગ્રેસ સિંપથી વૉટ લેવામાં પણ ન ફાવી. કારણ કે, વૉર્ડ.13ના કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થયો એ સમયે ફરી એકવાર આક્ષેપબાજીની ખેંચતાણ શરૂ થઈ હતી. આમ કોંગ્રેસના કદાવર નેતા પ્રજાને રીઝવવામાં ફરીવાર નિષ્ફળ સાબિત થયા.