નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા વાહન અકસ્માતને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ભારતમાં લેન ડ્રાઈવિંગનો કોન્સેપ્ટ જ નથી. આ જ કારણે વાહનોના વધુ પડતા અકસ્માત થાય છે. આ મામલે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે એ અનિવાર્ય છે. કોર્ટે સુરક્ષા અંગે પગલાં લેવા આદેશ આપ્યા છે. કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આદેશ કર્યો છે કે, પબ્લિક ટ્રાંસપોર્ટ ગાડીમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ ડિવાઈસ મૂકવામાં આવે છે. આ ઉપરાંત ઈમરજન્સી પેનિક બટન ફરજિયાતપણે લગાવવામાં આવે.
સુરક્ષાના હેતુથી અનિવાર્ય
આ ડિવાઈસ ખાસ કરીને મહિલા, વૃદ્ધો અને બાળકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2018માં આ નિયમ લાગુ કર્યો હતો પણ હવે માત્ર 1 ટકા વાહનોમાં જ આ ડિવાઈસ લાગ્યા છે. ચીફ જસ્ટિસ પારદીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે 2012માં દાખલ થયેલી સર્જન એસ. રાજશેખરની જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા આ વાત કહી હતી. આ અરજીમાં દેશભરમાં માર્ગ સુરક્ષામાં વધારો કરવાની માગ કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પબ્લિક ટ્રાંસપોર્ટની ગાડીમાં ત્યાં સુધી ફીટનેસ સર્ટિફકેટ નહીં મળે જ્યાં સુધી એમાં VLTD (વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ) અને પેનિક બટન લાગેલું નહીં હોય.
વાહન નિર્માતા સાથે વાત કરવી જરૂરી
કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર કરતા ગાડી ઉત્પાદકોની સાથે વાતચીત કરવાનો આદેશ આપ્યો છે. જેથી ઉત્પાદન સમયે જ આ ડિવાઈસને વ્યવસ્થિત લગાવી શકાય. બેંચે કહ્યું હતું કે, ટ્રેકિંગ ડિવાઈસ અને તેની કાર્યક્ષમતાને વાહન સાથેના જે તે ડેટાબેઝ સાથે જોડી દેવામાં આવે. જેથી કરીને આના પર રીયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ જોડી શકાય. જૂના વાહનો માટે પણ આ ડિવાઈસને ફરજિયાત બનાવવા આવે તો પણ ઘણો ફાયદો થાય એમ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્પીડ લિમિટિંગ ડિવાઈસને લઈને પણ રાજ્યની નરમ નીતિ પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, તમામ પબ્લિક ટ્રાંસપોર્ટ વાહનમાં સ્પીડ ગવર્નર હોવું જરૂરી છે. કોર્ટે રાજ્યોને આગામી સુનાવણી સુધી વિગતવાર રિપોર્ટ દાખલ કરવા પણ આદેશ આપ્યા છે. જેમાં વાહન પોર્ટ પર આંકડા સાથે દર્શાવવાનું રહેશે કે, વાહનોમાં ડિવાઈસ ઈન્સ્ટોલ થઈ ચૂક્યા છે.
ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો
કોર્ટે ઉમેર્યું હતું કે, અગાઉ પણ આ અંગે આદેશ આપ્યા છે છતાં અત્યાર સુધી રોડ સેફ્ટિ લઈને બોર્ડની રચના થઈ નથી. આ અંગે કેન્દ્ર સરકારને અંતિમ સમય આપવામાં આવે છે ત્રણ મહિનાની અંદર આ રચના કરવી પડશે. રસ્તા પર બનેલા વ્હાઈટ અને પીળા પટ્ટાની અંદર જ વાહન ચલાવવું એ જ લેન ડ્રાઈવિંગ છે. આ માટે દરેક રસ્તા પર ચોક્કસ વાહન લિમિટ નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને હાઈવ પર થતા અકસ્માત અને સિટીમાં થતા વાહન અકસ્માતને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટે આ પ્રકારની ટકોર કરી હતી. આ ઉપરાંત રસ્તા પર મનફાવે એમ વાહન પાર્કિંગને લઈને પણ વાત કહી હતી. પાર્કિંગ સ્લોટ હોવા છતાં પાર્કિંગ ન થતા હોવાને કારણે રસ્તા પર અનેકવાર ટ્રાફિક જામ થાય છે.