Thu May 14 2026

Logo

Mango City Of India: જાણો ભારતના કયા શહેરને કહેવાય છે 'કેરીઓનું શહેર'? જ્યાંની કેરીઓનો સ્વાદ એક વખત ચાખશો તો...

1 hour ago
Author: Darshana Visaria
Article Image

Gemini Ai Generated Image


અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીમાં મનને અને પેટને ઠંડક અપાવે એવી એક જ બાબત છે અને એ એટલે કેરી. કેરીને ફળોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યું છે. બળબળતી બપોરે સરસ મજાની ઠંડી ઠંડી કેરી મળી જાય તો તો ગંગા ન્હાયા... ભારતના મોટાભાગના રાજ્યમાં અલગ અલગ જાતની કેરીઓ પાકે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતનું કયું શહેર કેપિટલ ઓફ મેંગોના નામે ઓળખાય છે? મોટા ભાગના લોકોને આ સવાલનો જવાબ નહીં ખબર હોય, પણ ડોન્ટ વરી આજે અમે આ સ્ટોરીમાં તમે આ વિશે જણાવીશું... 

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પશ્ચિમ બંગાળમાં આવેલા માલદા શહેરને જે 'મેંગો સિટી ઓફ ઇન્ડિયા'નો દરજ્જો મળ્યો છે, તેની પાછળ એક સમૃદ્ધ ઇતિહાસ અને સ્વાદનો ખજાનો છુપાયેલો છે. વાત કરીએ માલદાના કેરીના સામ્રાજ્ય અને તેની વિશેષતાઓ વિશે તો તે ખૂબ જ રસપ્રદ છે. 

માલદા: ભારતનો વિશાળ 'મેંગો બેલ્ટ'

પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં મહાનંદા નદીના કિનારે વસેલું માલદા સદીઓથી કેરીની ખેતીનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીં કેરીના બગીચાઓ 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા છે. આ ઉદ્યોગ હજારો પરિવારોને ખેતી, પેકેજિંગ અને પ્રોસેસિંગ દ્વારા રોજગારી પૂરી પાડે છે.

વાત કરીએ માલદાની કેરીઓના સ્વાદ અને ખાસિયત વિશે તો અહીં દરેક કેરીનો સ્વાદ અને સુગંધ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. ચાલો એક નજર કરીએ અહીંની કેટલીક ખાસ કેરીઓ પર... 

લક્ષ્મણભોગ: આ કેરી માલદાની શાન છે અને તેને જીઆઈ ટેગ (Geographical Indication) મળ્યો છે. નિકાસ માટે આ સૌથી વધુ પસંદ કરવામાં આવતી જાત છે.

હિમસાગર: આ જાતની કેરીઓમાં બિલકુલ રેશા હોતા નથી અને તેનો પલ્પ એકદમ રેશમી અને અત્યંત મીઠો હોય છે. જોકે, આ કેરીની સિઝન ખૂબ જ ટૂંકી હોય છે.

લંગડા: અનોખી સુગંધ અને ખટ્ટા-મીઠા સ્વાદ માટે જાણીતી આ કેરી પાકી ગયા પછી પણ બહારથી લીલી દેખાય છે.

ફઝલી: કદમાં મોટી અને મજબૂત પલ્પ ધરાવતી આ કેરી લાંબા સમય સુધી ટકી શકતી હોવાથી વેપાર માટે આદર્શ છે.

માત્ર કેરી જ નહીં, ઈતિહાસ પણ છે ખાસ

માલદા માત્ર સ્વાદના શોખીનો માટે જ નહીં, પણ ઇતિહાસ પ્રેમીઓ માટે પણ એક જોવાલાયક સ્થળ છે. અહીંના પ્રાચીન શહેરો ગૌર અને પાંડુઆ એક સમયે બંગાળની રાજધાની રહ્યા છે. અહીંના મુખ્ય અને જોવા લાયક ફિરોઝ મિનાર, દખિલ દરવાજા અને એકલખી મકબરા જેવા સ્થાપત્યો આજે પણ મુલાકાતીઓને આકર્ષે છે.