Thu May 14 2026

Logo

ભારતે ખાંડની નિકાસ પર તત્કાળ પ્રભાવથી લગાવ્યો પ્રતિબંધ, નિર્ણય સપ્ટેમ્બર સુધી રહેશે લાગૂ

5 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારત સરકારે તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નિકાસ પરનો આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર અથવા આગામી આદેશ સુધી અમલમાં રહેશે. સરકારે આ પગલું દેશમાં ખાંડનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે ઉઠાવ્યું છે.

ભારતે સુગર એક્સપોર્ટ પર કેમ પ્રતિબંધ મૂક્યો?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ, આ પ્રતિબંધ કાચી(Raw), સફેદ અને શુદ્ધ (રિફાઇન્ડ) ખાંડ પર લાગુ પડશે. સરકારે નીતિમાં ફેરફાર કરીને ખાંડને 'પ્રતિબંધિત' (Prohibited) શ્રેણીમાં મૂકી દીધી છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ વર્તમાન ટેરિફ-રેટ ક્વોટા અને વ્યવસ્થાઓ હેઠળ યુરોપિયન યુનિયન અને અમેરિકામાં થતી ખાંડની નિકાસને લાગૂ પડશે નહીં.

ખરીદારોને વધારે શિપમેન્ટ મોકલવાની તક 

એક રિપોર્ટ અનુસાર ભારતે સ્થાનિત કિંમતોને નિયંત્રિત કરવા માટે ખાંટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું આ પગલું વૈશ્વિક સફેદ અને Raw સુગરની કિંમતોને સપોર્ટ કરી શકે છે. જેનાથી બ્રાઝિલ અને થાઇલેન્ડ જેવા હરીફ ઉત્પાદકોને એશિયન અને આફ્રિકી બાયરને વધુ શિપમેન્ટ મોકલવાની તક મળશે. ભારત, બ્રાઝિલ પછી દુનિયાનો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ છે. 

આવતી સીઝનનું ઉત્પાદન પ્રારંભિક અંદાજથી ઓછું?

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પહેલા મિલોને 1.59 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે સતત બીજા વર્ષે ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા ઓછું રહેવાની શક્યતા છે. મુખ્ય શેરડી ઉત્પાદક વિસ્તારોમાં શેરડીના પાકમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, 'અલ નીનો' હવામાનની સ્થિતિ આ વર્ષના ચોમાસામાં ખલેલ પહોંચાડી શકે છે, જેના કારણે આગામી સીઝનનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતા પણ ઓછું રહેવાનું જોખમ વધી ગયું છે.

ઉત્પાદન અને નિકાસની વર્તમાન સ્થિતિ

નિકાસ માટે મંજૂર કરાયેલ 1.59 મિલિયન ટન ખાંડમાંથી વેપારીઓએ આશરે 8 લાખ ટનના કરાર કર્યા હતા. જેમાંથી 6 લાખ ટનથી વધુ ખાંડ પહેલેથી જ વિદેશ મોકલી દેવામાં આવી છે. સરકારે Raw અને સફેદ ખાંડની નિકાસ પર રોક લગાવવાની વાત કરી છે. જોકે, જે શિપમેન્ટ પહેલેથી જ નિકાસની પ્રક્રિયા (પાઇપલાઇન) હેઠળ છે, તેમને કેટલીક શરતો સાથે આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે.