Wed Apr 22 2026

Logo

સાણંદ-ધોલેરામાં નિર્માણ થશે ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક, રૂ. 1000 કરોડથી વધુનું રોકાણ કરાશે

1 week ago
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે. હાલ રાજ્યમાં 1.24 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટને  ગતિ આપવા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક એમ.ઓ.યુ. શુક્રવારે કરવામાં આવ્યા હતા.

ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગ મજબૂત થશે 

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ભારતમાં તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને એલિજિયન્સ ગૃપના ચેરમેન  સીમોન લીના તથા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ  પી.ભારથીએ હસ્તાક્ષર કર્યા હતા. આ એમ.ઓ.યુ. અન્વયે મેસર્સ એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ભારતમાં કામગીરી સ્થાપિત કરવા માંગતા ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગને મજબૂત બનાવશે.

12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક

આ માટે સાણંદ-ધોલેરામાં ઈન્ડો તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી રૂ. 1,000 કરોડથી વધુના વિદેશી સીધા પ્રસ્તાવિત મૂડી-રોકાણ (FDI)નો અને પાંચ વર્ષના સમયમાં લગભગ 12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે

આના પરિણામે સેમિકન્ડક્ટર અને તેના આનુષંગિક ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓને સેવા આપવા માટે તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ વધુ સુદ્રઢ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે.

આ એમ.ઓ.યુ. સાઈનિંગ અવસરે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાંત પાંડે, સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટર  નેહા કુમારી અને તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.