ખાંડ ક્ષેત્રમાં કટોકટી સર્જાશે આથી સરકારે નિર્ણય પાછો લેવો જોઈએઃ જયંત પાટીલ
નવી દિલ્હીઃ સ્થાનિક સ્તરે ખાંડની ઉપલબ્ધિ વધારવા અને ભાવ અંકુશમાં રાખવા માટે આજે સરકારે ખાંડની નિકાસ પર આગામી 30મી સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય બાબત એ છે કે અગાઉ ખાંડની નિકાસને નિયંત્રાત્મક શ્રેણીમાં મૂકવામાં આવી હતી. આ શ્રેણી હેઠળ શિપમેન્ટ કરવા માટે લાઈસન્સ જરૂરી હતું.
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા ગઈકાલે 13મી મેના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ખાંડની નિકાસ નીતિ (કાચી, સફેદ ખાંડ અને રિફાઈન્ડ ખાંડ) હેઠળ ખાંડને નિયંત્રાત્મક શ્રેણીમાંથી દૂર કરીને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે જે આગામી 30મી સપ્ટેમ્બર, 2026 સુધી અથવા તો કોઈ નવો આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી રહેશે.
જોકે, આ આદેશ અમેરિકા અને યુરોપ ખાતે અનુક્રમે સીએક્સએલ અને ટૅરિફ રેટ ક્વૉટા એરેન્જમેન્ટ હેઠળ થતી નિકાસને લાગુ નહીં થાય. આ સુવિધા અંતર્ગત નિકાસકારોએ ચોક્કસ માત્રામાં નોંધપાત્ર ડ્યૂટી ઘટાડા અથવા તો શૂન્ય ટકા કસ્ટમ ડ્યૂટી ધોરણે કરવાની હોય છે. વધુમાં ડીજીએફટીનો આ આદેશ એડવાન્સ ઑથોરાઈઝેશન સ્કીમ, સરકારથી સરકાર થતી નિકાસ અને પાઈપલાઈન હેઠળ રહેલા શિપમેન્ટોને લાગુ નહીં થાય.
દરમિયાન રાષ્ટ્રવાદી કૉંગે્રસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે સરકારે આ નિર્ણય કોઈ નક્કર યોજના વિના લીધો છે. સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રની ખાંડ મિલોને બમણો ફટકો પડશે. આમ પણ ખાંડ મિલો અતિરિક્ત માલબોજ અથવા તો સ્ટોક અને ખેડૂતોને શેરડીની ખરીદી પેટે ચૂકવવા પડતા સામાન્ય વળતરદાયી ભાવના વધારાથી નાણાંકીય દબાણ હેઠળ અને હવે નિકાસ પ્રતિબંધથી ખાંડ ક્ષેત્ર કટોકટી હેઠળ આવશે આથી સરકારે ત્વરીતપણે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમ માટે અનાજ મંત્રાલયે આરંભિક તબક્કામાં 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી, ત્યાર બાદ વધુ પાંચ લાખ ટન પૂલ ખોલવામાં આવ્યું હતું અને તેમાંથી માત્ર 87,587 ટનની નિકાસ મંજૂર કરવામાં આવી હતી. આમ કુલ 16 લાખ ટન ખાંડની નિકાસ મંજૂર કરવામાં આવી છે. જોકે, અનાજ મંત્રાલય અને ખાંડ મિલો સમગ્ર ખાંડ મોસમ 2025-26માં 7.5 લાખ ટનથી આઠ લાખ ટન ખાંડની નિકાસ થવાનો અંદાજ મૂકી રહ્યા છે.
સ્થાનિક ખાંડ ઉદ્યોગના અગ્રણી સંગઠન ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશને વર્તમાન ખાંડ મોસમમાં ગત એપ્રિલ સુધીમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકનું ઉત્પાદન વધુ રહેતાં દેશમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ 7.32 ટકા વધીને 2.752 કરોડ ટનનો મૂક્યો છે. જોકે, સમગ્ર ખાંડ મોસમ 2025-26માં ઈથેનોલ માટે ખાંડ વિકેન્દ્રિત થયા બાદ ઉત્પાદન આગલી ખાંડ મોસમના 2.612 કરોડ ટન સામે વધારીને 2.93 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે.
પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટીને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ખાંડના ભાવમાં વધારો ન થાય અને ફુગાવામાં વધારો ન થાય તે માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ ઑક્ટોબર, 2022માં ભારતે ખાંડની નિકાસ પર નિયંત્રણો મૂક્યા હતા અને સમયાંતરે નિકાસ નિયંત્રણોની મુદત વધારવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે વૈશ્વિક સ્તરે ખાંડના ઉત્પાદનમાં ભારત બ્રાઝિલ પછી બીજો ક્રમાંક ધરાવે છે, પરંતુ તેની નિકાસ સરકારી નિયંત્રણો હેઠળ થાય છે.